રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 એપ્રિલ 2019 (16:05 IST)

નરેન્દ્ર મોદીની સોનગઢમાં જાહેરસભા, 'કૉંગ્રેસના રાજમાં આતંકવાદ જન્મ્યો અને વકર્યો'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે સભા સંબોધતા કહ્યું કે કૉંગ્રેસના લોકોને ભારતના સપૂતોમાં ભરોષો નથી તેમને પાકિસ્તાનના લોકોની વાતોમાં ભરોષો છે. 
 
તેમણે વધુમાં કહ્યું, "આતંકવાદ કૅન્સર જેવું છે. તે કૉંગ્રેસના રાજમાં જન્મ્યો અને વકર્યો પરંતુ તેમણે આ મુદ્દે કંઈ નથી કર્યું."
 
"દેશના લાખો કરોડો રૂપિયા આતંકવાદ સામે લડવા સુરક્ષાદળોમાં વાપરવામાં આવી રહ્યા છે."
 
મોદીએ કૉંગ્રેસ પર વધુમાં પ્રહાર કરતા કહ્યું કે લગભગ 15 વર્ષ પછી કૉંગ્રેસને મધ્ય પ્રદેશમાં પગ મૂકવાની તક મળી અને પ્રથમ દિવસે 280 કરોડો રૂપિયા મળી આવ્યા. તેમને નાણાં સંગ્રહ કરવાની ટેવ પડી છે. તેમણે કહ્યું, "યૂપીમાં જાવ કે પ.બંગાળમાં આ લોકોનો એક જ સૂર છે કે મોદી હટાવો...મોદી હટાવો."
 
ગુજરાતનમાં પાણીની સમસ્યાને લઈને મોદીએ કહ્યું, "હું પાણીના સંકટને સમજૂ છું. આગામી સમયમાં પાણીનું ભયંકર સંકટ થશે. એટલા માટે આપણા દેશમાં પાણી માટેનું અલગ મંત્રાયલ બનશે."
 
તેમણે એવું પણ કહ્યું કે કૉંગ્રસે દેશના ખેડૂતોને મૂરખ બનાવવાનું કામ કર્યું છે.
 
દુનિયાની સૌથી મોટી યોજના આયુષ્યમાન યોજના હેઠળ 50 કરોડ લોકોને આનો લાભ મળશે.
 
"અમેરિકા, કૅનેડા, અમે મેક્સિકોની જનસંખ્યા બરાબર લોકોને આ યોજનાનો લાભ મળશે."
 
જે લોકો 21મી સદીમાં જન્મયા છે તેમને પ્રથમ વખત સરકાર બનાવવાની તક મળી છે. પ્રથમ મતદાતાઓને વિનંતી છે કે એવી સરકાર બનાવો જે તમારા સપનાં ઉજ્વળ કરે.
જૂનાગઢમાં મોદીની સભા
 
સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે જાહેરસભા સંબોધન કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. અહીંથી તેઓ ગુજરાતમાં ચૂંટણીપ્રચારની 'ઔપચારિક' શરૂઆત કરી છે. આ સભા બાદ મોદી દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે સભા સંબોધશે. જૂનાગઢ ખાતે નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી અને સોરઠવાસીઓ અને કાઠીયાવાડીઓના ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં તેમણે હિંદીમાં ભાષણ શરૂ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખતના મતદારોને અચૂકપણે મત આપવા જવાની અપીલ કરી હતી.
 
તેમણ કહ્યું, "આજે આપને વિનંતી કરવા આવ્યો છું કે તમે ભાજપને ફરી જીતાડો. ફરી 26માંથી 26 બેઠક જીતાડજો."
 
"જે યુવાનો 21મી સદીમાં જન્મયા છે. આ યુવાનો પહેલી વાર મતદાર બન્યા છે. જીવનનો પહેલો વોટ આપવા જાય."
 
"પહેલો વોટ જાતિ-સંપ્રદાયને નહીં, માત્ર દેશને જ સમર્પિત હોય. મજબૂત દેશ અને મજબૂત સરકાર માટે હોવો જોઈએ."
 
 
'સપૂતો પર વિશ્વાસ છે કે સબૂતો પર?'
 
વડા પ્રધાન મોદીએ કહ્યું, "સેનાને માત્ર એટલું જ કહેવાનું હોય કે તમને છૂટ છે ભાઈ. કેટલાક લોકો ભારતની સેના ઉપર શંકા કરે છે."
 
"દેશના સપૂતો પર ભરોસો છે કે સબૂતો પર ભરોસો છો."
 
