જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ - હજારોની સંખ્યામાં યોજનાના વિરોધમાં વિદ્યાર્થીઓ એકઠા થયા
કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા હતા, જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
એસપી સહિતનો પોલીસસ્ટાફ ઘટનાસ્થળે
અગ્નિપથ યોજનાના વિરોધમાં એસપી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, જેને લઈ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસસ્ટાફ દોડી ગયો હતો અને સમગ્ર સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતાં પોલીસે સમજાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે તેમજ પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મગાવ્યા હોવાનું સામે આવ્યું છે.વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું
અગ્નિપથના વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેથી પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તેમજ કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે.