રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
Written By

Chaitra Navratri 2024 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

નવરાત્રિ' હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્‍કૃત ભાષામાં ‘નવરાત્રિ'નો શબ્‍દશઃ અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ' એવો થાય છે. નવરાત્રિની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્‍તિના વિવિધ નવ સ્‍વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
 
મા શક્‍તિની આરાધના -
સમગ્ર વર્ષ દરમિયાન બે મહત્ત્વની ઋતુઓની એટલે કે ઉનાળા અને શિયાળાની શરૂઆતના સમયને આબોહવા તેમ જ ચંદ્રના પ્રભાવની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો સમયગાળો ગણવામાં આવે છે. મા શક્‍તિની આરાધના માટે આ બે સમયગાળાઓ ખૂબ જ પવિત્ર ગણાય છે. તહેવારની તારીખ ચાંદ્રવર્ષ પ્રમાણે ગણવામાં આવે છે. ‘દશહરા' એટલે ‘દસ દિવસો.' તેને ‘દશેરા'ના નામે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિનો નવ દિવસોનો તહેવાર અંતિમ દિવસ વિજ્‍યાદશમીની ઉજવણી સાથે કુલ દસ દિવસોનો તહેવાર બની જાય છે. આ દસેય દિવસો દરમિયાન મહિષાસુર ર્મિદની મા દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
 
નવરાત્રિની પરંપરા - સામાન્‍ય રીતે પાંચ વાર નવરાત્રિ ઉજવાય છે, પરંતુ વર્તમાન સમયમાં ત્રણ નવરાત્રિઓનું મહત્ત્વ વધારે છે.
 
શરદ નવરાત્રિ -
આ નવરાત્રિ શરદ ઋતુની શરૂઆતમાં ઉજવાય છે (શિયાળાની શરૂઆત-સપ્‍ટે.-ઑક્‍ટો. માસમાં) તે મહાનવરાત્રિ તરીકે પણ જાણીતી છે. કેટલાંક સ્‍થળોએ શરદની જગ્‍યાએ ‘શારદા' ઉલ્લેખ કરવામાં આવે છે. આ નવરાત્રિની ઉજવણીમાં માતા દુર્ગા દ્વારા મહિષાસુર વધની ઘટનાને કેન્‍દ્રસ્‍થાને ગણવામાં આવે છે. સામાન્‍ય રીતે આ નવરાત્રિની ઉજવણી ભારતના તમામ ભાગોમાં થાય છે, પરંતુ પૂર્વ અને દક્ષિણ ભારતમાં તેનો વ્‍યાપ વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં કેટલાંક લોગો બંડાસુર વધના પ્રતીકરૂપે પણ આ નવરાત્રિની ઉજવણી કરે છે.
 
વસંત નવરાત્રિ - (ચૈત્રી નવરાત્રિ)
આ નવરાત્રિની ઉજવણી વસંત ઋતુ દરમિયાન કરવામાં આવે છે. (ઉનાળાની શરૂઆત- માર્ચ-એપ્રિલ માસમાં) ઉત્તર ભારતમાં આ નવરાત્રિની મોટા પાયે ઉજવણી થાય છે. જમ્‍મુમાં આવેલ વૈષ્‍ણોદેવીના મંદિરમાં આ સમય દરમિયાન નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.
 
અશદા નવરાત્રિ -
મા વારાહીના ઉપાસકો માટે આ નવરાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેની ઉજવણી જુલાઈ-ઑગસ્‍ટ માસ દરમિયાન થાય છે. હિમાચલ પ્રદેશમાં તે ‘ગુહ્ય નવરાત્રિ' તરીકે જાણીતી છે. મા વારાહી એ દેવી માહાત્‍મ્‍યના સાત માત્રિકોમાંની એક છે.
 
માર્ચ માસમાં આવતી નવરાત્રિ વિશે મોટા ભાગના લોકો અજાણ હોય છે, કારણ કે દરેક જગ્‍યાએ તેની ઉજવણી થતી નથી. જો કે ઑક્‍ટોબર માસમાં ઉજવાતી નવરાત્રિની જેમ જ આ નવરાત્રિ પણ ઋતુ પરિવર્તનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. વસંત નવરાત્રિ ઉનાળાની શરૂઆતમાં ઉજવાય છે. જ્‍યારે ઑક્‍ટોબર માસમાં ઉજવાતી નવરાત્રિ શિયાળાની શરૂઆતનું પ્રતીક છે. વસંત નવરાત્રિ ‘રામ નવરાત્રિ' તરીકે પણ જાણીતી છે, કારણ કે ‘રામ નવમી' ચૈત્ર માસના નવમા દિવસે આવે છે. ‘વસંત નવરાત્રિ' અથવા ‘સ્‍પ્રિંગ નવરાત્રિ' મા ગૌરી અથવા મા પાર્વતીને સર્મિપત છે.
 
