શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (12:29 IST)

ગુજરાતમાં ધારાસભ્યોના પગારવધારાનું બીલ રાજ્યપાલે વિચારણા પર રાખ્યું

વિધાનસભાના ચોમાસુ સત્રમાં સર્વાનુમતે પસાર થયેલું ધારાસભ્યોના પગાર વધારાનું બિલ રાજ્યપાલઓ.પી. કોહલી દ્વારા હજુ વિચારણા હેઠળ રખાયું છે. તે સિવાયના વિધેયકો મંજૂર કરાયા છે અને બે વિધેયક રાષ્ટ્રપતિને મોકલાયા છે. પગારવધારાના બિલ અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ખેડૂતો અને પ્રજાના પ્રશ્નોને બાજુ પર રાખીને ભાજપ અને કોંગ્રેસે એક થઇને મંત્રીમંડળ અને ધારાસભ્યોના પગારમાં 45 હજારનો જંગી વધારો કરી કુલડીમાં ગોળ ભાંગ્યો હતો. ધારાસભ્યોના પગાર વધારા મામલે સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ ઊભરો ઠાલવ્યો હતો. આ અંગેની કેટલીક રજૂઆતો રાજભવન સુધી પહોંચી હતી. ભાજપ- કોંગ્રેસ આ મુદ્દા પૂરતા એક થયા પરંતુ હજુ તેમની રાહ આસાન નથી. સપ્ટેમ્બરમાં મળેલી વિધાનસભાના બે દિવસના ચોમાસુ સત્રમાં ધારાસભ્યોના પગાર વધારા સહિત કુલ 7 બિલ પસાર કરવામાં આવ્યા હતા. જે પૈકી 4 બિલ માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, જીએસટી વિધેયક, નગરપાલિકા સુધારા વિધેયક અને બાયોટેક્નોલોજી યુનિવર્સિટી વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ચેઇન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષની સજાની જોગવાઇ સૂચવતું આઇપીસી સુધારા વિધેયક અને 75 ટકા ફ્લેટધારકોની સંમતિ હોય તો રિડેવલપમેન્ટને મંજૂરી આપતું ગુજરાત માલિકી ફ્લેટ અધિનિયમ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું છે.