ગુજરાતમાં તીડના હુમલા સામે ખેડૂતોને આશરે 19 કરોડ રૂપિયાનું વળતર
ગુજરાતમાં થયેલા તીડના હુમલાને પગલે હજારો હૅક્ટર જમીન પર પાકને નુકસાન પહોંચ્યું હતું. બનાસકાંઠા અને પાટણમાં થયેલા તીડના હુમલાએ ખેડૂતોનું ભારે નુકસાન કર્યું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ ખેડૂતોને આશરે 19 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
તીડના હુમલામાં 14,846 હેક્ટર જમીન પર પાકને નુકસાન થયું હતું. આ મુદ્દે વિધાનસભામાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે તીડના હુમલાથી ઘઉં, જીરું, વરિયાળી, રાઈ અને કપાસને પાકને નુકસાન થયું હતું. આ હુમલાને રોકવા માટે સ્થાનિક સ્તરે તેમજ BSFની મદદ પણ લેવામાં આવી હતી.
સરકારે તીડ ભગાડવાની કામગીરી શિક્ષકોને પણ સોંપી હતી જેનો વિવાદ થયો હતો. સરકારે કહ્યું છે કે બનાસકાંઠામાં 9,012 ખેડૂતોને 18.73 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં રાજ્ય સરકારે મહેસાણા, કચ્છ, પાટણ અને સાબરકાંઠાના ખેડૂતોને પણ વળતરનું આશ્વાસન આપ્યું હતું. જોકે આ જિલ્લાઓમાં તીડના હુમલાથી પાકને કોઈ નુકસાન ન થયું હોવાથી વળતર આપવામાં આવ્યું નથી.