રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (12:17 IST)

ગુજરાતમાં મેઘ તાંડવ: 24 કલાકમાં 190 તાલુકામાં વરસાદ, ઉપરાડામાં 8.5 ઇંચ ખાબક્યો

આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને એલર્ટ કરાયા છે. હવામાન વિભાગની આગાહી પગલે એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશ આપ્યા છે. ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત કરવામાં આવ્યા છે. સંભવિત ભારે વરસાદની આગાહી વાળા જિલ્લામાં સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા સતત સંપર્ક રહેશે. ઉભી થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. 

 
ત્યારે મંગળવાર સાંજથી જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના પલસાણા માં પણ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો આ તરફ ડાંગના ડાંગ આહવામાં અને વલસાડના વરસાદ તાલુકામાં સાડા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નર્મદાના ગરુડેશ્વર, વલસાડના કપરાડા અને અમદાવાદના ધોલેરામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ગુલાબ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત પર સૌથી વધુ દેખાઈ રહી છે. 

 
રાજ્યના 7 તાલુકાઓમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 13 તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના 50 તાલુકાઓમાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતના 128 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની આગાહી છે. 40 થી 50 કિમ ની ઝડપે પવન ફૂંકાશે. અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં પવન સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવે છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.