મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 28 ઑક્ટોબર 2023 (01:00 IST)

ગુજરાતના પશુપાલકો બકરીનું દૂધ વેચીને આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે સરકારે વિચારણા હાથ ધરી

milk
મુખ્યમંત્રી અને પશુપાલન મંત્રીએ પશુપાલકોની રજૂઆત મળ્યા બાદ એક દૂધ ઉત્પાદક સંઘો સાથે બેઠક કરી હતી
 
ગુજરાતમાં બકરી વર્ગના પશુઓની સંખ્યા 48 લાખથી પણ વધુ છે
 
 
 ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, જેના માટે ગાય-ભેંસના તેમજ કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધ માટે સંપાદન તેમજ બજાર વ્યવસ્થાનું સહકારી માળખુ સફળતાપૂર્વક કાર્યરત છે. પશુપાલકો સાથે સાથે ગુજરાતમાં બકરાપાલન વ્યવસાય સાથે સંકળાયેલ માલધારીઓને પણ બકરીનું દૂધ વેચીને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સક્રિયપણે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે.
 
બકરીના દૂધની બજાર વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા
સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં બકરીના દૂધના સંપાદન-બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પશુપાલન મંત્રીએ આ રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. જેમાં પશુપાલન નિયામક, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધિ, સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના વરિષ્ઠ અધિકારીઓ, સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ સહિત વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
દૂધ ઉત્પાદનમાં બકરીના દૂધનો ફાળો 2 ટકા
મંત્રી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લી પશુ વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં બકરી વર્ગના પશુઓની સંખ્યા 48 લાખથી પણ વધુ છે. ગુજરાત દ્વારા થતા કુલ 167 લાખ મે.ટન દૂધ ઉત્પાદનમાં બકરીના દૂધનો ફાળો 2 ટકા જેટલો છે. રાજ્યમાં ગાય, ભેંસ અને ઊંટડીના દૂધ માટે સહકારી માળખુ ઉપલબ્ધ છે, તેવી જ રીતે આગામી સમયમાં અનેક ગુણધર્મો ધરાવતા બકરીના દૂધ માટે પણ સહકારી માળખું કાર્યરત કરી શકાય તેમ છે. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી દ્વારા ફેબ્રુઆરી-2023ના ગેઝેટમાં બકરીના દૂધના સુધારેલ માનક પ્રસિદ્ધ કરાયા છે, જે સપ્ટેમ્બર-2023થી અમલીકૃત થયા છે.
 
પ્રોજેક્ટ પ્રપોઝલ તૈયાર કરવા માટે સૂચના આપી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-આણંદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે મળીને આ બાબતે વિગતવાર અભ્યાસ કરી બકરીના દૂધના ભાવ, પેકેજીંગ, માર્કેટિંગ સહિતની બાબતોને આવરી લઇ પ્રોજેક્ટ પ્રપોઝલ તૈયાર કરી તેને વિગતવાર રજૂ કરવા માટે મંત્રી પટેલે સૂચના આપી હતી. ભવિષ્યમાં દૂધ સંજીવની પ્રોજેક્ટ હેઠળ પણ બકરીનુ દૂધ આપી શકાય કે કેમ તે અંગેના પણ વિવિધ પાસાઓનો અભ્યાસ કરવા પશુપાલન મંત્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.