ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (16:01 IST)

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા કોંગ્રેસના 50 આગેવાનોને ખુલાસો કરવા કોંગ્રેસ પક્ષનો આદેશ

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો ભલે વધી હોય પરંતુ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરીને પક્ષને નુકસાન પહોંચાડનારા આગેવાનો અને સભ્યોની સામે કડક પગલા લઇ દાખલો બેસાડવાના આશયથી કોંગ્રેસે તેમને નોટીસો મોકલવાની શરૂ કરી છે. કોંગ્રેસના સત્તાવાર સૂત્રોથી મળતી માહિતી મજુબ વિવિધ જિલ્લાના ૫૦થી વધુ આગેવાનોને નોટિસ પાઠવવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ જાકીર ચૌહાણને તો સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોગ્રેસ પ્રમુખને દૂર કરવામાં આવ્યા છે.

તેમની ઉપર ટિકિટ માટે રૂપિયા લેવાના ગંભીર પ્રકારના આરોપો લાગ્યા હતા. તેથી તેમને તાત્કાલીક અસરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના સ્થાને બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કે સમિતિના ઉપપ્રમુખ તરીકે યાસીન બંગલાવાલાની નિમણૂંક કરાઈ છે. આ સિવાય ૫૦ આગેવાનોને પ્રદેશ પ્રમુખ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. તેમની વિરૂદ્ધ શા માટે પગલા નહીં લેવા તે અંગેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તમામ આગેવાનોને પાંચ દિવસની અંદર સમગ્ર મામલે સ્પષ્ટતા કરી દેવાની તાકીદ પણ કરવામાં આવી છે.  કોંગ્રેસના આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે, ‘વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કેટલાક આગેવાનો દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ પણ આવી હતી. જેમાં પક્ષ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલા ઉમેદવાર વિરૂદ્ધ કેટલાક સભ્યો અને આગેવાનોએ કાર્યવાહી કરીને તેમને ચૂંટણીમાં નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તે સિવાય પક્ષના મહત્ત્વના હોદ્દાઓ ધરાવતા હોવા છતાંય અનેક આગેવાનો સંપૂર્ણ પણે નિષ્ક્રિય રહ્યા હતા અને એ રીતે તેમણે પક્ષવિરોધી કાર્યવાહી કરી હતી. જ્યારે કે કેટલાકે તો હાઇ કમાન્ડના આદેશોની પણ પરવા કરી નહોતી અને તેનાથી વિપરીત વર્તણુંક અને કામગીરી કરી હતી.'