શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

સાનિયા-શોએબ, કોઈ સરહદ ના ઉન્હેં રોકે...!

W.D
W.D
ફિલ્મ રેફ્યુજીનું ગીત યાદ આવી રહ્યું છે. ''પંછી,નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે, સરહદે ઈન્સાનો કે લિએ હૈ સોચો તુમને ઔર મેને ક્યા પાયા ઈન્સાન હોકે''

સાચે જ પ્રેમની કોઈ સીમા હોતી નથી. Love has not any bound. પ્રેમીઓ હમેશા પોતાના પ્રેમ થકી જગતને એક અમૂલ્ય ઉદાહરણ પુરૂ પાડતા રહે છે. આવું જ એક ઉદાહરણ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન શોએબ મલિકે પૂરુ પાડ્યું છે.

આજે સવારે જ્યારે હું ઓફિસે આવ્યો ત્યારે તમામ ન્યુઝપેપરોમાં એક જ સમાચાર વાંચ્યાં કે, ટેનિસ સનસની સાનિયા મિર્જા પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન શોએબ મલિક સાથે એપ્રિલ માસમાં લગ્નગ્રંથીએ જોડાવવા જઈ રહી છે. ઈલેક્ટ્રોનિક મીડિયાએ પણ આ સમાચારો લઈને ખુબ જ હોબાળો મચાવ્યો ! ત્યારે મનમાં એક જ પ્રશ્ન થયો ભાઈ એમાં નવાઈની શું વાત છે.

આ કોઈ પહેલો દાખલો તો નથી કે, આપને યાદ હોય તો ભારતના ટેસ્ટ ક્રિકેટર મોહસીન ખાને પણ અગાઉ ભારતીય અભિનેત્રી રિના રોય સાથે લગ્ન કર્યાં હતાં અને કદાચ તેના કારણે જ મોહસિનને બોલીવુડની અમુક ફિલ્મોમાં અભિનય (ખરાબ અભિનય) કરવાનો મૌકો પણ મળી ગયો હતો. શરૂઆતમાં રિના રોય પણ મોહસિન જોડે પાકિસ્તાન ગઈ અને અંતે આ લગ્નજીવનનો કરૂણ અંજામ આવ્યો.

શોએબ મલિક પાકિસ્તાની ક્રિકેટ જગતમાં સૌથી જાણીતો અને માનીતો ચહેરો છે. જો કે, હાલ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં અનુશાસનહિનતા અને પોતાની ટીમને સહયોગ ન આપવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. પોતાનું આ દુ:ખ દૂર કરવા માટે મલિક છેલ્લા ઘણા સમયથી કોઈ સારી જીવનસાથીની શોધમાં હતાં અને કદાચ સાનિયાના રૂપમાં તેમને યોગ્ય જીવનસંગિની મળી ગઈ છે.

બીજી તરફ પોતના બાળપણના મિત્ર સોહરાબ મિર્જા સાથે સગાઈ તુટ્યાના બે માસ બાદ હવે સાનિયાના જીવનમાં પણ મલિક નામનો જીવનસાથી આવી ગયો છે. સાનિયા એપ્રિલ માસમાં આ મહાન ક્રિકેટરને પોતાના સૌંદર્યના તેજ વડે બોલ્ડ કરવા જઈ રહી છે. એ સમયને હવે વધુ વાર નથી જ્યારે સાનિયાની લગ્નની ડોલી શોએબના આંગણે આવીને ઉભી રહેશે.

બન્નેની લવ સ્ટોરી બોલીવુડની કોઈ ફિલ્મ જેવી લાગી રહી છે. કારણ કે, ફિલ્મોમાં માત્ર ત્રણ કલાકમાં હસાવી અને મનાવીને હીરો હીરોઈનો વચ્ચે પ્રેમના અંકુરણો ફૂટે છે અહીં પણ બન્ને જણાઓ વચ્ચે છ માસમાં પ્રેમના ફળગા ફૂટ્યાં અને વાત લગ્ન કરવા સુધી આવી પહોંચી. આ વાત પણ અનેક આશ્વર્ય પમાડે છે.

બોલીવુડની ફિલ્મ 'ગદર' ની કથા અને આ બન્નેની લવસ્ટોરી અમુક હદે મળતી આવે છે. 'ગદર' માં ફિલ્મનો હીરો સન્ની દેઓલ પાકિસ્તાની યુવતી અમિષા પટેલને પોતાની નવવધૂ બનાવીને ભારત લઈ આવ્યો હતો અહીં મામલો થોડો વિરુદ્ધ છે એટલે કે, એક હિન્દૂસ્તાની યુવતી પોતાના દેશના સીમાડાઓને ઓળંગીને વિદેશ જઈ રહી છે. આ મિલન માત્ર બે પરિવારો જ નહીં પરંતુ બે દેશો અને બે રમતોનું પણ છે એમાં કોઈ શંકા નથી.

