ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2008 (11:52 IST)

હેરોઈન સાથે નાઈઝીરિયાનો નાગરિક ઝડપાયો

નવી દિલ્હી (વાર્તા) પૂર્વી દિલ્હીમાં ગેરકાયદે વસવાટ કરી રહેલા નાઈઝીરિયાના યુવાનને પોલીસે બસ્સો ગ્રામ હેરોઈન સાથે ઝડ્યો હતો. ફોટોફ્રેમમાં હેરોઈનનો જથ્થો છુપાવીને તેને કેનેડા મોકલવા માટે કુરિયર કંપનીની કચેરીમાં પહોંચેલા આ વિદેશી યુવાનની શંકાસ્પદ હિલચાલ જોઈને સંચાલકોએ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે આ વિદેશી યુવાનની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, પૂર્વી દિલ્હીના ન્યુ રાજધાની એન્કલેવની બ્લુડાર્ટ કુરિયર કંપનીમાં એક નાઈઝીરિયાનો યુવાન ફોટોફ્રેમ લઈને પહોંચ્યો હતો. વજનદાર ફોટોફ્રેમને કેનેડા મોલવી છે તેવુ તેણે સંચાલકોને જણાવ્યુ હતુ. આ ફ્રેમને કેનેડા મોકલવા માટે રૂપિયા સાડાચાર હજાર જેટલી કિંમત થાય તેવુ સંચાલકે તેને જણાવ્યુ હતુ. તેણે તુરત જ પોતાના ખીસામાંથી નોટોનુ બંડલ કાઢી રૂપિયા ચુકવી દીધા હતા.

નજીવી કિંમતની ફોટોફ્રેમને કેનેડા મોકલવા માટે મસમોટી રકમ ચુકવી દેનાર આ વિદેશી યુવાનની હિલચાલ શંકાસ્પદ જણાતા સંચાલકે તેની પુછતાછ શરૂ કરી હતી. પરંતુ તેણે કુરિયર કંપનીના સંચાલક સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ ક્ષણોમાં સ્થીતી વણસે તેવુ જણાતા તે ભાગવાની કોશીષ કરતો હતો. જે જોઈને ચોંકી ઉઠેલા કંપનીના કર્મચારીઓ એકત્રીત થઈ ગયા અને તેઓએ તેને આબાદ ઝડપી પાડી પોલીસને આ બાબતની જાણ કરી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નાઈઝીરિયાના યુવકની તલાશી લીધી હતી. ઉપરાંત ફોટોફ્રેમની પણ તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને ફોટોફ્રેમમાંથી બસ્સો ગ્રામ હેરોઈન મળી આવ્યુ હતુ. દિલ્હીના પ્રીત વિહાર પોલીસે નાઈઝીરિયાના યુવાન કિંગ્સલે ડુરુ વિરુદ્ધ એનડીપીએસ અંર્તગત ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઉલ્લખેનીય છે કે, તેની પાસે પાસપોર્ટ નથી અને તે પાછલા કેટલાક સમયથી પટપરગંજ વિસ્તારમાં ભાડાનુ મકાન રાખીને રહેતો હતો.