Sri Lanka: શ્રીલંકામાં પૂર-ભૂસ્ખલનથી 56 લોકોના મોત, 600 થી વધુ ઘર બરબાદ, સ્કુલ-ઓફિસ થયા બંધ
શ્રીલંકામાં સતત થઈ રહેલ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ ખૂબ બગડી ચુકી છે. દેશભરમાં અત્યાર સુધી 56 લોકોના મોત થઈ ચુક્યા છે. બીજી બાજુ 600 થી વધુ ઘરોને ભારે નુકશાન પહોચ્યુ છે. બગડતી સ્થિતિને જોતા સરકારે શુક્રવારે બધી સરકારી ઓફિસ અને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો.
ગયા અઠવાડિયાથી શ્રીલંકા ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું છે. જોકે, ગુરુવારે મુશળધાર વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદથી ઘર, રસ્તાઓ અને ખેતીની જમીન ડૂબી ગઈ હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું. સરકારના જણાવ્યા અનુસાર, સૌથી વધુ વિનાશ પહાડી ચા ઉત્પાદક વિસ્તારોમાં બદુલ્લા અને નુવારા એલિયામાં અનુભવાયો હતો, જ્યાં ગુરુવારે જ 25 લોકો મૃત્યુ પામ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા અનુસાર, આ બે વિસ્તારોમાં 21 લોકો ગુમ થયા છે, જ્યારે 14 ઘાયલ થયા છે.
દેશના અન્ય ભાગોમાં પણ ભૂસ્ખલનથી અસંખ્ય લોકોના મોત થયા છે. સતત ભારે વરસાદને કારણે મોટાભાગની નદીઓ અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ખડકો, વૃક્ષો અને કાદવ પડવાથી અનેક રસ્તાઓ અને રેલ્વે ટ્રેક બંધ થઈ ગયા છે. આ કારણે પેસેન્જર ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી.
ગુરુવારે સ્થાનિક ટીવી ચેનલો પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વાયુસેનાનું હેલિકોપ્ટર પૂરમાં ફસાયેલા ઘરની છત પર ઊભેલા ત્રણ લોકોને બચાવી રહ્યું છે. દરમિયાન, નૌકાદળ અને પોલીસ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે બોટનો ઉપયોગ કરી રહી છે. બીજી એક હૃદયદ્રાવક ઘટનામાં, અમ્પારા નજીક પૂરમાં એક કાર તણાઈ ગઈ, જેમાં ત્રણ લોકોના મોત થયા. શ્રીલંકાના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 48 કલાક પડકારજનક રહેશે, જેનાથી બચાવ ટીમો પર દબાણ વધુ વધશે.
તમારો અભિપ્રાય વ્યક્ત કરો