શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 એપ્રિલ 2020 (13:26 IST)

કોરોનાના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ 22 લાખ વિદ્યાર્થીઓ ઘરેબેઠાકરી રહ્યા છે અભ્યાસ

સમગ્ર રાજ્યમાં કોરોના covid19 ની પરિસ્થિતિ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં તથા ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઘરે બેઠા જ સોશિયલ મીડિયાના માધ્યમથી જળવાઈ  રહે તે માટે શિક્ષણ વિભાગે કરેલા પ્રયાસોને ખુબ સફળતા મળી છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં ધો. ૩ થી ૯ ના અંદાજે ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી સોશિયલ મીડિયાના માધ્યમ ઉપરાંત માઈક્રોસોફ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ આ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે. આમ, આ પ્રકારના પ્રયાસોના કારણે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અભ્યાસ ચાલુ રહેતા આગામી શૈક્ષણિક વર્ષમાં આગળના ધોરણમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે.
 
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ આજે ગાંધીનગરથી માઈક્રોસોફ્ટ ટીમ્સના નેટવર્ક દ્વારા વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જીલ્લાઓના ડીપીઈઓ, ડીઈઓ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી, બીઆરસી,સીઆરસી તથા ખાનગી શાળાના સંચાલકો સાથે સંપર્ક કરીને વર્તમાન પડકારરૂપ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રક્રિયા ઘરે બેઠા પણ જળવાઈ રહે તે માટે થઇ રહેલા પ્રયાસોની અને જીલ્લા કક્ષાએ થઇ રહેલા કાર્યની વિસ્તૃત સમીક્ષા પણ કરી હતી. મોટાભાગના જિલ્લાઓમાંથી મળેલા અહેવાલો મુજબ આટલા ટૂંકા દિવસોમાં પણ ૪૦% થી મહતમ ૮૦% સુધીના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી  છે સાથોસાથ તેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે બાકી રહેતા વિસ્તારોને પણ આવરી લેવાશે.
 
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સફળ કામગીરી બદલ તમામને અભિનંદન અપાતા જણાવ્યું હતું કે ખુબ જ કપરા અને પડકારરૂપ સમય વચ્ચે પણ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સોશિયલ મીડિયાના માધ્યમથી જળવાઈ રહે તે માટે જે કાર્ય થઇ રહ્યું છે તે ખુબ જ પ્રશંસનીય છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે ભારત સરકારે કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરીને દેશના તમામ રાજ્યોને પહોંચાડી છે ત્યારે ગુજરાત માટે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે રાજ્ય  સરકારના શિક્ષણ વિભાગે આજથી ત્રણ અઠવાડીયા પહેલા આ કામગીરી શરુ કરી દીધી છે. જે આજે સફળતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે.
 
ધો ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પણ ગુજરાતમાં ખુબ સફળતાપૂર્વક આ વિપરીત પરિસ્થિતિમાં પૂર્ણ કરી શકાઈ છે એટલું જ નહિ પરંતુ ૧૬મી એપ્રિલથી ધો ૧૦ અને ૧૨ની ઉતરવહીઓનું મૂલ્યાંકન પણ શરુ થઇ ગયું છે. આજ સુધીમાં મળેલી માહિતી મુજબ ૨૦૮ કેન્દ્રો પર ૧૨૩૧૦ શિક્ષકો દ્વારા ૧૮૭૦૦૦ ઉતરવહીઓને તપાસવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલી છે.
 
શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ કે  આપણા માટે આ સમય આપત્તિ ને અવસરમાં પલટાવવાનો છે. શિક્ષકો આ સમયનો ઉપયોગ કરીને બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે દિશામાં ખુબ જ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે તે પ્રશંસનીય છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલી શૈક્ષણિક સામગ્રીના ઉપયોગથી વિદ્યાર્થીમાં રહેલી આંતરશક્તિઓને બહાર લાવી શકાશે અને તેમની સર્જનાત્મક શક્તિનો પણ વિકાસ થશે.
 
કોરોના covid 19 ના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં શાળા કોલેજો બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય ઘરે બેઠા જ જળવાઈ રહે તે માટે GCERT ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાન અને ઉચ્ચ શિક્ષણની વિવિધ કચેરી દ્વારા સાથે નોંધપાત્ર પ્રયાસો સાથે નક્કર આયોજન કરાયું છે. આ આયોજન અંતર્ગત સ્ટડી ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, પાઠ્યપુસ્તકોનું વિતરણ ઉપરાંત ધો. ૧૦ અને ૧૨ ના ઉતરવહીઓના મૂલ્યાંકનની કામગીરીનો સમાવેશ થાય છે. 
 
સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત રાજ્યના ધો ૩ થી ૯ ના રાજ્યના ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી, ગણિત વિષયનું વીકલી લર્નિંગ મટીરીયલ પહોચાડવામાં આવે છે. બીઆરસી સીઆરસી કો ઓ.  દ્વારા રાજ્યની તમામ શાળાઓના શિક્ષકોને દર શનિવારે વોટ્સ એપ અને ઈ મેઈલના માધ્યમથી સાહિત્યનું વિસ્તરણ કરવામાં આવે છે. શિક્ષકો દ્વારા વાલીઓને આ સાહિત્ય મોકલવામાં આવે છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે દૈનિક વોટ્સ એપના માધ્યમથી અનુકાર્ય કરવામાં આવે છે, વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓનું પ્રસારણ કરવામાં આવ્યુ. તેનો લાભ મહતમ વિદ્યાર્થીઓને મળ્યો છે.
 
વર્ચુઅલ ક્લાસરૂમ અંતર્ગત સમગ્ર શિક્ષાના માર્ગદર્શન દ્વારા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી માઈક્રોસોફ્ટ ટીમ્સ પ્લેટફોર્મ દ્વારા ધો ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણનું આયોજન કરાયું છે. વર્ચુઅલ ક્લાસરૂમથી શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને શાળાના વર્ગની માફક જ ઘરે બેઠા જ અભ્યાસ કરાવી શકે છે. ઉપરાંત શિક્ષક વિદ્યાર્થીઓને ઈ કન્ટેન્ટ દર્શાવી અધ્યાપન પણ કરાવી શકે છે તેમજ વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી કરી શકે છે. શિક્ષક મૂલ્યાંકન પણ કરી શકે છે.
 
ઉચ્ચ શિક્ષણ અંતર્ગત DIET ના બી.એડના તાલીમાર્થીઓને માર્ગદર્શન અને મદદ મળી રહે તે હેતુસર વિવિધ તબક્કે GCERT અને IITE ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વિડીઓ કોન્ફરન્સ યોજીને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. નિષ્ણાંત અધ્યાપકો દ્વારા ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવ્યું છે.f