ચીને શી જિનપિંગની મુલાકાત પહેલાં કાશ્મીર પરનું પોતાનું વલણ કેમ બદલ્યું?

modi with jinping
Last Modified શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (11:51 IST)

ચીનના રાષ્ટ્રપતિ શુક્રવારે બપોરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડા પ્રધાન મોદી અને જિનપિંગ તમિલનાડુના મહાબલિપુરમમાં મુલાકાત કરશે.

શી જિનપિંગની ભારત મુલાકાત પહેલાં જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ચીનના પ્રવાસે ગયા હતા.

ઇમરાન ખાન જ્યારે ચીનના પ્રવાસે જવાના હતા ત્યારે ચીન તરફથી કાશ્મીર મામલે જે નિવેદન આપવામાં આવ્યું હતું તે પાકિસ્તાનને ખુશ કરનારું ન હતું.

ચીનના વિદેશ મંત્રાલયનું કાશ્મીર પરનું નિવેદન અગાઉથી વિપરીત છે.

થોડા સમય પહેલાં જ ચીને કહ્યું હતું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન યુએન ચાર્ટર અને તેના પ્રસ્તાવોને આધારે થવું જોઈએ.

જોકે હવે ચીને કહ્યું કે કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન દ્વીપક્ષીય સંવાદના માધ્યમથી સમાધાન શોધે.

ચીનના વિદેશ મંત્રાલયને પત્રકારોએ સવાલ પૂછ્યો હતો કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની ચીનની મુલાકાત રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારતપ્રવાસ અગાઉ થઈ છે. શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે?

પાકિસ્તાનના મીડિયાનું કહેવું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાન આ મુલાકાતમાં કાશ્મીરનો પણ મુદ્દો ઉઠાવશે. તમે શું કહેશો?

ચીની વિદેશ મંત્રાલયની

રોજિંદી પ્રેસ-કૉન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું, "કાશ્મીર મુદ્દે ચીનના વલણમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. અમારું વલણ બિલકુલ સ્પષ્ટ છે."

"ભારત અને પાકિસ્તાનને અમારું કહેવું છે કે તેઓ કાશ્મીરની સાથે અન્ય વિવાદોનું દ્વિપક્ષીય વાતચીતથી સમાધાન કરે."

"તેનાથી બંને દેશો વચ્ચે આંતરિક વિશ્વાસ વધશે અને સંબંધો સુધરશે. તેનાથી ભારત અને પાકિસ્તાન બંનેની સમસ્યાનો અંત આવશે."

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 ઑક્ટોબરે બે દિવસીય ભારતયાત્રા પર આવી રહ્યા છે.

અગાઉ ચીને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કરવા મુદ્દે કહ્યું હતું કે ભારત જમ્મુ-કાશ્મીરની યથાસ્થિતિ સાથે કોઈ ચેડાં ન કરે.

પાકિસ્તાન આ મામલાને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લઈ ગયું છે, ત્યાં પણ ચીનનું સમર્થન મળ્યું છે.

એટલું જ નહીં હાલમાં જ કેટલાક દિવસ અગાઉ પાકિસ્તાનમાં ચીનના રાજદૂત યાઓ જિંગે કહ્યું હતું કે કાશ્મીર વિવાદ પર ચીન પાકિસ્તાનની સાથે રહેશે.

યાઓ જિંગે એ પણ કહ્યું હતું કે "અમે કાશ્મીરીઓને તેમના મૌલિક અધિકાર અને ન્યાય અપાવવાની કોશિશ કરી રહ્યા છીએ."

પરંતુ હવે ચીન કહી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલે.

અન્ય એક સવાલ પર ગેંગ શુઆંગે પાકિસ્તાનને ચીનનું 'મહત્ત્વનું ડિપ્લોમૅટિક સહયોગી' ગણાવ્યું અને કહ્યું કે બંને દેશના નેતાઓ વચ્ચે અંગત વાતચીતની પરંપરા રહી છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે અમારો ડિપ્લોમૅટિક અને આંતરિક વિશ્વાસ મજબૂત અને વ્યાવહારિક છે. તો ભારતને પણ ગેંગ શુઆંગે ચીનનો મહત્ત્વનો પડોશી દેશ ગણાવ્યો.

તેમણે કહ્યું, "ભારત અને ચીન બંને વિકાસશીલ દેશ છે. બંને ઊભરતાં મોટાં બજાર છે. ગત વર્ષે વુહાનમાં ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલી વાતચીતથી સંબંધોએ લય પકડ્યો છે."

"બંને દેશ વિભિન્ન ક્ષેત્રોમાં આંતરિક સહયોગ સાથે આગળ વધી રહ્યા છે અને મતભેદોને સંવેદનશીલતા સાથે સંભાળી રહ્યા છે."

શી જિનપિંગ અને ઇમરાન ખાન વચ્ચે થયેલી મુલાકાત બાદ એવા અહેવાલો વહેતા થયા હતા કે બંને નેતાઓ વચ્ચે કાશ્મીરને લઈને ચર્ચા થઈ છે.

આ અહેવાલો બાદ ભારતે તુરંત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને આ મામલે કોઈ અન્ય દેશની દખલગીરી ભારતને મંજૂર નથી.

જોકે, ઇમરાન ખાનની મુલાકાતના સમયે જ ભારતમાં ચીનના રાજદૂત સૂન વેઇડૉન્ગે ટ્વીટ કરીને વિજયાદશમીની શુભકામના પણ પાઠવી હતી.અન્ય એક ટ્વીટમાં વેઇડૉન્ગે પંચશીલ સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં લખ્યું, "આંતરરાષ્ટ્રીયસ્તરે વધતા અનિશ્ચિતતાના માહોલમાં ભારત અને ચીને આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર આંતરિક સહયોગ મજબૂત કરવો જોઈએ. એવી રીતે જેમ અમે ક્યારેક એકસાથે પંચશીલ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. એ પંચશીલ સિદ્ધાંત જે આંતરરાષ્ટ્રીય સંબંધોનો પાયો બની ચૂક્યો છે."

કાશ્મીર મુદ્દે ચીન તરફથી ભારત માટે અસહજ કરનારું નિવેદન પાકિસ્તાનમાં રહેલા ચીનના રાજદૂતનું જ આવ્યું છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ભારતે તેને લઈને શનિવારે ચીન સમક્ષ વિરોધ પણ દર્શાવ્યો હતો.


આ પણ વાંચો :