ભારતની આર્થિક સ્થિતિ અતિ ખરાબ, અરૂણ જેટલી રાજીનામું આપે - ભાજપના નેતા યશવંતસિંહા
ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહા એ તાજેતરમાં નાણાંપ્રધાન અરૂણ જેટલી પર નિશાન તાક્યું હતું અને તેમણે કહ્યું હતું કે જીએસટીના અમલમાં જેટલીએ મગજ નથી દોડાવ્યું. આ અગાઉ પણ સિંહાએ અનેક વાર ભાજપની કેન્દ્ર સરકાર પર નોટબંધી અને જીએસટીને લઈને નિવેદનો આપ્યાં છે. ત્યારે અમદાવાદ આવી પહોંચેલા પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહાએ પત્રકાર પરિષદ યોજીને નાણાંમંત્રી અરુણ જેટલીના રાજીનામાની માંગણી કરી હતી. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારના અણઘડ વહીવટના કારણે દેશને ભારે આર્થિક નુકસાન થયું છે.
લોકશાહી બચાવોની ઝૂંબેશ લઇને નીકળેલા અમદાવાદના એનજીઓના ગૌતમ ઠાકર, દેવ દેસાઇ, મહેશ પંડ્યા, હેમંતકુમાર શાહ દ્વારા આજે ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના સીનીયર નેતા યશવંતસિંહાને શહેરમાં આમંત્રિત કરવામાં આવ્યા હોવાથી તે મંગળવારે આવી પહોંચ્યા હતા. તેમણે ભારતની આર્થિક સ્થિતિને વખોડી હતી. આ પાછળ ભારતના નાણાં પ્રધાન જવાબદાર હોવાનું જણાવી અરુણ જેટલી રાજીનામું આપે તેવી માંગણી તેમણે કરી હતી. અરુણ જેટલીએ નૈતિકતાના ધોરણે સામેથી જ રાજીનામુ આપી દેવું જોઈએ તેમ તેમણે કહ્યું હતું. યશવંતસિંહાની સાથે પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા પણ જોડાયા હતા.