બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 એપ્રિલ 2023 (13:07 IST)

અમદાવાદના કેમ્પ હનુમાનજીની શોભાયાત્રા નીકળી, આનંદીબેન પટેલ બાદ આ વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

hanuman shobhayatra
6 એપ્રિલે હનુમાન જ્યંતી હોવાથી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે, ત્યારે શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આજે કેમ્પ હનુમાન ખાતેથી હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આરતી કરીને ઝંડી બતાવી યાત્રા શરૂ કરાવી હતી. રથયાત્રા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રીએ હનુમાનજીની શોભાયાત્રા શરૂ કરાવી છે.

6 એપ્રિલે હનુમાન જ્યંતી છે ત્યારે શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાન મંદિર ખાતે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત હાજર રહ્યા હતા. અગાઉ આનંદીબેન મુખ્યમંત્રી હતા, ત્યારે તે એક વખત કેમ્પ હનુમાનની શોભાયાત્રાના પ્રારંભમાં હતા. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ પણ પ્રથમ વખત શોભાયાત્રામાં હાજર રહ્યા છે. સવારે 8 વાગે મુખ્યમંત્રી મંદિર પહોંચ્યા હતા, જ્યાં હનુમાનજીની આરતી કરી હતી. ત્યારબાદ રથને ઝંડી આપી હતી.આ ઉપરાંત આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટે શ્રીફળ વધેરીને રથ શરૂ કરાવ્યો હતો.રથનો પ્રારંભ થતા કેમ્પ હનુમાનથી રથયાત્રા નીકળી હતી. જેમાં 30 ટ્રક, 300 ટુ વ્હીલર, 50 ગાડી છે.

રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરવા 40 સ્વાગત કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે. 20 કિમીની રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી જશે. મંદિરથી સુભાષબ્રિજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્ષ,પાલડી, અંજલિ ચાર રસ્તા, ચંદ્રનગર થઈ વાસણા પહોંચશે. 2 વાગે વાસણા પહોંચશે, ત્યાંથી 2:30 વાગે યાત્રા પ્રસ્થાન કરશે. ધરણીધર, માણેક બાગ, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા, સરદાર પટેલનું બાવળું, ઉસ્માનપુરા,સુભાષબ્રિજ થઈ યાત્રા મંદિર પરત ફરશે.6 એપ્રિલે હનુમાન જ્યંતી નિમિતે મંદિરમાં સવારે 6 વાગ્યાથી દર્શન શરૂ થશે.6:30 વાગે આરતી થશે.7 થી 9 વાગ્યા સુધી સુંદરકાંડ ચાલશે.10 વાગે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.11 વાગે મારુતિ યજ્ઞ થશે.12:40 ધજા ચઢાવવામાં આવશે.12 વાગે મંદિરમાં 5000 લોકોનો ભંડારો થશે. રાતે 12 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.