સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2022 (17:48 IST)

પીએમ મોદી મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો કર્યો શુભારંભ, કહ્યું “ગુજરાત દેશના જ્ઞાનના કેન્દ્ર, નવીનતાના કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે”

modi
“છેલ્લાં બે દાયકાઓમાં ગુજરાતે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કર્યું છે” : પીએમ મોદી
 
“નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામીની માનસિકતામાંથી દેશને મુક્ત કરવાનો તથા પ્રતિભાઓ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો છે” : પીએમ મોદી
 
“પ્રાચીન કાળથી ભારતના વિકાસમાં શિક્ષણ ચાવીરૂપ રહ્યું છે” : પીએમ મોદી
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અડાલજમાં ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો હતો. આ મિશન કુલ રૂ. 10,000 કરોડના ખર્ચે હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 4,260 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પણ શુભારંભ કર્યો હતો. આ મિશનથી રાજ્યમાં શાળાઓમાં નવા વર્ગખંડો, સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર પ્રયોગશાળાઓ અને માળખાગત સુવિધાઓમાં સંપૂર્ણ સુધારો કરીને ગુજરાતમાં શૈક્ષણિક માળખાગત સુવિધાઓને મજબૂત કરવામાં મદદ મળશે.
 
પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતે અમૃતકાળ માટે અમૃતપેઢીનું સર્જન કરવા એક સીમાચિહ્નરૂપ પગલું લીધું છે. તેમણે કહ્યું હતું કે, “આ પ્રસંગ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સીમાચિહ્નરૂપ પ્રસંગ તરીકે ઉપયોગી બનવા જઈ રહ્યો છે.'' તેમણે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે ગુજરાતનાં તમામ નાગરિકો, શિક્ષકો, યુવાનો અને આગામી પેઢીઓને અભિનંદન આપ્યાં હતાં.
 
તાજેતરમાં શરૂ થયેલી 5જી ટેકનોલોજીના વિકાસ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે 4થી જનરેશનના ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, છતાં 5જી સમગ્ર ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકશે. દરેક જનરેશન સાથે ટેકનોલોજી આપણાં જીવનના દરેક નાનાં પાસાંને આપણી સાથે જોડી રહી છે. એ જ રીતે આપણા શાળાઓની જુદી જુદી જનરેશન જોઈ રહ્યાં છીએ. 5જી ટેકનોલોજીની ક્ષમતાઓ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ટેકનોલોજી શિક્ષણ વ્યવસ્થાને સ્માર્ટ સુવિધાઓ, સ્માર્ટ વર્ગખંડો અને સ્માર્ટ શિક્ષણથી આગળ લઈ જશે તથા નવી ઊંચાઈએ પહોંચાડશે. આપણાં યુવાન વિદ્યાર્થીઓ હવે શાળાઓમાં વર્ચ્યુઅલ રિયાલિટી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો અનુભવ લઈ શકે છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ સાથે ગુજરાતે સંપૂર્ણ દેશમાં પ્રથમ અને સૌથી વધુ મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ સીમાચિહ્નરૂપ સફળતા માટે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમને અભિનંદન આપ્યાં હતાં.
 
પ્રધાનમંત્રીએ છેલ્લાં બે દાયકાઓમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં આવેલા વિવિધ પ્રકારનાં પરિવર્તનો પર ખુશી વ્યક્તો કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની ચિંતાકારક સ્થિતિને યાદ કરી હતી અને જાણકારી આપી હતી કે, 100 બાળકોમાંથી 20 બાળકો ક્યારેય શાળામાં જતાં જ નહોતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વળી જે લોકો શાળામાં અભ્યાસ કરવા માટે જતાં હતાં તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ 8મા ધોરણ પછી અભ્યાસ પડતો મૂકતાં હતાં. તેમણે છોકરીઓની સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું હતું, જેમને શાળામાં અભ્યાસ કરતાં અટકાવવામાં આવતી હતી અને તેમની સ્થિતિ બહુ નબળી હતી. આદિવાસી વિસ્તારોમાં મોટી સંખ્યામાં શૈક્ષણિક કેન્દ્રો પર પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આ વિસ્તારોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણ માટે કોઈ યોજના જ નહોતી. 
 
