શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અંજાર , શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (13:54 IST)

ગુજરાતમાં કુખ્યાત વ્યાજખોરો સામે GUJCTOC હેઠળ કેસ કરવામાં આવ્યો, અંજારની લેડી ડોન જેલ ભેગી

lady don
lady don
શહેરમાં વ્યાજે રૂપિયા આપીને લોકોને હેરાન પરેશાન કરી મુકવા અંગે અનેક વખત પોલીસ ફરિયાદો થયા બાદ પણ સતત કાયદાનું ઉલ્લંઘન કરતી લેડી ડોન તરીકે ઓળખાતી રિયા ગોસ્વામી અને તેના ભાઈ-બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે. કચ્છમાં પહેલીવાર એક જ પરિવારનાં સગાં ત્રણ ભાઈ-બહેન એક સાથે ગુજસીટોકના ગુનામાં જેલ ભેગા થયાં છે. ગુજરાતમાં પહેલીવાર મહિલાઓ પર અને વ્યાજખોરો પર ગુજસીટોકનો કાયદો લાગુ કરાયો છે. 
 
રિયા ગોસ્વામીને અગાઉ પાસા હેઠળ પકડવામાં આવી હતી
આરોપી રિયા ગોસ્વામી વિરુદ્ધ 2020થી અત્યાર સુધીમાં ગેરકાયદે નાણાં ધીરધાર, પઠાણી ઉઘરાણી, હુમલો કરવા સહિતની 8 ફરિયાદ દાખલ થયેલી છે. જે પૈકીની બે ફરિયાદ પઠાણી ઉઘરાણી કરીને ભોગ બનનારને મરવા મજબૂર કરવાની નોંધાઈ હતી. તેની બહેન આરતી તથા ભાઈ તેજસ વિરુદ્ધ પણ વ્યાજખોરી, મારામારી, પઠાણી ઉઘરાણીના ચાર ગુના નોંધાયેલા છે.31 જુલાઈ 2024ના રોજ અંજારનાં મુમતાઝબેન લુહારે ત્રણે ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી. રિયા ગોસ્વામીને અગાઉ પાસા હેઠળ પણ પોલીસે જેલ ભેગી કરી હતી. 
 
ત્રણેય આરોપીની અટકાયત કરી લેવામાં આવી
પોલીસવડા સાગર બાગમારેએ કહ્યું હતું કે આ ટોળકી સામે અંજાર પોલીસ સ્ટેશનમાં લોકોને વ્યાજે નાણાં ધીરધાર હેઠળ હેરાનપરેશાન કરવાના અનેક ગુનાઓ દાખલ છે. ટોળકીની મુખ્ય લીડર રિયા ગોસ્વામી અને તેના સાગરીતોમાં તેની બહેન આરતી અને ભાઈ તેજસ સામે મારામારી, માનસિક હેરાનગતિ, આત્મહત્યા માટે પ્રેરિત કરવા અને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરવા સહિતના અનેક ગુનાઓ દાખલ છે. જે અંતર્ગત આરોપીઓ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણેય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.