બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By Author ડૉ હૃષીકેશ પાઈ|
Last Updated: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (17:34 IST)

વંધ્યત્વનું નિવારણ – વંધ્યત્વ જીવનશૈલી સંબંધિત સમસ્યા છે

વંધ્યત્વનો અર્થ મુખ્યત્વે ગર્ભધારણમાં યોગદાન આપી ન શકવાની વ્યક્તિની જૈવિક અક્ષમતા એવો થાય છે. ગર્ભનિરોધકના ઉપયોગ વિના બાર મહિના દરમિયાન સંભોગ બાદ પણ જો કોઈ દંપતિ ગર્ભધારણ ન કરી શકે અથવા સ્ત્રી 34 વર્ષની નીચેની હોય અથવા કપલ ગર્ભનિરોધક વિના છ મહિના સંભોગ પછી પણ ગર્ભધારણ ન કરી શકે અથવા મહિલા 35 વર્ષથી વધુ વયની (35 વર્ષથી વધુની મહિલાઓનાં ઈંડાંની ગુણવત્તામાં ઘટાડો થાય છે, આ વય આધારિત વિસંગતતા છે, આ એ વય છે જ્યારે તબીબી મદદ લેવાની જરૂર પડે છે) હોય તો વંધ્યત્વ સંબંધી સલાહ-સારવાર લેવાનો વિચાર કરવો જોઈએ.
વંધ્યત્વ એવી સ્થિતિ પણ છે જેમાં મહિલા પૂર્ણ સમય માટે ગર્ભાવસ્થા ટકાવી શકતી નથી.

સામાન્યપણે, વિશ્વમાં અંદાજે દર સાતમાંથી એક કપલને ગર્ભધારણામાં સમસ્યા ઊભી થતી હોય છે. મોટા ભાગના દેશોમાં આ સ્થિતિ લગભગ એકસરખી છે, અને દેશના વિકાસના સ્તર સાથે તેને કોઈ સંબંધ નથી. વિશ્વમાં વંધ્યત્વનું પ્રમાણ આશરે 13-18% જેટલું છે. ભારતમાં, આ પ્રમાણ 10 અને 20%ની વચ્ચે છે.

ભારતમાં, વસ્તી વધારો મોટી સમસ્યા હોવા છતાં, દેશમાં વંધ્યત્વથી પીડાતા દંપતિઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. આથી, વંધ્યત્વ એક મહત્વની રાષ્ટ્રીય સમસ્યા ગણાય છે, જેનો સંબંધ પુનરુત્પત્તિના સ્વાસ્થ્ય સાથે છે.


વંધ્યત્વ સામાન્યપણે બંને પાર્ટનર્સ પુરુષ અને સ્ત્રીના કેટલાક યોગદાનને કારણે હોય છે.

વંધ્યત્વના અનેક જૈવિક કારણો છે, જેમાંના કેટલાકને તબીબી દરમિયાનગીરીથી દૂર કરી શકાય છે. વંધ્યત્વના મોટા ભાગના કેસ જેનેટિક્સ એટલે કે આનુવાંશિકતાને કારણે હોય છે અને તેને રોકી શકાતા નથી. જો કે, વંધ્યત્વના કેટલાક સંભવિક પ્રકારોને રોકવાનું શક્ય છે, અને આપણા રોજિંદી જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર રહે છે.

આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તેની આપણી સંભવિત ફળદ્રુપતા તથા રોજબરોજની જીવનશૈલી પર બહુ મોટી અસર પડે છે. છેલ્લા થોડાક સમયમાં વંધ્યત્વ માત્ર તબીબી સમસ્યા ન રહેતા જીવનશૈલી સંબંધી સમસ્યા બની રહી છે.

વ્યક્તિની ફળદ્રુપતા પર કઈ બાબતોને કારણે અસર પડે છે તે અને આ સંભવિત જોખમોને ટાળવાના માર્ગ આ બે બાબતોને જાણવી એ વંધ્યત્વને ટાળવામાં મદદરૂપ થવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

1] સૌથી પહેલા, કેટલીક ટેવો જેમ કે સ્મૉકિંગ અને આલ્કૉહૉલનું સેવન વ્યક્તિની ફળદ્રુપતા પર હાનિકારક અસર કરી શકે છે. સ્મૉકિંગનો સંબંધ પુરુષોમાં ઓછા સ્પર્મ કાઉન્ટ અને વીર્યની મંદ ગતિ સાથે જોડતા અને સ્ત્રીઓમાં કસુવાવડમાં વધારા તરીકે જોવા મળ્યા છે.
આલ્કૉહૉલ (ખાસ કરી ને તેનું સેવન અને વધુ પડતો ઉપયોગ) કુદરતી રીતે અથવા વંધ્યત્વની સારવારના સહારે ગર્ભાધાન માટે પ્રયાસ કરી રહેલા પુરુષ અને સ્ત્રી બંનેની ફળદ્રુપતા પર અસર કરે છે. આલ્કૉહૉલ સ્પર્મ માટે ઝેરી છે; તે સ્પર્મ કાઉન્ટ ઘટાડે છે, સંભોગ સંબંધી કામગીરી પર અસર પાડી શકે છે, હૉર્મેન્સના સંતુલનને બગાડી શકે છે અને કસુવાવડના જોખમને વધારી શકે છે.
 
