શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (16:15 IST)

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

cyclone landfall
દાના વાવાઝોડાને કારણે ઓડિશામાં ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, ભારતના હવામાન વિભાગે (આઈએમડી) આશંકા વ્યક્ત કરી છે કે સતત ભારે વરસાદને કારણે ઓડિશાના 16 જિલ્લામાં અચાનક પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
 
રાજ્યના મુખ્ય મંત્રી મોહન માંઝીએ ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને પૂરથી ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
 
આ પહેલાં ગુરુવારે રાત્રે દાનાએ ઓડિશા ઉપર લૅન્ડફૉલ કર્યું હતું. જેની અસર ભદ્રક, કેન્દ્રપાડા અને બાલાસિનોર જિલ્લામાં જોવા મળી હતી. રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
 
બીજી બાજુ, પશ્ચિમ બંગાળ પણ હાઈ ઍલર્ટ પર છે. રાજ્યના અનેક તટીય વિસ્તારોમાંથી હજારો લોકોને સલામતસ્થળે ખસેડી લેવાયા છે.
 
મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જે-જે જિલ્લા ઉપર દાના વાવાઝોડાની અસર થઈ શકે છે, ત્યાં રાહત અને બચાવ કામગીરી ઉપર નજર રાખવા સચિવસ્તરના અધિકારીઓની નિમણૂક કરી છે.
 
આ વિસ્તારોમાં અનેક કંટ્રોલરૂમ ખોલવામાં આવ્યા છે. આ સિવાય લગભગ એક હજાર જેટલી રાહત છાવણીઓ શરૂ કરવામાં આવી છે. લોકોને સ્કૂલો અને સરકારી ઇમારતોમાં આશરો આપવામાં આવી રહ્યો છે.
 
મમતા બેનરજીએ ગુરૂવારે રાત્રે રાજ્યના સચિવાલયમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. ગુરુવાર સાંજે છ વાગ્યાથી કોલકતા ઍરપૉર્ટ ઉપર વિમાનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી. 200 જેટલી લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી અથવા વચ્ચેથી અટકાવી દેવાઈ હતી. હુગલી ફેરીસેવા પણ બંધ કરી દેવાઈ છે.
 
ઉલ્લેખનીય છે કે દાના ચક્રવાતનું નામ કતરે પસંદ કર્યું હતું. દાના સ્વરૂપે બે મહિનામાં બીજું વાવાઝોડું ભારત ઉપર ત્રાટક્યું છે. આ પહેલાં ઑગસ્ટ મહિનાના અંતભાગમાં પ્રાયદ્વીપ ઉપર 'આસના' વાવાઝોડું ત્રાટક્યું હતું.