મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (11:32 IST)

'ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોનો આલ્કોહોલ ટેસ્ટ કરાવવો જોઈએ' - હાર્દિક પટેલ

ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે નિવેદન આપ્યા પછી આ મુદ્દે વિવાદ થઈ રહ્યો છે ત્યારે હાર્દિક પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

અશોક ગેહલોતના નિવેદનને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનું અપમાન ગણાવી માફી માગવાની માગણી કરી છે.

વિજય રૂપાણીની માફી માગવાની વાત સામે અશોક ગેહલોતે કહ્યું છે કે જો તેમણે કહ્યું તે ખોટું હોય અને તે સાબિત કરી દે તો તેઓ રાજકારણ છોડી દેશે. નહીં તો વિજય રૂપાણી રાજકારણ છોડી દે.

અશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી મામલે કહ્યું હતું કે તેઓ ચૂંટણીઓના સમયે એક વર્ષ માટે ગુજરાતમાં હતા. ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે.

આ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "ગેહલોતે ઘરેઘરે દારૂ પીવાય છે એવું કહીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તેમણે ગુજરાતીઓની માફી માગવી પડે."

આને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ગુજરાત કૉંગ્રેસ સરકાર દારૂબંધી બાબતે ગંભીર ન હોવાનું કહ્યું તો અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને શરમ આવવી જોઈએ તેમ કહી વિધાનસભામાં ખાસ સત્રની માગણી કરી.

જોકે, છેલ્લા આ વિવાદમાં ગુજરાતમાં દારૂબંધીને લઈને આંદોલન કરનારા અને તાજેતરમાં કૉંગ્રેસ છોડી ભાજપમા જોડાયેલા નેતા અલ્પેશ ઠાકોર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એમના આ મૌનને લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે.

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે અલ્પેશ ઠાકોરનું આંદોલન દારૂબંધી માટે નહોતું પરંતુ પાટીદાર અનામત આંદોલનની સામે હતું.

અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટાચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસ તરફથી આ જ બેઠક પરથી જીત્યા હતા.

નરેન્દ્ર મોદી અને મશરૂમને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા અને લોકસભાની ચૂંટણી અગાઉ તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ પ્રવેશ કર્યો હતો.
 

પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે કૉંગ્રેસના નેતા છે.

અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના માધ્યમથી 2015-2016 ગુજરાતમાં દારૂબંધીને લઈને આંદોલન કર્યું હતું. એ વખતે એમણે ગુજરાતની વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ આપ્યો હતો.

એક સમયે ગુજરાતના મુખ્ય મંત્રીને આ જ અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડાનું લિસ્ટ સુપરત કર્યું હતું.

એ વખતે અલ્પેશ ઠાકોરે આકરા નિવેદનો કર્યા હતા અને દારૂબંધીના કાયદાને વધારે કડક બનાવવાની માગ કરી હતી.

હાલમાં 44 વર્ષીય અલ્પેશે ગુજરાતના યુવા બેરોજગારો, આંગણવાડી બહેનો, આશાવર્કરોના પ્રશ્નોને લઈને 2014-17 દરમિયાન રાજ્યભરમાં અનેક આંદોલનો કર્યાં હતાં.

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોરસેનાએ દારૂનાં વેચાણ પર જનતારેડ શરૂ કરી હતી, જેમાં ઠાકોર મહિલાઓ અને યુવા જોડાયાં હતાં.

નાગરિકોના દબાણને કારણે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો બદલવો પડ્યો હતો. જોકે, હાલ તેઓ આ મુ્દ્દે મૌન છે.

હાર્દિક પટેલે શું કહ્યું?


હાર્દિક પટેલે એક પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

આ પત્ર મુદ્દે બીબીસી ગુજરાતીએ એમની સાથે ફોન પર વાત કરી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં દારૂબંધી મામલે આંદોલન કરનાર અલ્પેશ ઠાકોર હાલ ચૂપ છે એ વિશે આપ શું કહો છો?

આના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોરે દારૂબંધીનું કોઈ આંદોલન કર્યું નહોતું.

હાર્દિક પટેલનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરનું આંદોલન પાટીદાર અનામત આંદોલન સામે હતું અને દારૂબંધી તો માત્ર એમની વાત હતી,

હાર્દિક પટેલનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં છે અને ભાજપમાં બોલવાની આઝાદી હોતી નથી એટલે તેઓ આ મુદ્દે કંઈ નહીં બોલે.
 



''વિજયભાઈને દારૂબંધીની નીતિનો અમલ કરવો હોય તો હવે અલ્પેશભાઈ પણ એમની સાથે છે અને એમની પાસે યાદી પણ હશે. મુખ્ય મંત્રીએ એમને લઈને નીકળી પડવું જોઈએ.' એવી વાત પણ તેમણે કરી.

