શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : બુધવાર, 5 જૂન 2024 (14:05 IST)

ગુજરાતમાં કેવી રીતે રોકાઈ ભાજપની હેટ્રીક, કેમ બનાસની બેન બન્યાં કોંગ્રેસના ગેનીબેન

geniben thakore
geniben thakore

geniben thakore



ગુજરાતમાં આ વખતે અણધાર્યું પરિણામ આવ્યું છે. રાજ્યમાં ભાજપે ચૂંટણી પહેલા શરૂ કરેલા જબરદસ્ત પ્રચાર વખતે એવું લાગતું હતું કે, આ વખતે ભાજપને હેટ્રિક મળશે અને ભારે લીડથી દરેક ઉમેદવાર જીતી જશે. પરંતુ બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન જીતી જતાં ભાજપની હેટ્રિકનું સપનું ધોવાઈ ગયું છે.

શરૂઆતથી જ કોંગ્રેસ તૂટી ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યાર બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપને એવો કોન્ફિડેન્ટ હતો કે આસાનીથી આ વખતે લોકસભાની નૈયા પાર થઈ જશે પણ આ કોન્ફિડેન્ટ ઓવરકોન્ફિડેન્ટમાં ફેરવાઈ ગયો હતો. બીજી તરફ કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં હતાં અને તેમને પદનો તાજ મળ્યો હતો. ત્યારે ભાજપના કાર્યકરોમાં પણ અસંતોષ ફેલાયો હતો. આટલેથી નહીં અટકતાં ભાજપના નેતાઓ સામે લોકોની નારાજગી અને ક્ષત્રિય આંદોલનના મંડાણને કારણે મતદાન ઓછું થયું અને ભાજપને લીડની ચિંતા સતાવા લાગી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કશું ખોવાનું હતું જ નહીં. એક સીટ પણ મળે તો મોટો તાજ તેમના માથે હતો. પરિણામમાં ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ઓછું અસર કરી ગયું પણ કોંગ્રેસ થોડીક મજબૂત થઈ કારણ કે આ ચૂંટણીમાં વોટશેર વધ્યો.
geniben thakore
geniben thakore

બનાસકાંઠામાં ગેનીબેન સ્થાનિક ઉમેદવાર હતાં અને રેખાબેનને માત્ર બનાસડેરીના કારણે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. આ બેઠક પર સ્થાનિક લેવલે ભાજપના નેતાઓનો જૂથવાદ અને બનાસડેરીનું રાજકારણ સૌથી મોટો ખેલ કરી શકે એમ હતું. જેમાં ગેનીબેન સરળતાથી ચાલી જાય એમ હતાં. તે છતાંય રેખાબેન ચૌધરીને વડાપ્રધાન મોદીના નામે મત મળ્યા હોવાનું લોકો કહી રહ્યાં છે. ગેનીબેન એકલા હાથે જીત્યા અને કોંગ્રેસને ફરીવાર જીવંત કરી. સાથે જ 62 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે જયારે બનાસકાંઠા બેઠક પરથી મહિલા સાંસદ ચૂંટાયાં હોય. છેલ્લે 1962માં બનાસકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા વિજેતા બન્યા હતા

હવે જાણીએ ભાજપની પાંચ લાખની લીડ ક્યાં સફળ રહી અને ક્યાં ગાબડું પડ્યું.

ગુજરાતમાં ભાજપે રાખેલા 5 લાખની લીડના ટાર્ગેટને પહોંચી વળવામાં આ વખતે આંખે પાણી આવ્યું છે. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા ભલે ભારે માર્જિનથી જીત્યા હોય પણ તેમના નિવેદનને કારણે ક્ષત્રિયો નારાજ થયા હતાં અને તેમણે ભાજપ તરફી મતદાન કરવાનું ટાળ્યું હતું. તે ઉપરાંત ક્યાંક કાર્યકરોમાં પણ નારાજગીનો સુર ઉઠ્યો હોવાથી ભાજપની લીડ ઓછી થઈ હોવાનું રાજકિય નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપના કેટલા ઉમેદવારોને પાંચ લાખની લીડ મળી છે તે જોઈએ.

આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ 7.68 લાખની લીડથી જીત્યાં છે. બીજી તરફ નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 7.44 લાખની લીડથી જીત્યાં છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ પાંચ લાખની લીડથી જીતી ગયાં છે. તે સિવાય વડોદરા બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ ઉભો થયો હતો અને રંજનબેને ચૂંટણી લડવાનો ઈનકાર કરતાં ડો, હેમાંગ જોશીને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. હેમાંગ જોશીને 8.73 લાખ મત મળ્યાં છે અને તેઓ 5.82 લાખની લીડથી જીત્યાં છે. આ સિવાય ભાવનગરથી નિમુબેન બાંભણિયા ચાર લાખ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા 4.80 લાખ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 4.61 લાખ મતની લીડથી જીત્યાં છે.રાજ્યમાં ભાજપમાંથી ચાર લાખથી ઓછી લીડથી જીતનારા ઉમેદવારોની વાત કરીએ તો, અમરેલીથી ભરત સુતારિયા 3.21 લાખ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ 3.57 લાખ, દાહોદથી જસવંત ભાભોર 3.33 લાખ, છોટા ઉદેપુરથી જશવંતસિંહ રાઠવા 3.97 લાખ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 3.80 લાખ મતોથી ચૂંટણી જીત્યાં છે. આ સિવાય પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 29 હજાર, આણંદથી મિતેષ પટેલ 89 હજાર અને ભરૂચથી મનસુખ વસાવા 85 હજાર મતથી ચૂંટણી જીત્યાં છે.