"સર્જિકલ સ્ટ્રાઇક અને ઍરસ્ટ્રાઇકથી કૉંગ્રેસથી ડરી રહી છે. આપણા જવાનોએ પાકિસ્તાનમાં પરાક્રમ કર્યું અને કૉંગ્રેસને પેટમાં દુખે છે. તમને આ જવાનોના પરાક્રમ ઉપર ગર્વ છે કે નહીં."
 
તેમણે કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ગુજરાત નસીબદાર છે કે કૉંગ્રેસને અહીં પેસવા નથી દીધી. જો પેસવા દીધી હોત શું દશા કરી હોત.
 
"આ દેશને લૂંટનારાઓની પાસેથી પાઈ-પાઈ પાછી લઈશ."
 
મોદીએ કહ્યું, "જમ્મુ અને કાશ્મીર માટે અલગ વડા પ્રધાન માગનારાઓને કૉંગ્રેસ સમર્થન આપે છે. શું તમે એક દેશમાં બે વડા પ્રધાનને સ્વીકારી શકો?"
 
"અમદાવાદ, અક્ષરધામ, મુંબઈમાં આતંકવાદી હુમલા થતા હતા. દસ વર્ષથી રિમોટ કંટ્રોલથી સરકાર ચાલતી હતી. તમારામાં નૂર ન હોય અને તાકાત ન હોય તો જેનામાં તાકાત છે, તેને તો કરવા દો."
 
"અમે નક્કી કર્યું છે કે જ્યાંથી આતંકવાદીઓને ખાતર મળે છે અને લાલનપાલન થાય છે, તેને ઊગતું જ પૂરું કરી નાખવાનું છે."
 
માછીમારોને સબસિડી
 
વડા પ્રધાન મોદીએ કહ્યું, "ગુજરાત બ્લૂ રિવૉલ્યુશનનું નેતૃત્વ કરશે, માછીમારોના કલ્યાણ માટે અલગ મંત્રાલય ઊભું કરાશે. કિસાન ક્રેડિટ કાર્ડની તર્જ ઉપર માછીમારો માટે કાર્ડ લૉન્ચ કરવામાં આવશે."
 
"વધુ માછલીઓ મળે અને નિકાસ વધે એ માટે ટ્રેલર અને જાળની ખરીદી કરવામાં સબસિડી આપવામાં આવશે."
 
"હવે જે દુનિયામાં મોટામાં મોટું જ કરવું છે. આયુષ્માન ભારત દુનિયાની સૌથી આરોગ્ય યોજના છે. સરદાર સાહેબનું સ્ટેચ્યૂ એટલે દુનિયાનું મોટામાં મોટું."
 
"કૉંગ્રેસના કાર્યકાળમાં દસ વર્ષમાં 25 લાખ ઘર બન્યા અને પાંચ વર્ષમાં દોઢ કરોડ ઘર બનાવ્યા. 2022 સુધીમાં દરેક ગરીબને ઘર આપીશું."
 
'પાંચ વર્ષનો હિસાબ આપવા આવ્યો છું'
 
નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું પાંચ વર્ષનાં કામોનો હિસાબ આપવા આવ્યો છું અને વધુ પાંચ વર્ષ માટે જનાદેશ લેવા આવ્યો છું."
 
"આ ચોકીદારે જે કામ કર્યું છે તેના પર તમને ગર્વ છે કે નહીં? આ સરકાર ઉપર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લાગ્યો."
 
"હું ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરું છું એટલે તેઓ તમારા આ દીકરાને-ચોકીદારને ગાળો ભાંડે છે."
 
તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, "કૉંગ્રેસ ગરીબીનો એકનો એક મુદ્દો વારંવાર ઉઠાવ્યા રાખે છે અને તેને વેચતા રહે છે."
 
આ સભા મહત્ત્વપૂર્ણ કેમ?
 
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હોવાને લીધે આ ચૂંટણીસભા મહત્ત્વપૂર્ણ છે. 
મોદી જૂનાગઢની ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી પાસે આવેલા મેદાનમાં જાહેરસભાને સંબોધી હતી. આ સભા દ્વારા તેઓ લોકસભાની જૂનાગઢ અને પોરબંદર બેઠક ઉપરાંત વિધાનસભાની માણાવદર બેઠક ઉપર સીધો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે.
ઉપરાંત દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધીને મોદી ગુજરાતની બે તથા મહારાષ્ટ્રની એક બેઠકના મતદારો સુધી પહોંચવાનો સીધો પ્રયાસ કરશે.