વસંત નવરાત્રિ(ચૈત્રી નવરાત્રિ)  દંતકથા -  
દેવી ભાગવતમાં જણાવ્‍યા પ્રમાણેની એક દંતકથા અનુસાર, શિકાર કરવા નીકળેલા કોશલ દેશના મહારાજા ધ્રુવસિંધુને એક સિંહે મારી નાખ્‍યો હતો. ત્‍યાર બાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવી, પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગનરેશ વિરસેનની પોતપોતાના પૌત્રોને ગાદી પર બેસાડવાની ઇચ્‍છા હતી. પરિણામે તેઓ બંને વચ્‍ચે યુદ્ધ થયું. યુદ્ધમાં વિરસેનની હત્‍યા થઈ. રાણી મનોરના કુંવર સુદર્શન અને એક વ્‍યંઢળ સાથે જંગલમાં નાસી ગઈ. તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્‍યાં આશ્રય લીધો. વિજયી બનેલા રાજા યુદ્ધજીતે પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલ નગરીના પાટનગર અયોધ્‍યા ખાતે રાજ્‍યાભિષેક કર્યો. ત્‍યાર બાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્‍યો. ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચીને તેણે તપાસ કરતા ઋષિએ જણાવ્‍યું કે, તેઓ પોતાના શરણે આવેલાઓને તેને સોંપશે નહીં. આથી ક્રોધે ભરાઈ રાજા યુદ્ધજીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું, પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી પરિણામે યુદ્ધજીત પોતાના નગર પાછો ફર્યો.
 
હવે આ બાજુ એવું લાગ્‍યું કે, એક વાર ઋષિપુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્‍યો. તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્‍યંઢળને સંસ્‍કૃતમાં ‘કલીલા' નામે બોલાવવાનું શરૂ કર્યું, પરંતુ રાજકુંવરે તેનો અર્થ ‘ક્‍લીમ' કર્યો અને હવે તે વ્‍યંઢળને ‘ક્‍લીમ્‍' કહીને બોલાવવા લાગ્‍યો. ‘ક્‍લીમ' શબ્‍દમાં પ્રબળ દૈવી શક્‍તિ રહેલી હોઈ તે ખૂબ જ પવિત્ર ગણાય છે. વારંવાર આ શબ્‍દના ઉચ્‍ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ. દિવસ-રાત આ શબ્‍દના રટણથી એક દિવસ મા દેવી તેની સમક્ષ પ્રગટ થયાં. દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્‍યા અને સાથે સાથે ઘણા દિવ્‍ય અસ્ત્ર-શસ્ત્રો તેમ જ અખૂટ બાણ-ભાથો પણ ભેટમાં આપ્‍યો.
 
એક વાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશીકલા સમક્ષ તેની ભલામણ કરી. શશીકલાના સ્‍વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. કુંવરી શશીકલાએ કુંવર સુદર્શનને પસંદ કરીને તેની સાથે લગ્ન કર્યાં. આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધજીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. યુદ્ધજીતે દેવીની અવગણના કરતાં ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધજીત તેમ જ તેના સૈન્‍યને બાળીને રાખ કરી નાખ્‍યું. કુંવર સુદર્શન, તેની પત્‍ની અને તેના સસરાએ મળીને દેવીની સ્‍તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને વસંત નવરાત્રિ દરમિયાન હોમ-હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતધ્‍ર્યાન થઈ ગયા.
 
કુંવર સુદર્શન અને શશીકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા. ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કોશલ દેશના રાજા તરીકે રાજ્‍યાભિષેક કર્યો. ત્‍યાર બાદ વસંત નવરાત્રિ દરમિયાન સુદર્શન અને શશીકલા તેમ જ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્‍તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્‍યો. રાજા સુદર્શનના વંશજો શ્રીરામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રિ દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી માતા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
 
વસંત નવરાત્રિની ઉજવણી શા માટે ? -
સામાન્‍ય રીતે વસંત નવરાત્રિની ઉજવણી પાછળ બે કારણો મહત્ત્વના ગણવામાં આવે છે. પહેલું, ઋતુગત ફેરફારોને આવકારવા, કારણ કે વસંત નવરાત્રિની સાથે વર્ષના અન્‍ય તહેવારોની શરૂઆત થાય છે અને બીજું, આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ મા શક્‍તિની દિવ્‍ય આરાધનાની પરંપરા જાળવી રાખવા માટે.
 
