શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (17:02 IST)

સુરતમાં મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા 4 વર્ષના બાળકને ટ્રકે ટક્કર મારી, હાથ જુદો થઈ ગયો

surat accident news
surat accident news
સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છુટ્ટો પડી ગયો હતો. ત્યાર બાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત જોઈને માતા ભાંગી પડી હતી.

મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરો ગૌરવ અને છ દીકરી છે. પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં આવેલા બાલાજીના મંદિરે દર્શન કરવા જાય છે.આજે સવારે ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા બાલાજીના મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઇ ગયો હતો. જ્યારે શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો હતો.

ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા, હાથ અને પગ પર ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.તબીબોના જણાવ્યા પ્રમાણે, બાળકનો હાથ છુટ્ટો પડી ગયો છે. હાથ પરિવાર સાથે જ લઈને આવ્યો હતો. બાળકના માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા છે. જ્યારે જમણા પગે અને બંને હાથે ઇજાઓ થઈ છે. આ સાથે જ ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે. હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે.