શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (10:48 IST)

પ્રથમ દિવસે ધો-૧૦ અને ૧રમાં 35થી 40 ટકા અને કોલેજમાં ૪૦ થી પ૦ ટકા જેટલા વિદ્યાર્થીઓએ આપી હાજરી

રાજ્ય સરકારે તારીખ 11 જાન્યુઆરી 2021થી રાજ્યમાં આવેલા તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં ધો.10 અને ધો.12ના વર્ગોમાં પૂન: પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણયને પ્રથમ દિવસે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
 
આ સાથે રાજ્યમાં કોલેજ કક્ષાએ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના અભ્યાસ વર્ગો પણ શરૂ થયા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, દસ માસના લાંબા સમયગાળા બાદ આજથી રાજ્યની તમામ શાળાઓમાં ધો.10 અને ધો.12નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આ શિક્ષણ કાર્યમાં પ્રથમ દિવસે જ 35 ટકા થી 40 ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ રીતે વર્ગખંડોમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
 
મંત્રીઓએ આ વ્યવસ્થા અંગે સંતોષ વ્યકત કર્યો છે અને અધિકારીઓને આ મુજબની વ્યવસ્થા કાયમી ધોરણે ચાલુ રહે તેવી સુચના આપી છે. તેમણે વાલીઓનો આભાર વ્યકત કર્યો અને બાકીના વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે અનુરોધ પણ કર્યો છે. મંત્રીઓએ એવો વિશ્વાસ વ્યકત કર્યો છે કે આવનારા દિવસોમાં આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે.
 
ઉલ્લેખનીય છે કે, દસ માસના લાંબા સમયગાળા બાદ શરૂ થયેલા પૂન: શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓએ વિવિધ મથકોએ વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા.