ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (23:41 IST)

લગ્નસરા અને ખેતીની સિઝનને કારણે ઓછું મતદાન થયું, પણ ભાજપને નુકસાન નહીં : નીતિન પટેલનો દાવો

nitin patel
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ઓછા મતદાનને લઈને ઉમેદવારોમાં મુંઝવણ ઉભી થઈ છે. 2017 કરતાં સાતેક ટકા મતદાન ઓછું થતાં રાજકીય પક્ષોમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઓછા મતદાનને લઈને ગેલમાં આવી ગઈ છે. કોંગ્રેસ 55 સીટ અને આમ આદમી પાર્ટી 51 સીટ જીતવાનો દાવો કરી રહી છે. આ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ઓછા મતદાન માટે લગ્નસરાની સિઝનને જવાબદાર ગણાવી છે. 
 
ખેડૂતો માટે પણ અત્યારે શિયાળુ ખેતીની સિઝન છે
મહેસાણાના કડીમાં હાજર રહેલા નીતિન પટેલે પ્રથમ તબક્કાના ઓછા મતદાન અંગે કહ્યું હતું કે અત્યારે  રાજ્યમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જેને કારણે લોકો લગ્નમાં વ્યસ્ત છે.વ્યસ્તતાને કારણે લોકો મતદાન મથક સુધી ન પહોંચી શક્યા જેથી ઓછું મતદાન થયું છે. એટલું જ નહીં ખેડૂતો માટે પણ અત્યારે શિયાળુ ખેતીની સિઝન ચાલી રહી છે. ખેડૂતો પોતાના કામમાં હોવાથી મતદાન પર અસર પડી.તો સાથે જ કહ્યું કે ઓછા મતદાનથી ભાજપને કોઇ નુકશાન નહીં થાય.
 
નીતિન પટેલ મહેસાણાથી જીત્યા હતા.
ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મહેસાણા શહેર એકમના પ્રમુખ મૂકેશ પટેલને બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નીતિન પટેલના સમર્થક ગણાતા મૂકેશ પટેલ તેમના ભાષણોમાં નીતિન પટેલને મહેસાણાના વિકાસ પુરુષ અને પોતાને તેમના પ્રતિનિધિ ગણાવે છે. વર્ષ  2017ની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા 66 વર્ષીય નીતિન પટેલ મહેસાણા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.
 
મહેસાણા જિલ્લો પાટીદાર આંદોલનનું કેન્દ્ર હતો
આ જિલ્લો ત્યારે પાટીદાર આંદોલનનું કેન્દ્ર હતો. આંદોલનને કારણે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભાજપને ભારે નુકસાન થયું હતું, પરંતુ પક્ષ અહીં સાતમાંથી પાંચ બેઠકો જીતીને નીતિન પટેલ તેમના ઘરમાં મજબૂત સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. નીતિન પટેલને એક સમયે રાજ્યની ભાજપ સરકારમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછી બીજા ક્રમે ગણવામાં આવતા હતા. વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.