ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 ઑક્ટોબર 2019 (16:56 IST)

ભારત અને ચીન વચ્ચેના મતભેદ અંગે નરેન્દ્ર મોદીએ જિનપિંગને શું કહ્યું?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે ઔપચારિક મુલાકાત થઈ હતી.

બન્ને નેતા તામિલનાડુના મહાબલીપુરમ (મામલ્લાપુરમ)માં મળ્યા.

મોદી અને જિનપિંગ વચ્ચે કૉવ રિસૉર્ટમાં લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ. એ બાદ બન્ને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ.

ચીનના રાષ્ટ્રપતિ સાથે વિદેશમંત્રી વાંગ યી અને રાજ્યના કાઉન્સિલર યાંગ જીએચી સહિત 100 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું છે.

જ્યારે ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ પણ આ બેઠકનો ભાગ બન્યા છે.
 

બન્ને નેતાઓએ શું કહ્યું?


પ્રતિનિધિમંડળના સ્તરની વાર્તા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું, "21મી સદીમાં ભારત અને ચીન સાથોસાથ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. અમે નક્કી કર્યું છે કે અમે મતભેદો દૂર કરીશું અને કોઈ વિવાદને ઉત્પન્ન નહીં થવા દઈએ. ચેન્નઈની સમિટમાં અમારી વચ્ચે વૈશ્વિક અને દ્વિપક્ષી મુદ્દા પર વાતચીત થઈ. આના થકી બન્ને દેશો વચ્ચે સહયોગનો એક નવો સમય શરૂ થશે."

તો ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે તામિલનાડુમાં મળેલા આવકાર અંગે ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, "તામિલનાડુમાં કરાયેલા સ્વાગતથી બહુ ખુશ છું. ભારતનો આ પ્રવાસ હંમેશાં યાદ રહેશે. મારા આ પ્રવાસમાં ભારત અને ચીન વચ્ચેનું ભાવનાત્મક જોડાણ ગાઢ બન્યું છે. કાલે અને આજે અમારી વચ્ચે સારી વાતચીત થઈ. અમે એકબીજા સાથે મિત્રની જેમ વાત કરી."

આ પહેલાં વિદેશમંત્રાલયના પ્રવક્તા વિજય ગોખલેએ જણાવ્યું હતું કે બન્ને નેતાઓ વચ્ચે વેપાર, અર્થતંત્ર અને રોકાણ સંબંધિત મામલા પર ચર્ચા થશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવાર સાંજે ભારત પહોંચ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણના રાજ્ય તામિલનાડુમાં તેમનું સ્વાગત કર્યું હતું.