રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (16:39 IST)

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું, બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ નારાજ

રાજ્યની 6 મહાનગરપાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી કરવામાં આવી રહી છે, જેને પગલે ઉમેદવારી ફોર્મમાં ભૂલો સામે આવવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે ઉમેદવારી ફોર્મ રદ થઈ રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.


ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં તેમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. ત્યાર બાદ ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની ચૂંટણી અપક્ષ તરીકે લડીને જીતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી એ જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ બની ગઈ હતી અને ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. જોકે 2012માં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવામાં આવી. 2012માં કૉંગ્રેસ આંતરિક વિખવાદને કારણે બેઠક જીતી ન શકી અને ભૂષણ ભટ્ટનો વિજય થયો. 2017માં ઇમરાન ખેડાવાલાએ એ બેઠક જીતી લીધી.