શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (15:55 IST)

નોટબંધીને લીધે એમ્બ્રોઇડરીનો ધંધો પડી ભાંગતા હજારો લોકોની આજીવિકા છીનવાઇ

નોટબંધીને લીધે અમદાવાદ શહેરમાં એમ્બ્રોઇડરીનો ધંધો પણ ઠપ્પ થયો છે. ભરતકામ, ઝરીવર્ક,સ્ટોનવર્ક કરીને પેટિયુ રળી ખાતા હજારો પરિવારો આજે બેકાર બન્યાં છે. રોકડ વ્યવહારને લીધે એમ્બ્રોઇડરીના લઘુ ઉદ્યોગને જાણે એવો આર્થિક ફટકો પડયો છે કે, હજારો કારીગરોની આજીવિકા જ છિનવાઇ ગઇ છે. એટલું જ નહીં, એમ્બ્રોઇડરી મશીન ધરાવનારાં માલિકો પણ રોકડ વ્યવહારના અભાવે આર્થિક નુકશાન ભોગવી રહ્યાં છે.અમદાવાદમાં બાપુનગર,નિકોલ, ઇન્ડિયા કોલોની,રખિયાલ, ગોમતીપુર, ચાંદલોડિયા, વસ્ત્રાલ,વાડજ,કઠવાડા જીઆઇડીસી અને ઠક્કરબાપાનગરમાં ૪૦ હજારથી વધુ એમ્બ્રોઇડરીના મશીનો કાર્યરત છે જેમાં હજારો સ્થાનિક મહિલા અને અન્ય રાજયોના કારીગરો રોજગારી મેળવે છે.અમદાવાદ એમ્બ્રોઇડરી એસોસિએસનના અગ્રણીઓનું કહેવું છેકે, નોટબંધી બાદ એવી સ્થિતી સર્જાઇ છેકે, રોકડના અભાવે કારીગરો કામ કરવા તૈયાર નથી, વેપારીઓ માલ લેવા ઇચ્છુક નથી પરિણામે નિકાલ બંધ થઇ છે. એમ્બ્રોઇડરીનો વ્યવસાય મજૂરી કામ આધારિત છે. મશીનોના માલિકોને નવી નોટો મળતી નથી જેથી કારીગરોને કેવી રીતે પૈસા ચૂકવવા તે પ્રશ્ન સર્જાયો છે.કારીગરોના બેન્કોમાં ખાતા સુધ્ધાં નથી. બેકાર કારીગરો હિજરત કરીને વતન ઉપડયાં છે. આવી સ્થિતીમાં મંદીનો માહોલ સર્જાયો છે.એમ્બ્રોઇડરીના વ્યવસાયકારોનું કહેવું છેકે, જો આ પરિસ્થિતી રહી તો કેટલાંય પરિવારો એવા છેકે, જેમનુ ગુજરાન જ આ વ્યવસાય પર નિર્ભર છે તેમણે જીવન કેવી રીતે ગુજારાવુ તે સવાલ સર્જાશે. ખેડૂતોની જેમ એમ્બ્રોઇડરીના કારીગરો પણ આત્મહત્યા કરે તો નવાઇની વાત નહી હોય. અમદાવાદ એમ્બ્રોઇડરી એસોસિએશને બેન્કોમાં રોકડ રકમની વ્યવસ્થા કરવા અને ધંધા માટે અલાયદુ પેકેજ જાહેર કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે.