સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

ગુજરાતમાં 177 ધારાસભ્યોના શપથગ્રહણ

અશોક ભટ્ટે નવા અધ્યક્ષ પદે શપથગ્રહણ કર્યા અને ચાર સભ્યો આજે શપથ લેશે

PRP.R

ગાંધીનગર (એજંસી) તા. 17મી જાન્યુ.ના રોજ ગુજરાત વિધાનસભામાં 12મી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182માંથી 177 સભ્‍યોએ ધારાસભ્‍યપદના બંધારણીય શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં કોઇકારણોસર 4 સભ્‍યો ગેરહાજર હોવાથી તેઓ હવે પછી નવા અધ્‍યક્ષ પાસેથી શપથગ્રહણ કરશે. ગઇકાલ બપોરે 12 વાગે શરૂ થયેલી શપથવિધિ 3 કલાક સુધી ચાલી હતી. સૌ પ્રથમ મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ ધારાસભ્‍યપદના શપથગ્રહણ કર્યા અને ત્‍યારબાદ પૂર્વ અધ્‍યક્ષ પ્રો. મંગળભાઈ પટેલે અને ત્‍યારબાદ મંત્રીમંડળના સભ્‍યોએ શપથગ્રહણ કર્યા હતા.

ગત વર્ષની 23મી ડિસેમ્‍બરેના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં ભાજપે 117 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી હતી. પરિણામ જાહેર થયાના 24 દિવસ પછી ગઇકાલે 12મી વિધાનસભાનું પ્રથમસત્ર બપોરના 12 વાગે શરૂ થયું ત્‍યારે સૌથી મોટી વયના અને વરિષ્ઠ ધારાસભ્‍ય દોલતભાઈ દેસાઈએ પ્રોટેમ સ્‍પીકર (કામચલાઉ અધ્‍યક્ષ) ની જવાબદારી સંભાળી હતી. તેઓ સભાગૃહમાં આવ્‍યાં તે અગાઉ રાજ્‍યપાલ નવલકિશોર શર્મા દ્વારા તેમને પ્રોટેમ સ્‍પીકરપદના શપથ લેવડાવ્‍યા હતા. સભાગૃહમાં આવ્‍યા બાદ તેમણે શપથવિધિની પ્રક્રિયા વાંચી સંભળાવી હતી. અને ત્‍યારબાદ સૌ પ્રથમ સભાગૃહના નેતા તરીકે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ વિધાનસભાના સચિવના સ્‍થાન પાસે જઇને ઈશ્વરના નામે સોગંદ લીધા હતા. ત્‍યારબાદ તેઓ પ્રોટેમ સ્‍પીકરને મળીને બીજી તરફ મૂકવામાં આવેલા રજિસ્‍ટરમાં હસ્‍તાક્ષર કરીને પોતાના મૂળસ્‍થાને ગોઠવાયા હતા. આજ પ્રક્રિયા તમામ સભ્‍યોએ અનુસરી હતી.

મુખ્‍યમંત્રી બાદ ગત 11મી વિધાનસભાના અધ્‍યક્ષ પ્રો. મંગળદાસ પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. તે પછી તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા અને ત્‍યારબાદ વિપક્ષના નેતા શક્‍તિસિંહ ગોહિલે શપથગ્રહણ કર્યા હતા. ત્‍યારબાદ ભાજપના 15 અને કોંગ્રેસના 1 મળીને તમામ મહિલા ધારાસભ્‍યોએ શપથગ્રહણ કર્યા હતા અને ત્‍યારબાદ વિધાનસભાની બેઠકના ક્રમાનુસાર સૌ પ્રથમ કચ્‍છની અબડાસાની બેઠકના ધારાસભ્‍ય જયંતીભાઈ ભાનુશાળીએ શપથ લીધાં અને સૌથી છેલ્લે 182મી બેઠકના ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે શપથગ્રહણ કર્યા બાદ પ્રોટેમ સ્‍પીકર દ્વારા શપથવિધિ પૂર્ણ થયેલી જાહેર કરાઈ હતી.

વિધાનસભા ગૃહમાં 182માંથી 4 ધારાસભ્‍યો દિનુ સોલંકી (કોડીનાર), સિદ્ધાર્થ પટેલ (ડભોઈ), છોટુ વસાવા (ઝઘડિયા) અને ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર) ગેરહાજર રહેતાં તેઓ પ્રથમ તબક્કામાં ધારાસભ્‍યપદના શપથ લઈ શક્‍યા નહોતા. આ ચાર સભ્‍યોએ હવે આજે શુક્રવારે નવા અધ્‍યક્ષ તરીકે અશોક ભટ્ટ દ્વારા શપથગ્રહણ કરવાના રહે છે.