બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2022 (11:14 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- મતદાનમાં નહી પડે મુશ્કેલી, પહેલીવાર કરાશે બુથ એપનો ઉપયોગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે  જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે અને મતગણતરી 08 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં વધુને વધુ ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર જોર મુકવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગુજરાતની ચૂંટણી દરમિયાન રાજ્યમાં પહેલીવાર બુથ એપનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ એપનો ઉપયોગ સરળ અને સુવિધાજનક છે. આ એપ દ્વારા મતદાર તેમના ટોકન નંબર મુજબ જ્યારે તેમનો નંબર આવે ત્યારે અનુકૂળતાપૂર્વક મતદાન કરી શકે છે. મતદારોને મતદાન મથક પર લાગેલી લાઈનો વિશે વધારે ખબર હોતી નથી અને લાંબી લાઈનોના કારણે યુવા મતદારોને નિરાશ થઈ જાય છે. જેથી આ એપની મદદથી મતદાર ઓનલાઈન જાણી શકશે કે બૂથ પર લાઈન છે કે નહીં. 
 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ એપ દ્વારા મતદાનના દિવસે મતદાન કેન્દ્રોમાં મતદાનની ટકાવારીની માહિતી રિયલ ટાઈમમાં મળી જશે. આ એપ દ્વારા એ પણ સરળતાથી જાણી શકાશે કે કેટલા પુરૂષ અને કેટલા મહિલા મતદારોએ મતદાન કર્યું છે. એપ પર દર કલાકે વોટિંગ આંકડા અપડેટ થશે.
 
બૂથ એપ દ્વારા મતદાન મથકમાં મતદારોને સરળતાથી ઓળખી શકાશે. આ એપ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવા માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. આ એપનો ઉપયોગ ખૂબ જ સરળ અને સુવિધાજનક છે.
 
બૂથ એપનો હમીરપુર (ઉત્તર પ્રદેશ)ના 5 મતદાન કેન્દ્રો, ત્રણ રાજ્યો (મહારાષ્ટ્ર, બિહાર અને પંજાબ)ના 3 વિધાનસભા મતવિસ્તારો (સમસ્તીપુર, કસ્બા પેઠ અને ફગવાડા)માં પ્રાયોગિક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે બાદ નવેમ્બર 2019માં ઝારખંડના 10 વિધાનસભા મતવિસ્તારોમાં આ એપને લૉન્ચ કરવામાં આવી હતી.