અમદાવાદમાં પરિણીતાની એકલતાનો લાભ ઊઠાવી પતિના મિત્રએ છેડતી કરી, દુષ્કર્મનો પ્રયાસ
કાગડાપીઠમાં 30 વર્ષીય મહિલા પર પતિના મિત્રએ જ નજર બગાડી. પરિણીતા ઘરે એકલી હોવાની જાણ થતાં પતિનો મિત્ર ઘરે પહોંચ્યો અને મહિલા પાસે ફોટાની માગણી કરવા લાગ્યો. પરિણીતાએ ફોટો આપવાની ના પાડતાં બળજબરીનો પ્રયાસ પણ કર્યો. જે બાદ મહિલાએ પતિને સમગ્ર ઘટનાની જાણ કરતાં હાલ પતિના મિત્ર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.
હાલ પોલીસે આ અંગે તપાસ પણ હાથ ધરી છે.કાગડાપીઠમાં 30 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. કોરોના સમયે મહિલાના લગ્ન થયા હતા ત્યારે પતિના મિત્ર વિશાલે પરિણીતાનો નંબર લીધો હતો. બાદમાં વિશાલ તેણી સાથે ફોન અને મેસેજથી અવારનવાર વાતચીત કરતો હતો. જે બાદ ગત જૂન મહિનામાં બપોરના સમયે મહિલાના ઘરે કોઇ નહોતુ ત્યારે વિશાલ મહિલાના ઘરે ગયો હતો અને ફોટો માંગ્યો હતો પરંતુ, મહિલાએ ફોટો આપવાની ના પાડતા વિશાલે મહિલાની છેડતી કરી હતી.
જે બાદ વિશાલે બીજીવાર આવું નહિ કરૂ તેવી માફી પણ માંગી હતી.આ ઘટના બાદ ગત જુલાઇ મહિનામાં ફરી વિશાલ મહિલાના ઘરે ગયો અને તેણીની છેડતી કરી હતી. મહિલાએ ફોન ઉપાડવાના બંધ કરતા વિશાલ ઘરે પહોંચી ગયો હતો અને એકલતાનો લાભ લઇને દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો.જે બાદ મહિલાએ તેના પતિને વાત કરી હતી. આ અંગે મહિલાએ વિશાલ સંઘવી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.