મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (11:15 IST)

IT કાયદા, 2021 અંતર્ગત પહેલી વખત ભારતની 18 યુટ્યૂબ સમાચાર ચેનલો બ્લૉક કરાઇ, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી

પાકિસ્તાન સ્થિત 4 યુટ્યૂબ સમાચાર ચેનલો બ્લૉક કરાઇ, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી
 
3 ટ્વીટર એકાઉન્ટ, 1 ફેસબુક એકાઉન્ટ અને 1 સમાચાર વેબસાઇટ પણ બ્લૉક કરાઇ, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી
 
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા IT કાયદા, 2021 અંતર્ગત આપવામાં આવેલી કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને 04.04.2022ના રોજ એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં બાવીસ (22) યુટ્યૂબ ચેનલો, ત્રણ (3) ટ્વીટર એકાઉન્ટ, એક (1) ફેસબુક એકાઉન્ટ અને એક (1) સમાચાર વેબસાઇટ બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બ્લૉક કરવામાં આવેલી યુટ્યૂબ ચેનલોની કુલ વ્યૂઅરશીપ 260 કરોડ કરતાં વધારે છે અને તેનો ઉપયોગ ખોટા સમાચારો ફેલાવવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા, ભારતના વિદેશ સાથેના સંબંધો અને જાહેર વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યેમાં સંવેદનશીલ વિષયો પર સોશિયલ મીડિયાના માધ્યમથી સંકલિત ખોટી માહિતીનો ફેલાવો કરવા માટે થતો હતો.
 
ભારત સ્થિત યુટ્યૂબ સમાચાર ચેનલો સામે કાર્યવાહી
ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં IT કાયદા, 2021ની અધિસૂચના બહાર પાડવામાં આવી ત્યાર પછી પહેલી વખત આ કાર્યવાહી અંતર્ગત ભારતના યુટ્યૂબ આધારિત સમાચાર પ્રકાશકો સામે પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં આપવામાં આવેલા બ્લૉક કરવાના આદેશમાં, અઢાર (18) ભારતીય અને ચાર (4) પાકિસ્તાની યુટ્યૂબ સમાચાર ચેનલોને બ્લૉક કરી દેવામાં આવી છે.
 
કન્ટેન્ટનું વિશ્લેષણ
 
ભારતના સશસ્ત્ર દળો, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા વિવિધ વિષયો અંગે ખોટા સમાચારો પોસ્ટ કરવા માટે આવી બહુવિધ યુટ્યૂબ ચેનલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જે કન્ટેન્ટ બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં અમુક ભારત વિરોધી કન્ટેન્ટ પણ સામેલ છે જે પાકિસ્તાનમાંથી સંકલિત રીતે સંચાલન કરવામાં આવતા બહુવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું.
 
એવું ધ્યાનમાં આવ્યું હતું કે, આ ભારતીય યુટ્યૂબ આધારિત ચેનલો પરથી નોંધનીય પ્રમાણમાં ખોટું કન્ટેન્ટ પ્રકાશિત કરવામાં આવ્યું હતું જેમાં હાલમાં ચાલી રહેલી યુક્રેનની સ્થિતિ સંબંધિત કનેકન્ટ હતું અને તેનો ઉદ્દેશ અન્ય દેશો સાથે ભારતના વિદેશી સંબંધો અંગે દુષ્પ્રચાર કરીને સંબંધો જોખમમાં મૂકવાનો છે.
 
મોડસ ઓપરેન્ડી
બ્લૉક કરવામાં આવેલી ભારતીય યુટ્યૂબ ચેનલો પ્રેક્ષકોને ગેરમાર્ગે દોરવા માટે અને તેઓ જે સમાચાર જોઇ રહ્યાં છે તે પ્રમાણભૂત છે તેવું તેમને લાગે તે માટે, અમુક ટીવી સમાચાર ચેનલોના ટેમ્પલેટ અને લોગોનો ઉપયોગ કરી રહી હતી જેમાં તે સમાચાર ચેનલોના એન્કરોની ઇમેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોટા થમ્બનેઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો; અને વીડિયો તેમજ થમ્બનેઇલના શીર્ષકો કપટપૂર્વક સુધારવામાં આવ્યા હતા જેથી સોશિયલ મીડિયા પર આ કન્ટેન્ટ વધુને વધુ પ્રમાણમાં વાઇરલ થઇ શકે. અમુક કિસ્સામાં, એવું ધ્યાનમાં આવ્યું હતું કે, પદ્ધતિસર ફેલાવવામાં આવતા ભારત વિરોધી ખોટા સમાચારોનું મૂળ પાકિસ્તાન છે.
 
આ પગલાં સાતે, ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં મંત્રાલય દ્વારા 78 યુટ્યૂબ આધારિત સમાચાર ચેનલો અને કેટલાય અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લૉક કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને ભારતની અખંડિતતા તેમજ જાહેર વ્યવસ્થા વગેરે આધાર પર તેને બ્લૉક કરવામાં આવ્યા છે.
 
ભારત સરકાર પ્રમાણભૂત, ભરોસાપાત્ર અને સલામત ઑનલાઇન સમાચાર મીડિયા માહોલ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે અને ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સાથેના સંબંધો અને જાહેર વ્યવસ્થાનું અવમૂલ્યન કરવાના કોઇપણ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે પણ કટીબદ્ધ છે.