એમણે કહ્યું કે ''પોતાની નિષ્ફળતાની વાત આવે ત્યારે ભાજપ ગુજરાતીઓને નામે ઇમોશનલ કાર્ડ રમે છે પણ લોકોને હકીકત ખબર છે.''

એમણે દાવો કર્યો કે ''ગુજરાતના 182 ધારાસભ્યો અને 26 સાંસદોનો આલ્કૉહોલ ટેસ્ટ કરાવવામાં આવે તો ગુજરાતના દારૂબંધીની પોલ તરત ખુલ્લી પડી જાય.''

''મુખ્ય મંત્રીના વિસ્તારમાં દારૂ પકડાતો હોવાની તથા ખુદ નીતિનભાઈ પટેલનો દીકરો દારૂ પીતા પકડાયો હોવાની'' વાત પણ તેમણે કરી.

હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં નેતાઓથી લઈને અધિકારીઓ જ આમા સામેલ છે અને છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે.

એમણે કહ્યું કે લોકોની જિંદગીઓ બરબાદ થઈ રહી છે પણ સરકારને એની પડી નથી.

હાર્દિક પટેલના આ નિવેદન મામલે બીબીસી ગુજરાતીએ અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજી સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા આવતા એને અહીં સમાવી લેવામાં આવશે.
 

હાર્દિક પટેલનો હોદ્દો શું છે?

 

હાર્દિક પટેલના નિવેદનને લઈને બીબીસી ગુજરાતીએ ભાજપના મીડિયા સેલના ક્ન્વીનર પ્રશાંત વાળા સાથે વાત કરી.

પ્રશાંત વાળાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે ''આ મામલે અલ્પેશ ઠાકોર જ મંતવ્ય આપી શકે પરંતુ પાર્ટી તરીકે ભાજપમાં લોકશાહી છે અને દરેકને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે.''

હાર્દિક પટેલે 'મુખ્ય મંત્રીએ અલ્પેશભાઈ પાસેથી યાદી લઈને કામે લાગી જવું જોઈએ' એ વિશે પ્રશાંત વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ''હાર્દિક પટેલને એમની પાર્ટીમાં પણ કોઈ ગણતું નથી. એમનું કોઈ સાંભળતું નથી. આજકાલના છોકરાને રાજકીય આવડત શું? એમનો હોદ્દો શું છે?''

જોકે, હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોરના મૌન બાબતે જે આરોપ મૂકે છે તે અંગે પાસના ભૂતપૂર્વ નેતા અને ભાજપ છોડી એનસીપી પાર્ટીમાં જોડાયેલા રેશ્મા પટેલ સહમત થાય છે.
 

ભાજપ-કૉંગ્રેસ વચ્ચે દારૂબંધીને લઈને ઘમસાણ

 

રેશ્મા પટેલે બીબીસીના સહયોગી અશોક ગેહલોતના નિવેદન બાદ ગુજરાતના વિજય રૂપાણી સૌપ્રથમ સામે આવ્યા અને તેમણે ગેહલોતને માફી માગવા કહ્યું હતું.

અશોક ગેહલોકના નિવેદનને રૂપાણીએ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું હતું અને તેમણે એમ પણ કહ્યું હતું કે જો ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરાવે.

રૂપાણીએ ગુજરાત કૉંગ્રેસને પણ આ નિવેદન મામલે જવાબ આપવાનું કહ્યું હતું.

જે બાદ ભાજપના પ્રવક્તા અને અન્ય નેતાઓએ પણ અશોક ગેહલોતની ટીકા કરી હતી.

આ દરમિયાન ગુજરાતમાં ખુલ્લે ચોક દારૂ વેચાઈ રહ્યો હોવાનો દાવો કરતાં કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "મુખ્ય મંત્રીના મતક્ષેત્ર રાજકોટ શહેરના જ જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે દારૂ વેચાય છે અને કૉંગ્રેસના કાઉન્સિલર આના વિરુદ્ધમાં લડત લડે છે."

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ મળે છે અને દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે.ભાર્ગવ પરીખ સાથે વાત કરતા કહ્યું કે હાર્દિકભાઈની વાત વાજબી છે.

રેશ્મા પટેલે કહ્યું કે ''અલ્પેશ ઠાકોર દારૂબંધીના આંદોલનને લઈને આગળ આવ્યા છે અને આ મુદ્દે મૌન છે એ ઘણું કહી જાય છે.''

રેશ્મા પટેલે કહ્યું કે ''અલ્પેશ ઠાકોર લોકો માટેનું નહીં પરંતુ પોતાની ભલાઈનું રાજકારણ કરે છે. જો અલ્પેશ ઠાકોર સાચા આંદોલનકારી કે રાજકારણી હોય તો એમણે આ મુદ્દે આગળ આવવું જોઈએ.''

