તથ્યકાંડ બાદ પોલીસ જાગી, રાજ્યમાં 2 દિવસમાં ઓવરસ્પીડના ધડાધડ કેસ નોંધાયા, સુરત સૌથી ટોપ પર
અમદાવાદના અકસ્માત બાદ જાગેલી પોલીસે રાજ્યમાં ટ્રાફિક ભંગના 1869 કેસ નોંધ્યા
અમદાવાદમાં બે દિવસમાં 192 અને સુરતમાં સૌથી વધુ 763 કેસ નોંધ્યા
Traffic violations case - શહેરમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોને તથ્ય નામનો કાળ ભરખી ગયા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. ઘોડા છુટ્યા બાદ તબેલે તાળા મારવા નીકળેલી પોલીસ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે કાયદાકીય શસ્ત્ર ઉગામી એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે.શહેરના રોડ તથા હાઈવે પર સ્ટંટબાજી કરી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટંટબાજો તેમજ ઓવર સ્પીડે વાહન હંકારતા લોકો તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા દરેક જિલ્લાના અધિકારીઓને DGPએ આદેશ આપ્યો છે.
સુરત શહેરમાં ઓવર સ્પીડના 710 કેસ નોંધ્યા
DGPના આદેશ બાદ રાજ્યમાં 22 જુલાઈથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાવામાં આવી છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં ટ્રાફિકના નિયમોના ભંગ હેઠળ 1869 કેસ નોંધાયા છે. જેમાં ઓવર સ્પીડ એન્ડ ડ્રાઈવ સ્ટંટના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં ઓવર સ્પીડના 710 કેસ જ્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવના 51 કેસ નોંધાયા છે. આણંદમાં પણ ઓવર સ્પીડના 245 કેસ જ્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવના 09 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા શહેરમાં ઓવર સ્પીડના 45 કેસ નોંધવામાં આવ્યાં છે. પોલીસે સમગ્ર ગુજરાતમાં ડ્રાઈવ યોજીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને સબક શીખવ્યો છે.
અમદાવાદમાં બે દિવસમાં 192 કેસ કર્યા
અમદાવાદની વાત કરીએ તો 22 જુલાઈથી લઈને 24 જુલાઈ સુધીમાં પોલીસે વાહન ચાલકોને કાયદાનો અરિસો બતાવી દીધો છે. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ સફાળી જાગેલી પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવવા માટે ખાસ ડ્રાઈવ પર ધ્યાન આપ્યુ છે. જેમાં શહેરમાં ઓવર સ્પીડના 57, ડ્રંક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ મળીને કુલ 192 કેસ નોંધવામાં આવ્યાં છે. બીજી બાજુ આજે પોલીસે મણીનગરમાં દારૂનો નશો કરીને ડ્રાઈવિંગ કરીને અકસ્માત સર્જનાર બે આરોપીઓને જાહેર રસ્તા પર સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
DGPએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા
ગુજરાતના DGPએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા છે. રાજ્યભરમાં એક મહિના સુધી ટ્રાફિકની સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ મેગા ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.