રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : શનિવાર, 26 મે 2018 (12:27 IST)

Gujarati Story - સમય નથી...

ઘડિયાળને ટકોરે ચાલતી દુનિયા પાસે જાણે સમય જ નથી. સૂરજ પ્રગટેને લોકોમાં પ્રાણ રેડાય, જાણે અજાયબી શક્તિ લોકોને દોડાવી રહી હોય. સૂરજ આથમે તે સાથે જ ચાંદા મામા  પ્રગટે અને દોડતું જીવન થંભી જાય. બે કાળમાં જીવતી દુનિયા પાસે સમય નથી. દિવસના કલાકો દરેક પાસે સરખાં છે તેમ છતાં સમયને લઈને દરેક વ્યક્તિ પરેશાન છે. કોઈને સમય જતો નથી તો કોઈને સમય મળતો નથી.

સમયને લઈને લોકો પાસે બહાના પણ અનેક છે.જોકે અમુક લોકો એવા પણ હોય છે કે જેમની પાસે સમય ન હોય તેમ છતાં જે્મ તેમ કરીને કોઈ ઉપાય શોધી સમય ને બમણો વાપરવાની કોશિષ કરતા હોય છે. તો બીજી તરફ એવા પણ લોકો હોય છે જેમને સમયની કોઈ કદર જ હોતી નથી. જે લોકોને સમયને વાપરવાની કોશિષ જ ન કરે, ત્યારે સમય જ તેમને વાપરી નાંખે છે.

હવે તમને મૂળ વાત પર લઈ જવાની મારી ઈચ્છા છે. મોટાભાગના ઘરે એક ફરિયાદ દરેક પત્ની કરતી હશે. આ શબ્દો દરેક પતિના કાને રમતા હશે. આ સમસ્યા મોટાભાગની પત્નીઓ અનુભવતી હશે. મારા પતિ મને સમય આપતા નથી. મારાથી તમે દૂર રહેવાની કોશિષ કરો છો. તમે તો જમી કરીને તરત જ પથારીએ  પહોંચી જાવ છો. તમે તો ઘરને પણ ઓફિસ બનાવી લીધી છે. આ સિવાય પણ અનેક ફરિયાદો પત્નીની હશે. હવે તો જમાનો બદલાયો છે. મોટા ભાગે પતિ-પત્ની કામ કરતા હોય છે. એટલે બંને પક્ષ તરફથી આ પ્રકારની ફરિયાદો સામે આવે છે. કામનો ભાર લઈને ઘરે ફરેલા પતિ-પત્નીને પથારી જ આરામ આપે. તે સમજી શકાય. દરેકને શાંતિ પસંદ છે. કોઈ એમ તો ન કહે કે મારે હું અશાંતિનો આશીક છું. મને અશાંતિ જ ગમે છે.ઓફિસથી થાકેલો કે પછી દિવસ દરમ્યાન અલગ અલગ ઠેકાણે રખડેલો પતિ ઘરે આવે ત્યારે શાંતિ  શોધે તે સ્વાભાવિક છે. પણ તે શાંતિ કેવી રીતે ગોતે છે તે ઘણું અગત્યનું છે. કોઈ ટીવીમાંથી, કોઈ પુસ્તકમાંથી, કોઈ બાળક સાથે રમીને, કોઈ પ્રેમઘેલી વાતો કરીને, કોઈ નશામાંથી...
 

જ્યારે લગ્ન તાજા હોય ત્યારે ઘરનું, બેડરૂમનું, વાતાવરણ જ કઈક અલગ રહેતુ હોય છે. ઘરનાં ખુણા પણ મજા આપતા હોય છે. ટીવીથી વધારે  વાઈફને કામ કરતા જોવાની મજા આવે છે. પણ જેમ જેમ લગ્ન જીવન સમય સાથે આગળ ધપે, ખબર નહીં કેમ જવાબદારીઓના ટોપલા નીચે પ્રેમ દબાય જાય છે. જાણે જીવન એક રૂટીન બની જાય છે. દાળ,ભાત,શાક અને રોટલી.
દરેક ઘરની આ રામાયણ છે તેમ ન સમજશો. પણ જો સમયને વાપરતા નહીં શીખો તો આવી રામાયણ થશે. જે સમયને ડબલ વાપરે છે તે પરિવાર સુખી છે. સમયને ડબલ વાપરવાની મારી વ્યાખ્યા મુજબ, ઓફિસનું કામ ઓફિસ અને ઘરનું કામ ઘરે. જે વ્યક્તિ જે ઉત્સાહ સાથે ઓફિસનું કામ કરી શકે  છે. તેણે એટલા ઉત્સાહ સાથે ઘર માટે પણ સમય વાપરવો જોઈએ. લોકો ઓફિસથી શરીર લઈને ઘરે આવી જાય છે, પણ તેમના વિચારો કામકાજમાં રહેતા હોય છે. તે ઘરમાં તો હોય છે પણ ઘરના સભ્યો સાથે હોતા નથી. હવે તો માણસ ત્રીજી  દુનિયામાં પણ રહેતો થઈ ગયો છે. હવે માત્ર ટીવી જ મનોરંજન આપે છે તેમ નથી. હવે ત્રીજી દુનિયા એટલે કે ઈન્ટરનેટની માયાજાળ દરેક વ્યક્તિનાં ખિસ્સામાં જીવે છે. હવે માણસ  માત્ર ઓફિસ કે ઘરમાં જ વ્યસ્ત રહે તેમ નથી, હવે તે ઈચ્છે ત્યારે વ્યસ્ત થઈ જાય. કામ ન હોય તો પણ સમય પસાર કરી શકે. જે વખતે ટીવી ન હતાં, માત્ર રેડિયો હતો.  ત્યાર બાદ ટીવીનો પ્રવેશ થયો..તે પણ ધીરે ધીરે, તે વખતે દરેકના ઘરમાં ટીવી ન હતા.  ઓટલે, ફળિયે, ચકલ ટામઈપાસ થતો,ઘરનાં સભ્યો સાથે બેસીને થતો, પુસ્તક વાંચીને થતો, ભજનમાં થતો, પણ હવે ત્રીજી દુનિયાએ ટાઈમ પાસ અને  મિત્ર વર્તુળની વ્યાખ્યા બદલી નાંખી છે.

