ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By તુષાર ત્રિવેદી|
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (15:08 IST)

IPLમાં ડેથ ઓવર દરમિયાન બૅટ્સમૅન કેમ ખતરનાક બની જાય છે?

ટી20 ક્રિકેટમાં આક્રમક રમત તો મેચના પ્રારંભથી જ દાખવવી પડતી હોય છે પરંતુ અંતિમ ઓવરોમાં તો બૅટ્સમૅનની આક્રમક બૅટિંગ વધારે તેજ બની જતી હોય છે. આ જ વાત ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ જોવા મળે છે. અને IPLમાં તો છેલ્લી પાંચ ઓવરમાં જે ગતિથી રન બને છે તેની સરખામણી દાયકાઓ અગાઉ ટેસ્ટ ક્રિકેટ રમતાં બૅટ્સમેનની ગતિની સાથે કદાચ ન કરી શકાય.
 
ટી20માં ઇનિંગ્સમાં છેલ્લી પાંચ ઓવર ડૅથ ઓવર ગણાય છે અને તેમાં બૅટ્સમૅન દ્વારા રનની આતશબાજી જોવા મળતી હોય છે અને બૉલરો પર આ ઓવરોમાં આતંક છવાઈ જતો હોય છે. IPLના ઇતિહાસમાં એવા ઘણા બૅટ્સમૅન છે જે ડૅથ ઓવરમાં અત્યંત ખતરનાક બની જતા હોય છે.
જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને મુંબઈ ઇન્ડિયન્સના કૅરેબિયન ઑલરાઉન્ડર કૅઇરોન પૉલાર્ડ તો મોખરે આવે છે. ખાસ કરીને ધોની તો વધારે ખતરનાક બની જતા હોય છે.
 
ધોનીને કદાચ આ જ કારણસર ક્રિકેટની રમતના શ્રેષ્ઠ ફિનિશર ગણવામાં આવે છે.
 
છેલ્લી પાંચ ઓવરના ખતરનાક બૅટ્સમૅનમાં ધોની મોખરે આવે છે. અહીં તેમણે પોલાર્ડને પણ પાછળ રાખી દીધા છે.
 
IPLમાં ધોની એકમાત્ર એવા બૅટ્સમૅન છે જેમણે છેલ્લી પાંચ ઓવરમાં ફટકારેલા રનોનો કુલ આંક 2000 ઉપર પહોંચાડેલો છે.
 
તેમણે IPLમાં કુલ 4,431 રન નોંધાવ્યા છે જેમાંના 2206 રન તો તેમણે માત્ર છેલ્લી પાંચ ઓવર દરમિયાન જ ફટકાર્યા છે.
 
આ માટે તેઓ માત્ર 1158 બોલ રમ્યા છે એટલે કે તેમનો સ્ટ્રાઇક રેટ 190.50નો છે. તેમણે 136 સિક્સર અને 161 ચોગ્ગા ફટકાર્યા છે.
 
'કૅઇરોન પૉલાર્ડ- ડેથ ઓવરનો બાદશાહ'
 
એક મૅચમાં તો છેલ્લી પાંચ ઓવરમાં ધોનીએ 50 રન ફટકારી દીધા હતા.
 
2008ની 28મી એપ્રિલે બૅંગલુરુમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ યજમાન બૅંગલુરુની ટીમ સામે રમી રહી હતી.
 
ધોની બૅટિંગમાં આવ્યા ત્યારે લગભગ 15 ઓવર પૂરી થઈ ગઈ હતી અને માહીના ઝંઝાવાતનો પ્રારંભ થયો હતો. તેમણે બાકી રહેલી ઓવરો દરમિયાન માત્ર 16 જ બૉલમાં 50 રન ફટકારી દીધા હતા જેમાં ત્રણ સિક્સર અને સાત ચોગ્ગાનો સમાવેશ થતો હતો.
 
આવી જ રીતે મુંબઈ ઇન્ડિયન્સ માટે છેલ્લા એક દાયકાથી નિયમિત રમી રહેલા કૅઇરોન પૉલાર્ડ પણ ડેથ ઓવરના બાદશાહ કહેવાય છે.
 
વેસ્ટ ઇન્ડિઝના આ બૅટ્સમૅન ક્રીઝ પર આવે તે સાથે જ બૉલરો અને હરીફ ટીમ બૅકફૂટ પર આવી જતાં હોય છે.
 
આઈપીએલમાં આમ તો પૉલાર્ડે ઘણી વાર ધમાકેદાર બૅટિંગ કરી છે પરંતુ ડેથ ઓવરમાં તો તેઓ વધારે આક્રમક બની જતા જોવા મળ્યા છે.
 
મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા પૉલાર્ડ છેલ્લી પાંચ ઓવરમાં કેટલા આક્રમક બની જતા હોય છે તેનો તેમના વિક્રમ પરથી ખ્યાલ આવી જાય છે.
 
પૉલાર્ડે છેલ્લી પાંચ ઓવરમાં 714 બૉલ રમીને 1277 રન ફટકાર્યા છે. આ ગાળામાં તેમણે 92 સિક્સર ફટકારી છે તો 85 ચોગ્ગા પણ ફટકાર્યા છે અને તેમનો સ્ટ્રાઇક રેટ 178.85નો રહ્યો છે.
 
2013ના મે મહિનામાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી એક મૅચમાં તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 17 બૉલમાં 57 રન ફટકાર્યા હતા. આ તમામ રન તેમણે છેલ્લી પાંચ ઓવરના ગાળામાં જ ઉમેર્યા હતા અને તેમાં આઠ સિક્સરનો સમાવેશ થતો હતો.
 
ધોની અને પૉલાર્ડ ઉપરાંત રોહિત શર્મા (1136) અને એબી ડી વિલિયર્સ (1063) એવા બૅટ્સમૅન છે જેમણે આઈપીએલમાં છેલ્લી પાંચ ઓવર દરમિયાન તેમની કારકિર્દીમાં 1000થી વધારે રન ફટકાર્યા છે.
 
IPLમાં ઋષભ પંતના નામે ડૅથ ઓવરમાં બૅટિંગનો અનોખો રેકૉર્ડ
 
ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી20 લીગને ચોગ્ગા-છગ્ગાની આતશબાજી માટે ખાસ પસંદ કરવામાં આવે છે.
 
આમેય ટી20માં જોરદાર ફટકાબાજી થતી હોય છે અને તેમાંય IPL આવે તો વાત જ શું કરવાની?
 
IPLમાં ગમે તે ટીમ રમતી હોય પણ છેલ્લી પાંચ ઓવર આવે ત્યારે બાજી પલટાઈ જાય છે. ડેથ ઓવરનો રોમાંચ જ અલગ જોવા મળતો હોય છે.
આ સંજોગોમાં દિલ્હી કૅપિટલ્સના ઋષભ પંતને નજરઅંદાજ કરી શકાય નહીં.
 
તેમણે IPLમાં તો એક આક્રમક બૅટ્સમૅન તરીકે પોતાની પ્રતિષ્ઠા કાયમ રાખી જ છે. તેમનો રેકૉર્ડ પણ આ બાબતમાં સાક્ષી પુરાવે છે. ડેથ ઓવરમાં બૅટિંગનો એક અનોખો રેકૉર્ડ ઋષભ પંતના નામે છે.
 
ઋષભ પંતે IPLમાં 54 મૅચ રમીને કુલ 94 સિક્સર ફટકારી છે. જેમાંની મોટા ભાગની સિક્સર તેમણે ડેથ ઓવરમાં જ ફટકારેલી છે.
 
આઈપીએલમાં ડેથ ઓવર્સમાં ઓછામાં ઓછા 100 બૉલ રમ્યા હોય તેવા બૅટ્સમૅનની યાદીમાં ઋષભ પંત મોખરે છે કેમ કે તેમાં તેમણે દર 4.86 બોલ લેખે એક સિક્સર ફટકારી છે.
 
તેનો અર્થ એ થયો કે પંત ડૅથ ઓવર્સમાં રમતા હોય તો દર ચોથા બૉલે તેમનાં બૅટમાંથી એક સિક્સર આવે છે. આ રેકૉર્ડમાં કોઈ બૅટ્સમૅન તેમની નજીક નથી પહોંચી શક્યો.
 
2018માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં પંતે 128 રન ફટકાર્યા હતા જેમાંના છેલ્લા 58 રન તો તેમણે છેલ્લી ચાર ઓવરમાં જ ફટકારી દીધા હતા.