 
2] કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટિન અને રેસા ધરાવતો સંતુલિત આહાર લેવો જ જોઈએ. પ્રાણીઓમાંથી મળતાં પ્રોટિન કરતાં શાકભાજીમાંથી મળતા આ તત્વથી સમૃદ્ધ આહારમાં રેસા અને આયર્ન સારા પ્રમાણમાં હોય છે. ઓછા ટ્રાન્સ ફેટ્સ અને સાકરમાંથી કાર્બોહાઈડ્રેટ્સ, વધુ ઉચ્ચ ચરબી ધરાવતાં ડેરી ઉત્પાદનો અને ઓછા લૉ-ફેટ ડેરી ઉત્પાદનો, સાથે મલ્ટિવિટામિન્સ લેવાથી મહિલાઓમાં ગર્ભાશય સંબંધી સમસ્યાઓને કારણે જોખમનું પ્રમાણ સરખામણીમાં ઘટી જાય છે. આહાર સંબંધી અસંતુલનને પગલે વિટામિન સી, ફોલેટ, સેલેનિયમ અથવા ઝિન્કની ઊણપ વંધ્યત્વનું જોખમ વધારી શકે છે. દરેક મહિલાએ ફોલિક એસિડ લેવાનું પ્રમાણ (લીલા પાનના શાકભાજી, ફળો, અનાજમાં મળી આવવા ઉપરાંત સપ્લીમેન્ટ્સ તરીકે પણ ઉપલબ્ધ છે) ગર્ભાવસ્થા પહેલા અને તેના શરૂઆતના ત્રણ મહિનામાં વધારવું જોઈએ, જેથી સ્પાઈના બિફિડા જેવી ન્યુરલ નળીની ખામીઓને ઘટાડી શકાય.

3] માફકસર પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિઓ અને વ્યાયામ વ્યક્તિના વંધ્ય થવાની શક્યતામાં બહુ મોટો ફેરફાર લાવવામાં મદદ કરી શકે છે.
જો કે,વધુ પડતો વ્યાયામ મહિલાઓમાં માસિકસ્રાવ સંબંધી સમસ્યાઓ તરફ દોરી જઈ શકે છે અને પુરુષોમાં વૃષણની આસપાસ વધતી ગરમીના કારણે વીર્યના ઉત્પાદન પર અસર કરી શકે છે.

4] આહાર અને એકસમાન વ્યાયામ દ્વારા વ્યક્તિએ પોતાનું વજન પોતાની ઊંચાઈને અનુરૂપ હોય એ મુજબ જાળવવું જોઈએ, જેથી હૉર્મોનના સંતુલનમાં ખામી ઊભી થવાની શક્યતા ન રહે.
વધુ પડતું વજન વધવાનું ટાળવું એ વંધ્યત્વ ટાળવાના સૌથી શ્રેષ્ઠ માર્ગમાંથી એક છે. સ્પર્મ કાઉન્ટને ઘટાડી પુરુષોમાં ઉત્પાદનક્ષમતા ઘટાડવા માટે સ્થૂળતા એક જાણીતું કારણ છે અને આ જ બાબત સ્ત્રીઓમાં વધુ પડતી ગરમી સર્જી ઓવ્યુલેશનમાં દબાણ સર્જે છે.

અહીં મહત્વની વાત છે આહાર સંબંધી યોગ્ય પસંદગીઓ કરવી અને વ્યક્તિના રોજબરોજના જીવનમાં યોગ્ય પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો, આનાથી બહુ મોટી મદદ મળી શકે છે.

5] ફળદ્રુપતાને અસર કરતી કેટલીક તબીબી સ્થિતિઓ માટે વ્યક્તિએ કેટલાક વાર્ષિક ચેક-અપ્સ કરાવવા જોઈએ. પૅલ્વિક ઈન્ફ્લેમેટરી ડિસીઝ (પીઆઈડી), એન્ડોમેટ્રિયોસિસ અને સર્વાઈકલ કેન્સર જેવી સ્થિતિઓનું વહેલું નિદાન વંધ્યત્વને રોકી શકે છે. વધુમાં, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું નિદાન અને સારવાર પણ વ્યક્તિની ફળદ્રુપતાને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.

6] કેટલીક દવાઓ અથવા હર્બલ ઈલાજ (પ્રીસ્ક્રાઈબ કરેલી અથવા દવાની દુકાનમાંથી ખરીદેલી) પણ ફળદ્રુપતા પર અસર કરી શકે છે. આવી દવાઓ અંગે તમારા ગાયનેકૉલૉજીસ્ટ સાથે ચર્ચા કરવી જોઈએ.
વધુમાં, ગાંજો અને કોકેઈન જેવા મોજમજા માટેના કેફી પદાર્થોનું વ્યસન હોય તો એ છોડી દેવું જોઈએ, કેમ કે તેનો સંબંધ પુરુષઓમાં નીચા સ્પર્મ કાઉન્ટ અને સ્ત્રીઓમાં વંધ્યત્વ સાથે જોવા મળ્યો છે.

