ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (22:45 IST)

રાજ્યમાં કોરોના વેકસીનેશનનો પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 2 કરોડને પાર

કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે 30 જૂન 2021 સુધીમાં રાજ્યમાં 41 ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 40.77 ટકા એટલે કે 2 કરોડ 61 હજાર 255 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.
 
ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 30 જૂન 2021 સાંજ સુધીમાં 2 કરોડને પાર કરી ગઇ છે. એટલું જ નહિ, 56 લાખ 16 હજાર 736 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.
 
સમગ્રતયા રાજ્યમાં 30 જૂનના દિવસે 2 લાખ 84 હજાર 125 લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે. આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 30 જૂન સુધીમાં 2 કરોડ 56 લાખ 77 હજાર 991 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.
 
ગુજરાતમાં 30 જૂન સુધીમાં જે 2 કરોડ 61 હજાર 255 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં 19,63,058 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, 45 થી વધુ વયના 1,08,29,452 તેમજ 18 થી 44 વયજૂથના 72,68,475 લોકોનો સમાવેશ થાય છે.
 
કોર કિમટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.