શાહિદ કપૂરથી લઈને મહેશ ભૂપતિ સુધી જેના પ્રેમ સંબંધો ચર્ચાના ચગડોળે ચડ્યાં તે સાનિયા મિર્જાને સ્વયં મલિકે પણ પોતાની ભાવિ જીવનસાથીના રૂપમાં સ્વીકારી લીધી છે. મલિકે ટ્વિટર પર પોતાના પ્રેમનો ખુલ્લે આમ સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનની જિઓ ટીવી ચેનલે પણ બન્નેની સગાઈ થઈ ચૂકી હોવાનો દાવો કર્યો છે.

ટૂકમાં સાનિયા અને શોએબના મુખે કબૂલ હૈ.. કબૂલ હૈ.. કબૂલ હૈ નો નાદ સાંભળવામાં રમતપ્રેમીઓને વધુ વાર જોવી નહીં પડે, કારણ કે, ચેનલના અનુસાર આ બન્ને યુગલો આગામી 15 એપ્રિલે હમેશા હમેશા માટે એક તાંતણે જોડાવવા જઈ રહ્યાં છે.

સ્વયં સાનિયાના પિતા ઈમરાન મિર્જાએ પણ કહી દીધું છે કે, 23 વર્ષની સાનિયા લગ્ન બાદ દુબઈમાં રહેશે જ્યાં હાલ મલિક વસવાટ કરી રહ્યાં છે. બીજી તરફ શોએબના બનેવી ઈમરાન જફરે પણ બન્નેના લગ્ન આવતા માસે હૈદરાબાદમાં યોજાવાની વાત કહી છે. બન્નેના લગ્નનું રિસેપ્શન 16 અથવા તો 17 એપ્રિલના રોજ લાહોરમાં યોજાવાની સંભાવના છે.

W.D
W.D
આખરે અચાનક જ આ પ્રેમસંબંધનો ઘટસ્ફોટ કેવી રીતે થયો ? એવા પ્રશ્નો અનેક લોકોના મનમાં ભાગાદોડી કરી રહ્યાં હશે પરંતુ હકીકત તો એ છે કે, આ બન્ને યુગલો વચ્ચે પ્રેમના અંકુરણો છ માસ પહેલા જ ફૂંટવા લાગ્યાં હતાં અને કદાચ આ કારણોસર જ સાનિયાએ પોતાના બાળપણના મિત્ર સોહરાબ મિર્જા સાથે સગાઈ તોડી નાખી હતી.

બીજી તરફ સંયોગથી શોએબ મલિક પણ વર્ષ 2002 માં ઈન્ટરનેટ પર ચેટિંગ કરીને હૈદરાબાદની જ આયશા સિદ્દીકી નામની એક યુવતીની નજીક આવ્યો હતો. લોકો તો એવું પણ કહી રહ્યાં હતાં કે, બન્નેએ લગ્ન પણ કરી લીધા છે જો કે, શોએબે માત્ર આયશા સાથે સગાઈ થયું હોવાનું જ જણાવ્યું હતું. આયશાના પિતાએ હાલ તલાક ન આપવાના કારણે મલિક વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે.

વર્ષ 2006 માં મેચ બોક્સ (ઝિયો ન્યૂઝ) ને આપેલી મુલાકાતમાં શોએબે આયેશા સાથેના સંબંધોને નકારી કાઢ્યાં હતાં અને તઅને હસતા મોઢે તેની સગાઈને માત્ર એક અફવા જણાવી હતી. શોએબે જો કે, એ વાત સ્વીકારી કે, તે એ યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ તેમા તેના પરિવારની મંજૂરી ન હતી.

ખૈર સાનિયાની લગ્નની ડોલી દુબઈ જાય કે, પછી પાકિસ્તાન પણ આ ડોલીમાં સાનિયા પોતાની ટેનિસ કારકિર્દીરૂપી ભાથાને પણ સાથે લઈ જઈ રહી છે. સ્વયં શોએબે લગ્ન પછી પણ ટેનિસ સાથે નાતો રાખવા માટે સાનિયાને મંજૂરી આપી દીધી છે. જે વસ્તુ સોનિયા છેલ્લા ઘણા સમયથી ઈચ્છી રહી હતી એટલું જ નહીં પરંતુ વર્ષ 2012 માં યોજાનારા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી ઉપડાનારી સાનિયાની જીત માટે સ્વયં શોએબ પ્રાર્થના કરી રહ્યો છે.

બીજી તરફ એ પ્રણ પ્રશ્ન થઈ રહ્યો છે કે, સાચે જ આ બન્ને લગ્ન કરવાના છે કે, પછી નહીં ? ક્યાંક આ સમાચાર મીડિયા દ્વારા હમેશાની માફક ઉપજાવામાં આવેલી કોઈ ચટાકેદાર મસાલો તો નથી ને ? જેને પંચાવવો અંતે સહુને મુશ્કેલ પડે છે. ચાલો જે પણ હોય દૂધનું દૂધ કે પછી પાણીનું પાણી આખી વાત એપ્રિલ સુધીમાં તો સામે આવી જશે. ગુડલક સાનિયા એન્ડ શોએબ..