7] વ્યક્તિએ પર્યાવરણમાંના ઝેર અને જંતુનાશકો, સીસું, ભારે ધાતુઓ, ઝેરી રસાયણો અને આયોનાઈઝિંગ કિરણોત્સર્ગથી પણ દૂર રહેવું જોઈએ.

8] શહેરી જીવનશૈલીની ઝડપી ગતિ પણ વ્યક્તિઓ પર અસર પાડે છે. વર્કિંગ કપલ્સમાં વંધ્યત્વનું પ્રમાણ ખાસ્સું વધી રહેલું જોવા મળે છે. તમનું ખૂબ જ ઊંચું પ્રમાણ અને એકધારી ઊંઘનો અભાવ પણ વંધ્યત્વનું જોખમ વધારી શકે છે. ધ્યાન, યોગ અને ઊંડા શ્વાસ લેવા તથા સ્નાયુઓને રિલેક્સ કરવા માટેની કસરતો જેવી બાબતો અપનાવવાથી તાણમાં રાહત મળવામાં મદદ મળી શકે છે.
જીવનશૈલીમાં આ ફેરફારો સાથે, આસિસ્ટેડ રિપ્રોક્ટિવ ટેક્નૉલૉજી (એઆરટી) પ્રવેશેલી કેટલીક અદ્યતન બાબતોને કારણે વંધ્યત્વની સફળ સારવારમાં અનેક મોટી શક્યતાઓ ઊભી કરી છે. આ નવી ટેક્નૉલૉજીના ઉદાહરણો છે ઈન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેક્શન, બીજાંડનું દાન, અને ગર્ભ ક્રાયોપ્રીઝર્વેશન.
છ મહિના અથવા એનાથી વધુ સમય માટે ગર્ભાધાન માટેના તમારા પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હોય તો તમે ડૉક્ટરની સલાહ લો એ જ શ્રેષ્ઠ છે. દંપતિના કેસમાં વંધ્યત્વના ચોક્કસ કારણ અંગેનું યોગ્ય નિદાન ડૉક્ટરને સમસ્યાનું યોગ્ય વ્યવસ્થાપન માટેની સારવાર સૂચવવામાં મદદરૂપ થશે.

હા, એવી અનેક દવાઓ પણ છે જે સ્ત્રી અને પુરુષમાં ફળદ્રુપતાને ક્ષતિગ્રસ્ત કરી શકે છે, તેમાં ડીપ્રેશન વિરોધી દવાઓ, શાંત પાડતી દવાઓ અને નાર્કોટિક્સનો સમાવેશ થાય છે. કેન્સરની સારવારમાં લેવાતી દવાઓ પણ ગર્ભાશય અથવા વૃષણને હંગામી અથવા કાયમી નુકસાન કરી શકે છે. વધુમાં, ગર્ભાવસ્થા શરૂ થયા બાદ લેવામાં આવે તો કેટલીક દવાઓ કસુવાવડ અથવા ગર્ભમાં ખામીનું કારણ બની શકે છે.
સલ્ફાસાલાઝાઈન નામની દવા જેનો ઉપયોગ ક્રોહન્સ ડિસીઝમાં થાય છે, તે સ્પર્મના ઉત્પાદન પર અસર પાડવા માટે જાણીતી છે. એનાબોલિક સ્ટેરોઈડ્સ જેવા મોટા ભાગના હૉર્મોનલ સપ્લીમેન્ટ્સ તથા રસ્તા પરની અન્ય દવાઓ પણ ફળદ્રુપતા પર અવળી અસર કરે છે. 
ગર્ભાધાન માટે પ્રયાસ કરી રહ્યા હો અથવા ગર્ભાવસ્થા દરમિયાન આવી દવાઓ લેવાનું ટાળવું એ સૌથી શ્રેષ્ઠ છે.

ધૂમ્રપાન માત્ર તમારા હૃદય અને શ્વસન સંબંધી અવયવો માટે જ નુકાસનકર્તા નથી પણ તમારી પુનરોત્પતિની કામગીરી માટે પણ જોખમી છે. ધૂમ્રપાન અથવા તંબાકુ ધરાવતી કોઈપણ વસ્તુનું સેવન પુરુષોમાં વીર્યના ઉત્પાદનને ઘટાડે છે અને સ્ત્રીઓમાં ઈંડાંની ગુણવત્તા પર અસર પાડે છે, જે લાંબા ગાળે વંધ્યત્વની સમસ્યાને નોતરી શકે છે.
સ્મૉકિંગથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનનું પ્રમાણ પણ ઘટે છે, જે નપુંસકતા તરફ દોરી જઈ શકે છે. ધૂમ્રપાન સ્ત્રીઓના સર્વાઈકલ મ્યુકોસમાં ફેરફાર કરે છે, જે વીર્યને ઈંડાં સુધી પહોંચતા રોકે છે અને તેના પગલે વંધ્યત્વના પગરણ થાય છે.