સુરતના યુવાનનું રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ, હૈદરાબાદના ત્રણ યુવાનો બચી ગયા
રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું 21 ફેબ્રુઆરીએ યુક્રેનમાં ડ્રોન હુમલામાં મૃત્યુ થયુ છે. યુક્રેનમાં વોરઝોનમાં કુલ ચાર ભારતીયો હતા. જેમાં ત્રણ હૈદરાબાદના અને એક સુરતનો હેમિલ હતો. ડ્રોન હુમલો થયો તેમાં હેમિલનું મૃત્યુ થયું અને હૈદરાબાદના ત્રણ યુવાનો બચી ગયા હતા. ત્યાર બાદ આ ત્રણેય યુવાનોએ હેમિલના મૃતદેહને ટ્રકમાં મૂક્યો હતો.
હેમિલ માંગુકિયાના પિતા અશ્વિનભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો દીકરો હેમિલ 15 ડિસેમ્બરે અહીંથી ગયો હતો. એજન્ટે અમને કહ્યું હતું કે તેને આર્મી હેલ્પર તરીકે જવાનું છે. ત્યાં બંદૂક ચલાવતા, બોમ્બ ફોડતા શિખવાડશે. આ બધી ટ્રેનિંગ એની પોતાની સુરક્ષા માટે હશે. હેમિલ જ્યાં હતો ત્યાં નેટવર્ક નહોતું. છેલ્લે હેમિલે પિતા સાથે 20 ફેબ્રુઆરીની રાત્રે જ વાત કરી હતી.
યુક્રેનથી ભાગીને આવેલા તાહિર નામના યુવકે પણ એક મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારી આગળ ગયેલા લોકોના ફોન ચાલુ થયા હતા. ત્યારે સુરતના હેમિલ માંગુકિયાએ મને કહ્યું, તું કાંઈ પણ કરીને આગળ ન આવતો આગળ ઘણી મુશ્કેલી છે. આગળ ઘણો ખતરો છે.આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે મંત્રાલયને હેમિલ માંગુકિયાના મૃત્યુની જાણ કરવામાં આવી નથી.
છેલ્લા એક વર્ષમાં લગભગ 100 ભારતીયોની રશિયન સૈન્ય દ્વારા ભરતી કરવામાં આવી હતી અને ઓછામાં ઓછા ત્રણ ભારતીયોને સુરક્ષા સહાયકો તરીકે રાખવામાં આવ્યા હતા. જેમને યુક્રેન સાથેના દેશની આર્મી સાથે લડવાની ફરજ પાડવામાં આવી હતી. 22 ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરી હતી. મંત્રાલયે એમ પણ કહ્યું કે તે વાકેફ છે કે થોડા ભારતીય નાગરિકોએ રશિયન સશસ્ત્ર દળોમાં નોકરીઓ માટે સાઇન અપ કર્યું છે. ઓછામાં ઓછા ત્રણ ભારતીયોને રશિયાના દળોની સાથે લડવા માટે કથિત રીતે ફરજ પાડવામાં આવી હતી. મીડિયા અહેવાલોનો જવાબ આપતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતીય દૂતાવાસે સંબંધિત રશિયન સત્તાવાળાઓ સાથે નિયમિતપણે આ મામલો તેમના વહેલા ડિસ્ચાર્જ માટે ઉઠાવ્યો છે.