અત્યારે ત્રીજી દુનિયાએ દરેકનાં ઘરમાં પગપેસારો કરી દીધો છે. જે ત્રીજી દુનિયાથી વંચિત છે. તે પણ માયાજાળની મજા લેવા આતુર છે. ભારતમાં સેલફોનનો પ્રવેશ થયો. તે અંબાણી પરિવારને આભારી છે. દરેકના હાથમાં મોટાભાગે રિલાયન્સ હતો. ધીમે ધીમે લોકોને ફોન ફાવી ગયો. નોકીયાનો જમાનો આવ્યો અને ત્યાર બાદ અનેક કંપનીઓ આવી. ટચ સ્ક્રીન ફોન આવ્યો. ઈન્ટરનેટ આવ્યું. અને પછી ધડાધડ સોશ્યલ વેબસાઈટ આવી ગઈ અને ત્યાર બાર રિયલ ટાઈમ મેસેજિંગ જેવા પ્લેટફોર્મ દરેકના હાથે પહોંચી ગયા. હવે રૂબરૂમાં મળવું અને ફોન પર ચેટ કરી લેવું એકસરખી વાત બની ગઈ છે. દરેક પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. જોકે ઈન્ટરનેટે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા પરિવર્તનો લાવી દીધાં છે. તે સાથે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સે લોકોમાં પ્રેમનો દિવો પ્રગટાવી દીધો છે. અજાણ્યાં પણ લોકો કેમ છે, કેમ છે કરતા થઈ ગયા છે. ભલે પોતાના પરિવારજનોની ચિંતા ન કરે પણ સોશ્યલ વેબસાઈટ પર આખા ગામને હેલો કરનારા અનેક લોકો મળી આવશે. ત્રીજી દુનિયાનો આ ખુણો કેટલો ભયાનક પરિણામ લાવી શકે. તેના અમુક રિયલ કિસ્સા આ પુસ્તકમાં વાંચવા મળશે.
 

મારે તો એટલું જ જાણવું છેકે સમય નથી તેમ કહેનારા પાસે ખરેખર સમય નથી કે પછી બહાનાબાજી છે. આ સમય જો તમારા પરિવાર પાસેથી છિનવી તમે ત્રીજી દુનિયાને ભેટ સ્વરૂપે આપી રહ્યાં છો તમે મોટી ભુલ કરી રહ્યાં છો. બે સાથે બેઠેલા પ્રેમ પંખીડા પોતપોતાનાં મોબાઈલ સાથે વ્યસ્ત હોય તેવા પણ દ્રશ્યો તમે જોયા હશે. એક જ ઘરમાં પરિવારનાં દરેક સભ્યો રાતે જમી કરીને પોતપોતાનાં મોબાઈલમાં વ્યસ્ત હોય તેવા ફેમીલી દ્રશ્યો તમે જોયા હશે. મા-બાપ ટીવી જોઈ રહ્યાં હોય અને દિકરો કે દિકરી મોબાઈલમાં વ્યસ્ત હોય તે પણ દ્રશ્યો તમે જોયા હશે. યુવાન છોકરા છોકરીને તો જવા દો હવે પરિસ્થિત ત્યાં સુધી બગડી ગઈ છે કે  કિચનમાં મા રસોઈ બનાવામાં વ્યસ્ત હોય પણ મન મોબાઈલ ચેટીંગમાં પરોવાયેલું  હોય તેમ પણ બને. કામનું બહાનું કાઢીને મોબાઈલ પર રંગીન ચેટીંગ કરતા પપ્પા પણ પકડાઈ જાય જો પપ્પાની કિસ્મત ખરાબ હોય તો.

પોતાનો અંગત સમય કાઢીને સોશ્યલ મીડિયાને ભેટ સ્વરૂપે ન આપશો. નહીં તો રિયલ સંબંધોમાંથી મીઠાશ જતી રહેશે. સંબંધને ટકાવી રાખવા માટે  પણ સમયની જરૂર છે. નહીં તો ત્રીજી દુનિયાનાં દરવાજા ખુલ્લા છે. જ્યાં અનેક લોકો તમારી સાથે સમય વિતાવા તૈયાર છે. જ્યાં દરેકનું સ્વાગત છે. તે નહીં પુછે કે તમે કોણ છો. તમે કોના શું થાવ છો. તે નહીં કહે કે શું સારું કે ખોટું. બસ તમારી ભુખ પર નિર્ભર છે કે તમે શું કરવા ઈચ્છી રહ્યાં છો. લોકો તો કહે છે લોકો સાથે સંપર્ક ઈઝી થઈ ગયો છે. આ સોશ્યલ વેબસાઈટ્સ ને કારણે સંપર્ક કરવો ઘણો સરળ થઈ ગયો છે. મિત્રોને, સ્વજનોને તુરંત સંપર્ક કરી શકાય છે. પણ શું ખરેખર માણસની ભુખ આટલામાં સંતોષ માની લે તેમ લાગે છે. 




આભાર સહ,
રાકેશ પંચાલ ( વિસામો )