રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By હરેશ સુથાર|

ગુજરાતનો ઉગતો કંઠ : કવિતા દાસ

P.R
(પુરક માહિતી : અમૃત દેસાઇ દ્વારા) મોરના ઇંડા ચીતરવા ન પડે એ કહેવત કંઇ અમસ્થી નથી પડી. સમાજમાં આવા ઉદાહરણ આપણને અચુક જોવા મળે જ છે. આજે આપણે આવા જ એક કોકિલ કંઠની વાત કરવી છે.

પાટણ તાલુકાના નાનકડા એવા રણુંજ ગામના ધનજીભાઇ દાસની પુત્રી કવિતા દાસનું નામ આજે ગુજરાતી સંગીતમાં ગૂંજી રહ્યું છે. દાદીમા અને પિતા તરફથી મળેલા સંગીત વારસાને પોતાની સાધના બનાવી કવિતાએ સંગીત ક્ષેત્રે કાઠું કાઢ્યું છે.

માત્ર 11 વર્ષની ઉંમરે સંગીત આલ્બમમાં પોતાનો સુર આપ્યા બાદ તેણીએ પાછું વળીને જોયું નથી. એક પછી એક સફળતાની જાણે કે વણઝાર લાગી છે. આજે 20 વર્ષની ઉંમરે તેણીએ 50 જેટલી ગુજરાતી ફિલ્મો તથા 500 જેટલા સંગીત આલ્બમમાં પોતાનું સુરીલો સુર આપ્યો છે.

ગણપતિ આયો બાપા....રિધ્ધિ સિધ્ધિ લાયો રે....કે પછી મારા મનડાના મીત મેંતો બાંધી છે પ્રિત...આલ્બમે તો સફળતાની હદ વટાવી હતી. સંગીતની વ્યસ્તતા વચ્ચે પણ પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરનાર કવિતા દાસ બાળકોને શિક્ષણના પાઠ શીખવી ઉમદા નાગરિક બનાવવાની ખેવના ધરાવે છે.
કવિતા દાસ સાથેની મુલાકાતના કેટલાક અંશ.....
@ સંગીત માટે કોઇ તાલિમ લીધી છે ?
# સંગીતની મેં કોઇ તાલિમ લીધી નથી, પરંતુ એનાથી પણ મહત્વની વાત એ છે કે મને સંગીત દાદીમા તથા પિતા તરફથી વારસામાં મળ્યું છે. મારા દાદીમા કે જે ગામમાં મરણ પ્રસંગે મરશિયા ગાવા જતા હતા અને મારા પિતા કે જે સાહિત્ય અને સંગીત પ્રત્યે ઉંડો રસ ધરાવે છે. મારી બે બહેનો ક્રિષ્ના અને ડાયેના પણ સંગીતમાં ઉંડો રસ ધરાવે છે. ક્રિષ્ના તો યુવક મહોત્સવમાં વોઇસ ઓફ ગુજરાત પણ બની હતી. અમને સાચે જ સંગીત ગળથૂથીમાં મળ્યું છે.

@ આલ્બમમાં પ્રથમવાર ક્યારે સુર આપ્યો હતો ?
# હું જ્યારે 5મા ધોરણમાં ભણતી હતી ત્યારે સિપોર ગામે વાહજીભા દાદાના મંદિરની પ્રતિષ્ઠા વખતે તૈયાર કરાયેલ એક કેસેટમાં પ્રથમવાર અવાજ આપ્યો હતો. ત્યાર બાદ વિસનગરના આરોહી સ્ટુડિયો દ્વારા બહાર પડાયેલા આલ્બમમાં સુર આપ્યો હતો.

@ અત્યાર સુધીમાં કેટલા આલ્બમમાં કામ કર્યું છે ?
# અત્યાર સુધીમાં મેં 50 જેટલી ગુજરાતી ફિલ્મો તથા 500થી પણ વધુ ગુજરાતી, રાજસ્થાની આલ્બમમાં અવાજ આપ્યો છે. જેમાં ગણપતિ આયો રે બાપા રિધ્ધિ સિધ્ધિ લાયો રે...ગીત ઘણું જ લોકપ્રિય બન્યું હતું. આમાં ખુશીની વાત તો એ છે કે આ ગીત મારા પિતાએ જ લખ્યું છે. મારા પિતા દ્વારા લખાયેલા અનેક ગીતો માટે મેં અવાજ આપ્યો છે.

@ શુ તમે માનો છો કે ગુજરાતી ફિલ્મ સંગીત લોકોને આકર્ષવામાં ઉણું ઉતરી રહ્યું છે ?
# આજના સંજોગો જોતાં આ હકીકત છે કે ગુજરાતી ફિલ્મ સંગીત લોકોને આકર્ષવામાં પાછળ રહ્યું છે. યોગ્ય કથાવાર્તાનો અભાવ તેમજ માતૃભાષા તરફથી અળગું થઇ રહેલું આપણું માનસ આમાં મહત્વનું પરિબળ છે.

@ આ માટે શુ પ્રયાસો કરી શકાય ?
# ગંભીર કહી શકાય એવો આ સવાલ છે. આ માટે કોઇ એકનું કામ નથી. આ ક્ષેત્રે સાથે સંકળાયેલા તમામ કલાકારો તથા અન્ય વ્યક્તિઓએ સમાજને માટે યોગ્ય તથા સમાજને પ્રિય કલા રજુ કરવા મથામણ કરવી જોઇએ. સાથોસાથ લોકોએ પણ પોતાની નૈતિકતા દેખાડવી જોઇએ.

@ સંગીતમાં આપના આદર્શ કોણ છે ?
# મારા પિતાની મારી ઉપર ઘણી ઉંડી છાપ છે. એમના દ્વારા જ ગળથૂથીમાંથી મને સંગીતના પાઠ શીખવા મળ્યા છે. જોકે લતાજી અને અલકા યાજ્ઞિક મારા આદર્શ રહ્યા છે.