ગુજરાતની લગભગ ૪૫ ટકા જેટલી વસ્તી શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. શહેરી વિકાસ માટે સરકાર દ્વારા રૂા. ૯૩૯૧ કરોડની ફાળવણી કરાઇ છે. રાજય સરકારે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ વિવિધ શહેરી સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય કરાયો છે. અર્બન મોબીલીટી, મૂળભૂત નાગરિક સુવિધાઓ, સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂા. ૧૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. જે પૈકી રૂા. ૫૦૦ કરોડની રકમ જે તે શહેરોની આગવી ઓળખ ઉભી કરવા માટેના પ્રોજેકટ પાછળ ખર્ચવામાં આવશે. તે ઉપરાંત રાજયના વિવિધ શહેરોમાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેના કામો માટે રૂા. ૭૦૦ કરોડની રકમની જોગવાઇ સરકાર દ્વારા કરાઇ છે.
દરિયા કિનારાના છાયા, રાણાવાવ, જૂનાગઢ તેમજ પોરબંદર સહિતના શહેરોમાં પીવાના પાણીના શુદ્ધ પાણી પુરવઠા માટે તેમજ ભૂગર્ભ ગટરના કામો માટે રૂા. ૭૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેવી જ રીતે ગાંધીનગર અને અમદાવાદમાં ૭૬ કિલોમીટરની લંબાઇના રેલ પ્રોજેકટ મેટ્રો લીંક એક્સપ્રેસના પ્રોજેકટ માટે રૂા. ૫૫૦ કરોડની રકમની ફાળવણી કરાઇ છે. તેમજ શહેરી વિસ્તારોમાં પ્રોજેકટ મિશન મંગલમ યોજના દ્વારા સખીમંડળોનું સશક્તિકરણ કરવા માટે રૂા. ૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે.