શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (12:54 IST)

શંકરસિંહ વાઘેલાનું એલાન, હું સીએમ પદની રેસમાં નથી, કોંગ્રેસ આવે છે નામના કાર્યક્રમમાં બેઠક યોજાઇ

ભાજપે યુપીમાં ૩૦૦, ગુજરાતમાં ૧૫૦નું સૂત્ર આપ્યું છે ત્યારે કોંગ્રેસ આવે છે તેવો નારા સાથે કોંગ્રેસે પણ ચૂંટણીઓની તૈયારીઓનો પ્રારંભ કર્યો છે. સોમવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કોંગ્રેસ આવે છે તેવી થીમ સાથે ગુજરાત કોંગ્રેસ સમિતીએ વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો સાથે બેઠક યોજી હતી જેમાં વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવુ એલાન કર્યું હતું કે, હુ મુખ્યમંત્રીની રેસમાં નથી. હુ જ્યાં કોંગ્રેસ નબળી પડે છે ત્યાં જીતાડવાના ભરપૂર પ્રયાસો કરીશ . બેઠકમાં કોંગ્રેસના નેતાઓનો એક સૂર રહ્યો હતો કે, એકજૂથ થઇને લડીશું તો, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નકકી છે.

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં શંકરસિંહ વાઘેલાએ ખોંખારો ખાઇને કહ્યું કે, ચિંતા ન કરશો, જરૃર પડે ભાજપના ઉમેદાવારોને કોંગ્રેસમાં ખેંચી લાવીશ .શરદ પવાર સાથેની મુલાકાત અંગે તેમણે એવો ખુલાસો કર્યો કે, તેઓ મારા મિત્ર છે. મેં ગુજરાતમાં ભાજપને હરાવવા તમે સંમત છો તેવી રાજકીય ચર્ચા કરી હતી . તેમણે ખાતરી સાથે કહ્યું કે, હુ આજથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તેનો ઝંડો ઉપાડુ છું . ગુજરાતની ચૂંટણી દેશ માટે ટર્નિગ પોઇન્ટ બનશે. શંકરસિંહના પ્રવચન વખતે જ દાવેદારોએ શંકરસિંહને સીએમના ઉમેદવાર જાહેર કરો તેવા સૂત્રો પોકાર્યા હતાં .

પ્રદેશ પ્રભારી ગુરૃદાસ કામતે એ વાત કબૂલી કે, મને ફરિયાદ મળી છેકે, પેનલમાં નામ મૂકવાના ય રૃા.૧૫ લાખનો ભાવ બોલાય છે. આવુ સાંખી નહી લેવાય . આવા લોકોને ખુલ્લા પાડવા પડશે. આજે ભાજપ પડકાર બન્યું છે ત્યારે મનોબળ ટકાવી એકસંપ થઇને ચૂંટણી લડવી પડશે.આપણુ લક્ષ્ય છેકે, નવસર્જન ગુજરાત બનાવવુ છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવી બાંહેધરી આપી કે, ઓબીસી,એસસી,એસટીની ૪૯ ટકાની અનામત સાથે છેડછાડ કર્યા વિના બિનઅનામત વર્ગના શિક્ષણ-રોજગાર માટે ૨૦ ટકા અનામતની જોગવાઇ કરાશે. ચૂંટણીમાં મહિલા-યુવાઓને પ્રાધાન્ય અપાશે. ચૂંટણી ઢંઢેરામાં સ્થાનિક પ્રશ્નોનો સમાવેશ કરાશે .
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ યુપીના પરિણામોની ગુજરાત પર અસર થવાની નથી તેવો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભાજપનો ટ્રેકરેકર્ડ દર્શાવે છેકે, દરેક ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટતી જાય છે. આ વખતે પણ સૂઝબુઝ સાથે ચૂંટણી લડીશું તો પંચાયતોની જેમ બુલડોઝર ફરી વળશે. ભાજપની રાક્ષસી તાકાત સામે એકજૂથ થઇને લડવુ પડશે. રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવેદારોની બેઠકને અવસર ગણાવી કહ્યું કે, પંજો એ આપણો ઉમેદવાર છે. આપણી લડાઇ વિચારધારાની છે. ભાજપ સામે છે.કાર્યકર જાગૃત હશે તો ઇવીએમ હશે તો પણ આપણો વિજય નક્કી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ ટિકિટની વહેચણી વખતે ધ્યાન રાખવાની તાકીદ કરતાં એવુ કહ્યુ ંકે, મતવિસ્તારની પ્રજા ઇચ્છે તેને જો ટિકિટ આપવામાં આવે તો જીત પાકી છે. અમદાવાદમાં બેઠાં બેઠા ટિકિટ અપાશે તો ચૂંટણી જીતવી આસાન નથી. લોકોને આજે એક આશા બેઠી છેકે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તે કોગ્રેસના કાર્યકરોએ ચૂંટણીમાં અથાગ મહેનત કરીને પરિપૂર્ણ કરવાની છે.
આગામી દિવસોમાં વિધાનસભા દીઠ સંમેલનો યોજવામાં આવશે . ૨૭મીથી ઉમેદવારોની પેનલો બનાવવાની કામગીરીનો પ્રારંભ થશે. આ પેનલો સ્ક્રીનીંગ કમિટી સમક્ષ મૂકીને ઉમેદવારોની પસંદગી કરાશે . ૨જી એપ્રિલથી આદિવાસી યાત્રા કાઢવા માટે પણ કોંગ્રેસે નકકી કર્યું છે. આમ, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટેનો ધમધમાટ શરૃ કર્યો છે.