શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2017 (15:26 IST)

મોદીની સભામાં રૂપિયા આપીને લોકોને બોલાવવામાં આવે છે - મોરબીમાં હાર્દિક

પાટીદાર આંદોલનના નેતા હાર્દિકે પણ આજે પીએમના સભા સ્થળથી 30 કિલોમીટર દૂર મોરબીમાં જ એક સભા સંબોધી હતી. ભાજપના વિકાસના દાવાને ખોટા ગણાવતા હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાતમાં પાણીની કેનાલો તો બની છે, પરંતુ માત્ર બે ઉદ્યોગપતિઓ માટે જ. ભાજપ પર સીધો આરોપ મૂકતા હાર્દિકે કહ્યું હતું કે, તેઓ પોતાનું ઘમંડ બતાવી રહ્યા છે, અને માટે જ તેને પોતાના ટોચના નેતાની સભા માટે પણ ભીડને મેનેજ કરવી પડે છે.નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા હાર્દિકે કહ્યું હતું કે, આજે સાહેબ મોરબીમાં સભા કરી રહ્યા છે, પરંતુ તેમની સભામાં સિરામિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા મજૂરોને 50 રુપિયા આપીને બોલાવવામાં આવ્યા છે.હાર્દિકે મોરબીમાં જીએસટીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, અમે મોરબીના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી તે પછી સરકારને જીએસટીના દરમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. તેણે ગુજરાતમાંથી તાજેતરમાં પકડાયેલા કથિત આતંકવાદીઓની ધરપકડના ટાઈમિંગ પર પણ સવાલ ઉઠાવ્યો હતો.ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી કોઈએ કર્ફ્યુ નથી જોયો તેવા ભાજપના દાવાની મજાક ઉડાવતા તેણે કહ્યું હતું કે, કારણકે રસ્તા પર મરેલી ગાયો અને ભૂંડ ફેંકી રાજ્યમાં તોફાનો કરાવનારા હવે સત્તામાં આવી ગયા છે. હાર્દિકે કહ્યું હતું કે, તે માત્ર પાટીદારો માટે નહીં પરંતુ અનામતનો લાભ ન મેળવી શકતી તમામ જ્ઞાતિઓ માટે અનામત ઈચ્છે છે.મોરબી જિલ્લાના ખાખરેચી ગામે સભા સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે, સરદાર સાહેબે ખેડૂતો માટે ઘણું કર્યું પણ આ ભાજપ સરકારના રાજમાં ખેડૂતોની જમીન માપણીમાં ચેડા કર્યા છે. આજે મોરબીમાં એક સાહેબની સભા હતી. જેમાં 12 હજાર લોકો આવ્યા, પણ મતદારો નહિ મજદૂરો લાવવામાં આવ્યા હતા.