ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (11:09 IST)

શાળા પ્રવેશોત્સવના લીધે ડ્રોપઆઉટ રેશિયો 37 ટકાથી ઘટીને 3 ટકાએ પહોંચ્યો

પ્રાથમિક શિક્ષણ આપતી સ્કુલોનું  ટેકનોલોજી આધારિત મુલ્યાંકન કરનારૂં સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૪૪ ગુરૂવર્યોનું સન્માન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ જ છે. રાજ્ય અને સમાજના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણ આવશ્યક પરિબળ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિનના અવસરે આયોજીત કર્યો હતો.
 
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને શોલ, પ્રશસ્તિ પત્ર તથા પુરસ્કાર રાશિથી સન્માનિત કર્યા હતા. તેમણે ૬ વિદ્યાર્થીઓનું પણ તેમની શ્રેષ્ઠતા માટે શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી અને રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સન્માન કર્યુ હતું.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પારિતોષિક પ્રાપ્ત શિક્ષકો અન્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે એવો મત વ્યકત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે. આ અમૃતકાળ માટે વડાપ્રધાનએ દેશવાસીઓને પાંચ સંકલ્પો આપ્યા છે તેમાં વિકસીત ભારતનું નિર્માણ, વિરાસત પર ગર્વ કરવું, ગુલામીની માનસિકતાનો જડમૂળથી નાશ અને એકતા વધારવા સાથે નાગરિક ધર્મના પાલનનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, દેશના અમૃતકાળ માટેના આ બધા જ સંકલ્પો સાકાર કરવા શિક્ષકો જ આવનારી પેઢીનું ઘડતર કરી તેને તૈયાર કરી શકે.
 
સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાથમિક શિક્ષણ આપતી સ્કુલોનું  ટેકનોલોજી આધારિત મુલ્યાંકન થાય છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની રાજ્યને નવી દિશા મળી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
 
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે તેમ, કંકરમાંથી શંકર બનાવવાની તાકાત શિક્ષણમાં છે. આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના પરિણામે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને તેમના વાલીઓનો સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યવસ્થાઓ પર વિશ્વાસ વધ્યો છે અને ખાનગી શાળા છોડીને તેઓ સરકારી શાળા તરફ વળ્યા છે.
 
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના પરિણામે જ ગુજરાત રાજ્યમાં વીસ વર્ષ અગાઉનો ૩૭ ટકા જેટલો સ્કુલ ડ્રોપ આઉટ રેશીયો આજે ૨ થી ૩ ટકાએ પહોંચ્યો છે. ગુજરાત સરકારે પણ સ્માર્ટ સ્કુલ, ડિજીટલ શિક્ષણનો અભિગમ અપનાવીને ટેકનોલોજીના પ્રવાહને રાજ્ય શિક્ષણને જોડ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ આજીવન શિક્ષક રહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું સ્મરણ કરીને ઉપસ્થિત તમામ લોકોને આજીવન શીખતા રહેવાની શીખ આપી હતી.
 
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર ‘બાળ દેવો ભવ’ના સૂત્રને ચરિતાર્થ કરી રહી છે. શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પહેલ હાથ ધરીને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કેળવણીના પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યાં હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ માસ્તર થી ગુરુની ઓળખ ઉભી કરીને ઉપેક્ષિતથી અપેક્ષિત શિક્ષણની રાહ ચિંધી છે.
 
શિક્ષણ વેતન નહીં, પરંતુ વતન માટેનું નોબેલ પ્રોફેસન હોવાનું જણાવી શિક્ષકો કર્તવ્યનિષ્ઠાપૂર્ણ ફરજ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના ૪૪ શ્રેષ્ઠ શિક્ષકો અને ૬ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રૈષ્ઠતા અને શિક્ષાના તપથી રાષ્ટ્રનિર્માણના સત્કાર્ય બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.