પીએમ મોદીએ ભાર મૂક્યો હતો કે, “આ બંને દાયકાઓમાં ગુજરાતના લોકોએ તેમના રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થામાં આવેલા પરિવર્તનને દર્શાવ્યું છે.” પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ બંને દાયકાઓમાં 1.25 લાખથી વધારે નવા વર્ગખંડો ગુજરાતમાં બન્યાં હતાં અને 2 લાખથી વધારે શિક્ષકોની ભરતી થઈ હતી. પીએમ મોદીએ સમજાવ્યું હતું કે “મને આજે પણ એ દિવસ યાદ છે, જ્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ હતી. જ્યારે પહેલી વાર દિકરા અને દિકરી શાળાએ જાય એ માટેનો પ્રયાસ હતો અને એની ઉજવણી તહેવારની જેમ થતી હતી.”
 
પ્રધાનમંત્રીએ ‘ગુણોત્સવ’ને પણ યાદ કર્યો હતો. આ ઉત્સવમાં શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ અભિગમ અંતર્ગત વિદ્યાર્થીઓની કુશળતાઓ અને ક્ષમતાઓનું મૂલ્યાંકન થતું હતું અને ઉચિત સમાધાનો સૂચવવામાં આવ્યાં હતાં. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ‘ગુણોત્સવ’નું વધારે આધુનિક ટેકનોલોજી-આધારિત વર્ઝન કાર્યરત છે. તેમણે ઉમેર્યુ હતું કે, “ગુજરાત શિક્ષણના ક્ષેત્રમાં એક યા બીજા વિશિષ્ટ અને મોટા પ્રયોગોમાં હંમેશા સામેલ થયું છે. અમે ગુજરાતમાં શિક્ષકોને તાલીમ આપતી પ્રથમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન સ્થાપિત કરી છે.”
 
રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતાના કાર્યકાળને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ એક ગામથી બીજા ગામ પ્રવાસ કરતાં હતાં અને તમામ લોકોને તેમની દિકરીઓને શાળામાં અભ્યાસ માટે મોકલવા વિનંતી કરતાં હતાં. તેમણે કહ્યું હતું કે, “એ પ્રયાસોના પરિણામો અત્યારે જોવા મળે છે. હાલ ગુજરાતમાં લગભગ દરેક દિકરો અને દિકરી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે અને શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને કોલેજમાં પ્રવેશ કરી રહ્યાં છે.” તેમણે શાળાઓ પોતાના બાળકોને મોકલવાની તેમની વિનંતીઓ પર ધ્યાન આપનાર માતાપિતાઓની પ્રશંસા કરી હતી.
 
પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, એક દાયકા અગાઉ ટીવી ગુજરાતમાં 15,000 શાળાઓમાં ઉપલબ્ધ થયા હતા અને આ ઉપરાંત 20 હજારથી વધારે શાળાઓમાં કમ્પ્યુટર શીખવાની પ્રયોગશાળાઓ હતી તથા આ પ્રકારની ઘણી સિસ્ટમ ઘણા વર્ષો અગાઉ ગજુરાતની શાળાઓનું અભિન્ન અંગ બની ગઈ હતી. શિક્ષણના ક્ષેત્રમાં ટેકનોલોજીની ચાવીરૂપ ભૂમિકા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યારે ગુજરાતમાં 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓ અને 4 લાખથી વધારે શિક્ષકોએ ઓનલાઇન હાજરીની વ્યવસ્થામાં સામેલ થયા છે. તેમણે સમજાવ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં 20 હજાર શાળાઓ શિક્ષણના 5જી યુગમાં પ્રવેશ કરવા અગ્રેસર થઈ રહી છે.
 
પ્રધાનમંત્રીએ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી તથા જણાવ્યું હતું કે, આ શાળાઓમાં 50 હજાર નવા વર્ગખંડો અને એક લાખથી વધારે સ્માર્ટ વર્ગખંડોનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ શાળાઓ આધુનિક, ડિજિટલ અને ભૌતિક માળખાગત સુવિધાઓ ધરાવવાની સાથે બાળકોના જીવન અને તેમના શિક્ષણમાં મોટા પાયે પરિવર્તન લાવવા એક અભિયાન પણ બની જશે. તેમણે કહ્યું હતું કે, “અહીં બાળકની ક્ષમતા વધારવા દરેક પાસામાં કામગીરી થશે.”
 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ તમામ પગલાંને 5જીની શરૂઆત સાથે મોટો ફાયદો થશે. 5જી શ્રેષ્ઠ કન્ટેન્ટ ઊભી કરવામાં મદદરૂપ થશે એટલે શિક્ષણશાસ્ત્ર અને શિક્ષક દરેક માટે ઉપલબ્ધ થશે, જેમાં અંતરિયાળ વિસ્તારો પણ સામેલ છે. તેમણે કહ્યું હતું કે, “શૈક્ષણિક વિકલ્પોની વિવિધતા અને સાનુકૂળતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવામાં મદદરૂપ થશે.” પ્રધાનમંત્રીએ 14.5 હજાર પીએમ- શાળાઓ ઊભી કરવા વિશે પણ વાત કરી હતી, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અણલ માટે મોડલ શાળાઓ બનશે. આ યોજના પર 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
 
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનો તથા પ્રતિભા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો એક પ્રયાસ છે.” પ્રધાનમંત્રીએ ટીકા કરી હતી કે, અંગ્રેજી ભાષા પરની જાણકારી કે પ્રભુત્વને બૌદ્ધિકતાનો માપદંડ માનવામાં આવતો હતો. હકીકતમાં ભાષા સંચારનું ફક્ત એક માધ્યમ છે. પણ ઘણા દાયકાઓ સુધી ભાષાએ એવો અવરોધ ઊભો કર્યો હતો કે, દેશ ગામડાઓ અને ગરીબ કુટુંબોમાં રહેલી પ્રતિભાઓનો લાભ લઈ શક્યો નહોતો. 
 
તેમણે ઉમેર્યું હતું કે, “હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. અત્યારે વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓમાં પણ વિજ્ઞાન, ટેકનોલોજી અને મેડિસિન કે તબીબી ક્ષેત્રનો અભ્યાસ કરવાનો વિકલ્પ મળવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત સહિત સાત ભારતીય ભાષાઓમાં અભ્યાસક્રમો ઊભા કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.” તેમણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ‘કોઈ પાછળ ન રહી જાય’ એ ભાવના પર ભાર મૂક્યો હતો, કારણ કે અત્યારે વિકસિત ભારત માટે ‘સબ કા પ્રયાસ’ માટેનો સમય છે.
 
જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનાં પૂર્વજોના પ્રદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રાચીન કાળથી ભારતના વિકાસમાં શિક્ષણ ચાવીરૂપ ભૂમિકા ધરાવે છે.” તેમણે સમજાવ્યું હતું કે, ભારત સ્વાભાવિક રીતે જ્ઞાનનું સમર્થક રહ્યું છે તથા સેંકડો વર્ષ અગાઉ આપણા પૂર્વજોએ વિશ્વની શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયો ઊભી કરી હતી તથા સૌથી મોટાં પુસ્તકાલયોનું નિર્માણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતની આ મહામૂલી સંપત્તિનો નાશ કરવા માટેના આક્રમણ અને યુદ્ધોના સમયગાળાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે શિક્ષણ પર આપણા આગ્રહને છોડ્યો નથી. આ જ કારણસર આજે પણ જ્ઞાન અને વિજ્ઞાનની દુનિયામાં ભારત નવીનતામાં અલગ ઓળખ ધરાવે છે. આઝાદી કા અમૃત કાલમાં આપણી પ્રાચીન પ્રતિષ્ઠાને પુનઃ મેળવવાની એક તક સાંપડી છે.”
 
પ્રધાનમંત્રી તેમના સંબોધનનાં અંતે દુનિયામાં જ્ઞાન પર આધારિત શ્રેષ્ઠ અર્થતંત્ર બનવા ભારતની પ્રચૂર સંભવિતતા પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે આ અંગે સમજાવ્યું હતું કે, “21મી સદીમાં મને એ દાવો કરતાં કોઈ ખચકાટ નથી કે, વિજ્ઞાન સાથે મોટા ભાગની નવીનતાઓ, ટેકનોલોજી સાથે મોટા ભાગના સંશોધનો ભારતમાં થશે.” પ્રધાનમંત્રીએ ગુજરાત માટે આ ક્ષેત્રમાં રહેલી વિવિધ પ્રકારની મોટી તકો પર ધ્યાન પણ દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અત્યાર સુધી ગુજરાત વેપાર અને વાણિજ્ય, એની ઉત્પાદનક્ષમતા માટે જાણીતું છે. પણ 21મી સદીમાં ગુજરાત દેશનું જ્ઞાન માટેનું કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે, એક ઇનોવેશન કેન્દ્ર બનવા અગ્રેસર છે. મને ખાતરી છે કે, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ આ માટેના ઉત્સાહને આગળ વધારશે.”