રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: આણંદઃ , મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (17:27 IST)

એનડીડીબીએ લોન્ચ કર્યું પોષણ જાગૃતતા અભિયાન, 5000 બાળકોને મળશે દૂધ

એનડીડીબીના ચેરમેન દિલિપ રથએ આણંદ સ્થિત એનડીડીબી ખાતે 16 સપ્ટેમ્બર, 2019ના રોજ ભારત સરકારના રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીને અનુરૂપ પોષણ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ડેરી બૉર્ડ 16થી 20 સપ્ટેમ્બર, 2019 દરમિયાન પોષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરશે.
 
એનડીડીબીના ચેરમેનએ આ કાર્યક્રમના ભાગરૂપે સંતુલિત પોષણ તથા દૈનિક આહારમાં દૂધ અને દૂધના ઉત્પાદનોનો સમાવેશ કરવાની જરૂરિયાત અંગેની માહિતી પ્રદર્શિત કરતા વાહનને રવાના કર્યું હતું. આ વાહન આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓની મુલાકાત લેશે અને આ સપ્તાહ દરમિયાન અંદાજે 5000 વિદ્યાર્થીઓને દૂધનું વિતરણ કરશે.
 
તેમણે જણાવ્યું હતું કે, કુપોષણ એ આપણા દેશમાં રુગ્ણતા અને ઊંચા મૃત્યુદર પાછળનું મુખ્ય કારણ છે. તે મહત્ત્વના પોષકતત્ત્વોના અપૂરતા સેવનને કારણે ઉદભવેલી સમસ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં બાળકો નાના કદના (અવિકસિત) અથવા તો ઓછું વજન ધરાવતા રહી જાય છે. એનએફએચએસ મુજબ, આપણા દેશમાં 5 વર્ષથી ઓછી વયના 36% બાળકો નિયત કરતા ઓછું વજન ધરાવે છે અને 38% નાના કદના (અવિકસિત) છે.
દૂધ એક સંપૂર્ણ આહાર છે અને એક સંતુલિત આહારનું ખૂબ જ મહત્ત્વનું ઘટક પણ છે. તે પ્રોટીન, વિટામિન્સ અને વિવિધ ખનીજદ્રવ્યો જેવા વિવિધ પ્રકારના મેક્રો અને માઇક્રો પોષકતત્ત્વોથી સમૃદ્ધ હોય છે, જે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આવશ્યક છે. વિવિધ અભ્યાસોએ દર્શાવ્યું છે કે, બાળક જો દૂધનું નિયમિત સેવન કરે તો તેનાથી તેમનું સ્વાસ્થ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરવા સંબંધિત તેમના માપદંડો સુધરે છે તેમજ પોષકતત્ત્વો સંબંધિત ઊણપો ઘટે છે.
 
દિલિપ રથેએ જણાવ્યું હતું કે, સ્થાનિક રીતે ઉપલબ્ધ સ્થાયી આહારને પ્રચલિત કરવાથી તે આપણી ભવિષ્યની પેઢીના સેવનના વિકલ્પોને પ્રભાવિત કરશે તેમજ ક્લાઇમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન)ના યુગમાં આપણી નબળી કૃષિ-આહાર પ્રણાલીનું સંરક્ષણ કરવા ઉપરાંત આપણા ખેડૂતોને ફાયદો પહોંચાડશે. આ દિશામાં લેવામાં આવેલ પ્રત્યેક નાનું ડગલું આપણને વર્ષ 2022 સુધીમાં કુપોષણમુક્ત ભારત બનાવવાના મિશનને પ્રાપ્ત કરવાની સ્થિરપણે નિકટ દોરી જશે.
 
કુપોષણની સમસ્યાને ઉકેલવાના ઉદ્દેશ્યથી એનડીડીબીએ એનડીડીબી ફાઉન્ડેશન ફૉર ન્યુટ્રીશન (એનએફએન)ની સ્થાપના કરી છે, જેથી કરીને સરકારી શાળાઓમાં ભણતા બાળકોને દૂધ પૂરું પાડી શકાય. એનએફએનના ‘ગિફ્ટ’ મિલ્ક પ્રોગ્રામનું સંચાલન કૉર્પોરેટ્સની સીએસઆરની ફાળવણીને આ તરફ વાળીને કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં તમામ ચાલુ દિવસે સરકારી શાળાના પ્રત્યેક બાળકને 200 મિલિ ફ્લેવરવાળુ પેસ્ચુરાઇઝ અને ટૉન કરેલું દૂધું પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં એનએફએનએ સમગ્ર દેશના 7 રાજ્યમાં લગભગ 48,000 બાળકોને અંદાજે 70 લાખ યુનિટ દૂધનું વિતરણ કર્યું છે.