ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2019 (12:09 IST)

ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીનો રોડ શો યોજાયો, પણ કાફલો દલિત વોર્ડમાં ના ગયો

અમદાવાદ પશ્ચિમ વિસ્તારની બેઠક પરથી સાંસદ કિરીટ સોલંકીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું જેમાં તેઓએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રોડ શો કર્યો હતો. આ રોડ શો પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો તેમજ ડોક્ટર સોલંકીએ પોતાના હાથ ઉંચા કરીને સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમદાવાદ પશ્ચિમની બેઠક પર વિધાનસભાની કુલ સાત બેઠકો આવે છે જેમાંથી બે બેઠકો અસારવા અને દાણીલીમડા સિડ્યૂલ કાસ્ટ માટે અનામત છે.
દલિત બહુમતીવાળા વિસ્તારના આવા ક્ષેત્રમાં ડોક્ટર સોલંકીએ જવાનું ટાળ્યું હતું. રોડ-શોમાં તેમનો કાફલો દલિત બહુમતી વધારે છે તેવા વિસ્તારોને બાદ કરતા બીજે બધે ફર્યો હતો, તેમજ ગોમતીપુર રાજપુર અસારવા દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી પસાર થવાનું સોલંકીએ ટાળ્યું હતું. અસારવાને અડીને આવેલા સાહીબાગ થઈને તેવો બારોબાર નીકળી ગયા હતા.  ડોક્ટર સોલંકી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને જીત સો ટકા નિશ્ચિત મનાઈ રહી છે આવી સ્થિતિમાં પણ સોલંકી શા માટે દલિત વિસ્તારોમાં જતા ડરે છે તે પ્રશ્ન સૌ કોઈને થઈ રહ્યો છે. 
આ અંગે ભાજપના જ આગેવાનો જણાવે છે કે ડોક્ટર સોલંકીની સામે દલિત વિસ્તારના મતદારોમાં અને ભાજપના કાર્યકરો તથા આગેવાનો માં ભારોભાર રોષ જોવા મળે છે સોલંકીને કોઈ પસંદ કરતું નથી તેમને ટિકિટ ન મળે તે માટે ખુદ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી આમ છતાં તેમને ટિકિટ આપી દેવાઇ છે તેથી ભાજપના કાર્યકરો ખૂબ નિરાશ થઈ ગયા છે. બીજી બાજુ કિરીટ સોલંકીને એવો ડર છે કે જો તેઓ દલિત વિસ્તારમાંથી પોતાનો રોડશો યોજે અને જો તેમનો મોટો વિરોધ થાય તો ભારે નાલેશી વેઠવી પડે માટે તેઓએ દલિત બહુમતીવાળા વિસ્તારોમાંથી રોડ શો કરવાનું ટાળ્યું હતું.