2011 World Cup: આજ ના દિવસે જ 28 વર્ષનુ સપનુ થયુ હતુ પુરુ, ભારત બન્યુ હતુ વર્લ્ડ ચેમ્પિયન
2 એપ્રિલ એ ભારતીય ક્રિકેટ માટે સૌથી ખાસ તારીખ છે. આ તે દિવસ છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે 28 વર્ષની આતુરતાનો અંત લાવીને બીજી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા 1983માં કપિલ દેવની કપ્તાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમને 2011માં વર્લ્ડ કપ જીત્યાને ભલે 13 વર્ષ થઈ ગયા હોય, પરંતુ 2 એપ્રિલની તારીખ આવતા જ ફેંસના દિલમાં આ શાનદાર જીતની યાદો તાજી થઈ જાય છે.
શ્રીલંકાને હરાવીને ભારત બન્યુ હતુ વર્લ્ડ ચેમ્પિયન
વર્ષ 2011માં 2 એપ્રિલના રોજ ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલ હરીફાઈમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવતા બીજીવાર વર્લ્ડ કપનો ખિતાબ પોતાને નામે કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની વાળી ટીમ્ ઈંડિયાએ આ જીત સાથે વર્લ્ડ કપનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. ભારતીય ટીમ ઘરેલુ જમીન પર વનડે જીતનારી ક્રિકેટના ઈતિહાસમાં પહેલી ટીમ બની હતી.
ભારતને ખિતાબી મુકાલામાં 275 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો અને 28 વર્ષ બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ. આ પહેલા 1983માં ભારતે લોર્ડસમાં રમાયેલી ફાઈનલમાં વિન્ડિઝે હરાવી દુનિયામાં વિજય ડંકો વગાડ્યો હતો. તેમજ 28 વર્ષ બાદ 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2 એપ્રિલના દિવસે સર્જાયેલા દ્રશ્યોને ભારતીય લોકો કેમ ભૂલી શકે?
શ્રીલંકા સામે જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓ ખુશી અને જીતના આંસુએ રોયા હતા. ત્યારે ટીવી પર ટેલિકાસ્ટ જોઈ રહેલા કરોડો દર્શકો પણ ભાવવિભોર બની ગયા હતા.
વર્લ્ડ કપ શરૂ થયા પહેલા જે સૌથી મોટો ચર્ચાનો વિષય હતો સચિન... કેમકે ભારત દેશમાં ક્રિકેટ એક ધર્મ બની ગયો છે અને સચિન ક્રિકેટચાહકો માટે ભગવાન! ઘરઆંગણે વર્લ્ડ કપનું આયોજન એક અનોખો અવસર હતો. કેમકે એક તરફ આ વર્લ્ડ કપ સચિનની કારકિર્દીનો છલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો હતો. જેથી ક્રિકેટમાં લગભગ તમામ બેટિંગ રેકોર્ડ પોતાના નામે કરી ચૂકેલા સચિનને ટીમ ઈન્ડિયાના ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સુવર્ણ તક હતી. ઐતિહાસિક જીત અને ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ જ્યારે ટીમના સાથી ખેલાડીઓએ સચિન અને કોચ ગેરી કર્સ્ટનને ખભા પર ઉઠાવી મેદાન પર ચક્કર લગાવી તે દ્રશ્ય વર્ષો સુધી લોકોને નહીં ભૂલાય.
ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ તાજ મહેલ પેલેસમાં જશ્નની ઉજવણી કરી હતી તો કરોડો દેશવાસીઓ ટીમની ઐતિહાસિક જીતને વઘાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
એમએસ ધોનીએ મારી હતી વિનિંગ સિક્સર
આ અંતિમ મેચમાં, એમએસ ધોનીએ ભારતીય દાવની 49મી ઓવરમાં નુવાન કુલશેખરા પર લાંબી સિક્સ ફટકારીને ટીમને જીત તરફ દોરી અને 28 વર્ષની આતુરતાનો અંત લાવીને બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ક્રિકેટ ચાહકો આજ સુધી આ વિનિંગ શોટને ભૂલી શક્યા નથી અને આ જીતથી ભારતીય ટીમમાં મોટો બદલાવ આવ્યો હતો. જેના કારણે આજે ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ગણાય છે.