આ વર્ષે વસંત નવરાત્રિની શરૂઆત 9 એપ્રિલના રોજ થનાર છે. હિંદુ ધર્મમાં નવરાત્રિઓનો આ તહેવાર મા દુર્ગા, લક્ષ્મી અને સરસ્‍વતીને સર્મિપત છે. તેને ચૈત્રી નવરાત્રિ, સ્‍પ્રિંગ નવરાત્રિ કે બસંત નવરાત્રિ જેવા વિવિધ નામોએ પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રિ રામ નવમી સાથે સંકળાયેલ હોઈ તેને ‘રામ નવરાત્રિ' પણ કહેવામાં આવે છે. આ વર્ષે વસંત નવરાત્રિ 9 એપ્રિલના રોજ શરૂ થઈ 17મી એપ્રિલે પૂરી થનાર છે.
 
વસંત નવરાત્રિ હિંદુ ચૈત્ર માસમાં (માર્ચ, એપ્રિલ) ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મા દુર્ગાની પૂજા (દુર્ગાપૂજા) મૂળભૂત રીતે ચૈત્ર માસમાં કરવામાં આવતી હતી અને તેને ‘બસંત પૂજા'ના નામે ઓળખવામાં આવતી હતી, પરંતુ પાછળથી ભગવાન શ્રીરામે દુર્ગાપૂજાના સમયમાં ફેરફાર કર્યો હતો.
 
ભગવાન શ્રીરામ રાવણ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા ઇચ્‍છતા હતા. પરિણામે તેઓએ અશ્વિન માસમાં (ઑક્‍ટો.-નવે.) મા દુર્ગાનું આહ્વાન કર્યું હતું. આ જ કારણે ઑક્‍ટોબરમાં કરવામાં આવતી દુર્ગાપૂજા ‘અકલ-બોધોન' એટલે કે ‘કસમયના આહ્વાન'ના નામે પણ જાણીતી છે.
 
વસંત નવરાત્રિની ઉજવણી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ (ઉત્તરાંચલ), હરિયાણા, પંજાબ અને જમ્‍મુ-કાશ્‍મીર જેવાં રાજ્‍યોમાં ખૂબ જ મોટા પાયે થાય છે. ભારતના આ રાજ્‍યોમાં રહેતા લોકો વસંત નવરાત્રિ દરમિયાન વ્રત અને ઉપવાસ કરે છે. ઉનાળાની શરૂઆતમાં આ તહેવાર આવતો હોઈ બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવામાં પણ વ્રત અને ઉપવાસ ઉપયોગી થાય છે, તેવું કહેવાય છે.
 
આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ તેમ જ ઉત્તરાખંડમાં કેટલાંક મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ઑક્‍ટોબર-નવેમ્‍બરમાં ઉજવાતી નવરાત્રિ દરમિયાન કરવામાં આવતાં તમામ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડ આ નવરાત્રિ દરમિયાન પણ યોજવામાં આવે છે.

વસંત નવરાત્રિની ઉજવણી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ (ઉત્તરાંચલ), હરિયાણા, પંજાબ અને જમ્‍મુ-કાશ્‍મીર જેવાં રાજ્‍યોમાં ખૂબ જ મોટા પાયે થાય છે. ભારતના આ રાજ્‍યોમાં રહેતા લોકો વસંત નવરાત્રિ દરમિયાન વ્રત અને ઉપવાસ કરે છે. ઉનાળાની શરૂઆતમાં આ તહેવાર આવતો હોઈ બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવામાં પણ વ્રત અને ઉપવાસ ઉપયોગી થાય છે, તેવું કહેવાય છે.

આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ તેમ જ ઉત્તરાખંડમાં કેટલાંક મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ઑક્‍ટોબર-નવેમ્‍બરમાં ઉજવાતી નવરાત્રિ દરમિયાન કરવામાં આવતાં તમામ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડ આ નવરાત્રિ દરમિયાન પણ યોજવામાં આવે છે.