રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જૂન 2020 (08:17 IST)

આજે બપોર બાદ મહારાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે વાવાઝોડું, સુરતથી 425 કિલોમીટર છે દૂર

વાવાઝોડા સામે ઝીરો કેજ્યુલિટીના દ્રઢ સંકલ્પ સાથે સમગ્ર વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર હર્ષદભાઈ પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને માહિતી આપતાં ઉમેર્યું હતુ કે, તા. ૩જી જૂને બપોર બાદ વાવાઝોડુ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડાના પવનની ઝડપ ૧૦૦ થી ૧૧૦ કિ.મી પ્રતિ કલાક છે.  છેલ્લા છ કલાકમાં તીવ્ર થયેલું વાવાઝોડું સુરતથી 425 કિ.મી દૂર છે. જેને પગલે દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાંથી કાચા મકાનમાં વસવાટ કરતાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ માટે ૧૪૦ આશ્રયસ્થાન તૈયાર કરી દેવામાં આવ્યા છે. 
 
સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમાવિષ્ટ સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ આ ચચાર જિલ્લાઓમાં સ્થળાંતર અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે, દરિયાકાંઠાના ગામોમાં કાચા ઝુંપડાઓમાં વસતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના અંદાજે ૭૮,૯૭૧ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવનાર છે તે પૈકી ૧૭૨૭ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. જયારે બાકીના લોકોનું સ્થળાંતર આજ મોડી રાત સુધીમાં કરી દેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.    
 
કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઇ સ્થળાંતરની કામગીરી જોડાયેલી રેસ્ક્યુ ટીમોને પીપીઈ કીટથી સજ્જ કરી, નિયત કરાયેલા આશ્રયસ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન સહિતની તકેદારી રાખવા પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં બચાવ કામગીરી માટે તકેદારીના ભાગરૂપે રાજ્યના સંબંધિત જિલ્લાઓમાં SDRFની ૬ ટીમ અને NDRFની ૧૩ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત NDRFની વધુ પાંચ ટીમ એરલિફ્ટ કરવામાં આવશે. 
 
અરબી સમુદ્રમાં ડિપ્રેશન ૧૧ કિ.મી/કલાક ઝડપે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યુ છે. છેલ્લા ૬ કલાકમાં વાવાઝોડું તીવ્ર થયું છે. અત્યારે હાલ વાવાઝોડાનું કેન્દ્ર સુરત થી ૬૭૦ કી.મી. દક્ષિણ-પશ્ચિમ દૂર છે. વાવાઝોડું આવનારા ૨૪ કલાકમાં વધુ ગંભીર સાયક્લોનિક સ્વરૂપ ધારણ કરશે. જે આવનાર ૬ કલાકમાં ઉત્તર તરફ ગતિ કરશે અને ત્યારબાદ ઉત્તર પૂર્વ તરફ વળાંક લેશે. તા. ૩ જુન બપોર પછી વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠે, મહારાષ્ટ્રના હારીહરેશ્વર અને દમણ વચ્ચે અલીબાગ (મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં સ્થિત) ટકારવાની સંભાવના છે. 
 
સાયક્લોનિક અસરને કારણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પણ નોંધાયો છે. તા. બીજી મે સવારે ૦૮:૦૦ કલાક સુધીમાં  સુરત, અમરેલી, ભાવનગર અને તાપી જિલ્લાના પાંચ તાલુકામાં ૨૦ મી.મી.થી વધારે વરસાદ નોંધાયો છે. 
 
સંભવિત વાવાઝોડાને પગલે રાહત-બચાવની કામગીરી માટે તકેદારીના ભાગરૂપે રાજ્યમાં N.D.R.Fની કુલ ૧૩ ટીમો તૈનાત કરી છે. તે પૈકી ૧૦ ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ ખાતે ૨ તથા નવસારી, ભરૂચ, સુરત, આણંદ, ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર ખાતે ૧-૧ ટીમ તૈનાત કરવામાં આવી છે. જયારે ૩ ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત વધુ પાંચ N.D.R.Fની ટીમો એરલિફ્ટ કરવામાં આવનાર છે. એટલું જ નહીં S.D.R.Fની પણ કુલ ૬ ટીમ તૈનાત છે. જેમાં નવસારી, ભાવનગર, વલસાડ, ભરૂચ, સુરત અને અમરેલી ખાતે એક-એક ટીમ તૈનાત છે. 
 
જે અંતર્ગત સૉશીયલ ડિસ્ટનસિંગ સાથે બચાવ કામગીરી, આશ્રય સ્થાનોમાં ફરજિયાત સેનીટાઈઝેશન તથા ક્લીનીંગ, સ્થળાંતરની કામગીરી સાથે સંકળાયેલી રેસ્કયૂ ફોર્સીસને P.P.E. કીટથી સજ્જ કરવા ઉપરાંત દરીયાકાંઠાના જીલ્લાઓમાંથી અગરીયા, માછીમાર, ઝીંગા ફાર્મમાં કામ કરનાર લોકો તથા પશુઓને પણ યુદ્ધના ધોરણે સ્થળાંતરીત કરવા જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. 
 
તે ઉપરાંત લાઈવ વીજ વાયરથી સંપુર્ણ સુરક્ષા, જોખમી અને ભારે હૉર્ડીંગ ઉતારવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. સ્થળાંતર સહિતની કામગીરીમાં ઝીરો કેઝ્યુલિટીના ધ્યેયને પહોંચી વળવા વહીવટી તંત્રને પૂરતો સહકાર અને સહયોગ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.