લોકસભાની ચૂંટણી 2019- ભાજપ અને કોંગ્રેસના થઈને 3 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચમાં 17 લાખ રૂપિયા ઓછા દર્શાવ્યા
લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે માત્ર ગણતરીના કલાકો બચ્યાં છે ત્યારે અમદાવાદ શહેરની પૂર્વ બેઠકના ભાજપ-કોંગ્રેસના તેમજ બે અપક્ષ ઉમેદવારોએ 19મી એપ્રિલ સુધી રજૂ કરેલો ખર્ચ જિલ્લા ચૂંટણી પંચે અંદાજેલા ખર્ચ કરતા ઓછા હોવાથી બંનેને નોટિસ અપાઈ છે. પૂર્વમાં કુલ 26 ઉમેદવારોમાંથી ખર્ચ રજૂ નહીં કરનાર ત્રણ અપક્ષોને પણ નોટિસ આપી છે. પશ્ચિમ બેઠકમાં ભાજપના ઉમેદવારે 22 લાખના અંદાજીત ખર્ચ સામે 17 લાખનો જ ખર્ચ દર્શાવતા તેમને પણ નોટિસ આપી છે.
શહેરની પૂર્વ બેઠક પર જિલ્લા ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલનો 26,44,437 ખર્ચ અંદાજ્યો હતો. જેની સામે ઉમેદવારે 18 લાખ ખર્ચ રજૂ કર્યો હતો. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના 32,58,929 અંદાજીત ખર્ચ સામે તેમણે 28 લાખ ખર્ચ દર્શાવ્યો હતો. પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીએ 22,20,480 ખર્ચના અંદાજ સામે 17,36,638 ખર્ચ રજૂ કરતા નોટિસ અપાઈ છે. કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે 9,61,003 અંદાજેલા ખર્ચની સામે 13,75,451 ખર્ચ રજૂ કર્યો છે. કુલ 13 માંથી ભાજપના ઉમેદવારને નોટિસ અપાઇ છે.