ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

બહુરૃપી, કઠપૂતળી, ભવાઈ, ડાયરો, નાટક જેવા કાર્યક્રમો લુપ્ત થવાના આરે

પશ્ચિમી દેશોની સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગ્રહણ લાગી ગયું

P.R

બહુરૃપી, કઠપૂતળી, ભવાઈ, ડાયરો, નાટક જેવા કાર્યક્રમો ભારતના ગામડામાં ખુબ પ્રચલિત હતા અને તેને ભારતીય સંસ્કૃતિ ગણવામાં આવે છે. જો કે આ ગ્રામ્ય સંસ્કૃતિને છેલ્લા ઘણાં સમયથી પશ્ચિમી દેશોની સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગ્રહણ લાગી ગયું છે અને ધીમે-ધીમે આ કળા લુપ્ત થવાના આરે છે. જો કે હજી પણ કેટલાક ગામડાઓમાં સમ ખાવા પુરતા ડાયરા જેવા કાર્યક્રમો યોજાય છે. જ્યારે કેટલાક બહુરૃપીનો વેશ ધારણ કરી ગામડામાં મનોરંજન પુરૃ પાડતા હોય છે. આ મામલે સરકાર દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જો કે તેમા કોઈ ખાસ સફળતા મળી હોવાનું જણાતું નથી.

કઠપૂતળીનો ખેલ આવવાનો છે.... એવુ સાંભળતા જ ગામડાની ગલીઓમાં રમતા નાના ભૂલકાંઓમાં અનેરો ઉત્સાહ આવી જાય છે. કઠપૂતળી, બહુરૃપી, ભવાઈ જેવા કાર્યક્રમો ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિનું ખુબ જુનું અને મનોરંજનનું માધ્યમ રહી ચુક્યું છે. કઠપૂતળીને પડદા પાછળથી દોરી વડે નચાવતો ખેલ જોવા માટે ગામની ભાગોળે ગામ આખુ ઉમટતુ હતું. જ્યારે ગામડામાં અલગ-અલગ રૃપ ધારણ કરી આવતા બહુરૃપીને જોવા માટે નાના બાળકો ટોળે વળતા હતા. હજી પણ કેટલાક ગામડામાં આવા બહુરૃપીના ખેલ કરતા અને ગામડાના લોકોને મનોરંજન પુરૃ પાડી પોતાનું પેટીયુ રળતા કલાકારો ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે.

આજના આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીના કારણે આવી અનેક પ્રાચીન સંસ્કૃતિના કાર્યક્રમોનું પતન થતુ જોવા મળી રહ્યું છે. આધુનિક યુગમાં મલ્ટીપ્લેક્સ થીયેટરો, સિનેમા હોલ, સોશ્યલ નેટવર્કીંગ સાઈટો અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મનોરંજનના માધ્યમોના કારણે ગ્રામ્ય સંસ્કૃતિમાં અભિન્ન અંગ એવા બહુરૃપી, કઠપૂતળીનો ખેલ લુપ્ત થવાના આરે આવીને ઉભો છે. લોકો ઈન્ટરનેટના વળગણથી એવા બંધાઈ ગયા છે કે તેઓને આવા પ્રાચીન મનોરંજન પુરૃ પાડતા કાર્યક્રમોમાં કોઈ જ રસ રહ્યો નથી. પહેલાના જમાનામાં મનોરંજનના સાધનો ઓછા પ્રમાણમાં હોવાથી બહુરૃપી, કઠપૂતળી જેવા કાર્યક્રમોનું ઘણું મહત્વ હતું. પરંતુ આધુનિક યુગમાં મનોરંજનના સાધનોનો વિકાસ વધતાં હાલ આ પ્રકારના ગ્રામ્ય સંસ્કૃતિના કાર્યકમો નામશેષ થઈ ગયા છે. સરકાર દ્વારા લુપ્ત થતી આવી ગ્રામ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવે તો કેટલેક અંશે આવી સંસ્કૃતિ જીવંત રહી શકે તેમ હોવાનું કલાપ્રેમીઓ માને છે.