પ્રશાંત વાળાની 'ભાજપમાં વાત કરવાની આઝાદી છે' એ વાતથી વિપરિત તેઓ કહે છે કે ''મેં પોતે ભાજપમાં કામ કર્યું છે અને ત્યાં બોલવાની આઝાદી નહોતી તેમ છતાં હું લોકોનાં સવાલો રજૂ કરતી હતી.''

હાર્દિક પટેલના આ આરોપ અંગે અલ્પેશ ઠાકોરનો એકથી વધારે વાર સંપર્ક કરવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો છે પરંતુ હજી સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક મનીષી જાની હાર્દિક પટેલની વાત સાથે સૂર પૂરાવે છે.

તેમણે કહ્યું કે ''અલ્પેશ ઠાકોરનું આંદોલન જાતિવાદી રાજકારણનો એક ભાગ હતું અને એ ચોક્કસપણે પાટીદાર અનામત આંદોલનની પ્રતિક્રિયારૂપે કહી શકાય.''

''આવા જાતિ આધારિત આંદોલનમાં તમારે સુધારણાનો મુદ્દો ઉપાડવો પડતો હોય છે. ઘણા લોકો સમૂહ લગ્ન વગેરેની વાત કરતા હોય છે. અલ્પેશ ઠાકોરે મહિલાઓમાં વ્યાપ વિસ્તારવા માટે જ દારૂબંધીનો મુદ્દો ઉપાડ્યો હતો.''

હવે અલ્પેશ ઠાકોર કેમ નથી બોલી રહ્યા એ અંગે મનીષી જાની કહે છે કે ''પાર્ટી બદલાઈ ગઈ છે. હવે તેઓ ભાજપમાં છે અને ચૂંટણી લડે છે એટલે તેઓ આ મુદ્દામાં ન પડે.''


સાબિત કરે તો હું રાજકારણ છોડી દઈશ : ગેહલોત

 
 

અશોક ગેહલોત મંગળવારે રાજસ્થાનના જોધપુરના પ્રવાસે હતા. આ સમયે તેમણે પત્રકારપરિષદ સંબોધી હતી.

અહીં તેમને વિજય રૂપાણીની માફી માગવાની વાત અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

તેના જવાબમાં ગેહલોતે કહ્યું, "મેં કહ્યું કે એ ત્યાંના લોકોને ઘરેઘરે (ગુજરાતના) ખબર છે. આ વાતની ઘરઘરમાં ચર્ચા થઈ હશે કે સાચું કહ્યું કે ખોટું કહ્યું. હું ખોટું બોલી રહ્યો છું કે ગુજરાતના મુખ્ય મંત્રી ખોટું બોલી રહ્યા છે?"

"મેં જે કહ્યું હતું તે જોઈને જ કહ્યું હતું. મને અનુભવ થયો તે પ્રમાણે કહ્યું હતું. ઘરઘરનો મતલબ જુમલો છે, તેનો મતલબ મોટાં ભાગનાં ઘરમાં દારૂ પીવાય છે."

"મેં એવું નહોતું કહ્યું કે સો ટકા લોકો દારૂ પીવે છે. તેઓ (રૂપાણી) અપરાધબોધથી પીડાઈ રહ્યા છે. ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે ત્યાં એટલા પ્રમાણમાં લોકો દારૂ પી રહ્યા છે કે કલ્પના ન કરી શકાય."

ગેહલોતે કહ્યું કે તેમણે (વિજય રૂપાણી) એવું કહેવું જોઈતું હતું કે દારૂ રાજસ્થાનથી આવતો હોય, મધ્ય પ્રદેશથી આવતો હોય, તો ત્યાંની સરકારો તેમની મદદ કરે કે તેમને ત્યાં દારૂની તસ્કરી ન થવી જોઈએ.

રાજસ્થાનના મુખ્ય મંત્રીએ કહ્યું કે આવું કહેવાના બદલે તેમણે (વિજય રૂપાણી) સ્પષ્ટતા કરી કે ત્યાં કોઈ દારૂ પીતા નથી.

તેમણે કહ્યું, "જો ત્યાં કોઈ દારૂ પીતું નથી અને મેં કહ્યું એ ખોટું છે તો તેઓ સાબિત કરી દે તો હું રાજકારણ છોડી દઈશ અથવા તેઓ રાજકારણ છોડી દે."


વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ મામલે ટ્વીટ કરીને ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ હોવાની વાત કરી હતી.

મેવાણીએ ટ્વીટ કર્યું હતું, "ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તમામ જિલ્લામાં દારૂ વેચાય છે."