બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2017 (13:12 IST)

આવતી કાલે તારક મહેતાના બેસણામાં તેમના ચાહકો રંગબેરંગી કપડાંમાં હાસ્યાંજલિ પાઠવશે

દરેક ઘરને સગ્ગા પાડોશી જેવા જ લાગે તેવા પાત્રો સર્જનારા ગુજરાતી હાસ્ય સાહિત્યના ધ્રુવતારક સમાન તારક મહેતા 1 માર્ચે સ્વર્ગમાં ‘હાસ્યસ્થ’ થયા અને પોતાની પાછળ કરોડો ચાહકોને ભીની આંખે હસતાં છોડી ગયા. લોકોને આજીવન હસાવ્યા ને મૃત્યુ બાદ પણ દુનિયાને ખુશ કરી જવાની ભાવના એવી કે દેહનું પણ દાન કરતા ગયા. તેમની વિદાય બાદ એક વિચારકે ખરુ જ કહ્યું હતું કે તેમના માટે ‘તેઓ ગુજરી ગયા’ ન કહેવાય,
‘જીવી ગયા’ કહેવાય.

આ રીતે જીવી ગયેલા તારક મહેતાનુ બેસણુ પણ તેમના જેવા હાસ્યલેખકના મિજાજને છાજે તે રીતે રંગીન કપડાંમાં યોજાશે. 5 માર્ચને રવિવારે સવારે 9.30થી 11.30 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાનારી તારક મહેતાની હાસ્યાંજલિ સભામાં આવનારા પરિવારજનો તેમજ ચાહકોને તારક મહેતાના પત્ની ઈન્દુબેન મહેતા, પુત્રી ઈશાનીબેન શાહ તથા જમાઈ ચંદુભાઈ શાહ સહિતના પરિવારજનોએ અનુરોધ કર્યો છે કે, ‘તારકભાઈના મિજાજને અનુલક્ષીને સફેદ વસ્ત્રો પહેરવા અનિવાર્ય નથી.’ તારક મહેતાએ એક વાર કહેલુ કે, તેમની અંતિમ યાત્રા એવી હોવી જોઈએ જેને જોઈને પણ લોકોમાં માત્ર હાસ્ય જ નિપજે. તારક મહેતાના સન્માનમાં યંગસ્ટર્સે સોશિયલ મીડિયા પર ‘ઊંધા ચશ્મા’ પહેરેલી તસવીરો મુકવાનો ટ્રેન્ડ કરેલો અને હવે તેમનુ બેસણુ રંગીન કપડાંમાં યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ બધુ જોઈને તારક દાદા સ્વર્ગમાં બેઠા બેઠા પણ પોતાના આગવા અંદાજમાં મંદ મંદ હાસ્ય વેરી રહ્યાં હશે.