ધોરણ 10માં પાસ થવાની ખુશીમાં ત્રણ મિત્રો કેનાલમાં ન્હાવા પડ્યા, બેના ડૂબી જવાથી મોત
Happy to pass class 10, three friends took a bath in the canal
સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને કિશોરોના મૃતદેહ પાંચ કલાક બાદ બહાર કઢાયા
ખેડાના મહિજ ગામમાંથી પસાર થતી મેશ્વો કેનાલમાં ત્રણ કિશોરો ન્હાવા પડ્યા હતાં જેમાંથી બે કિશોરોનુ ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન કેનાલમાંથી એક કિશોર બહાર નિકળ્યો હતો અને અન્ય બેની શોધખોળ શરૂ કરાઈ હતી. તરવૈયાઓની મદદથી બંને કિશોરોના મૃતદેહ પાંચ કલાક બાદ બહાર કઢાયા હતાં. ખેડા પોલીસે બંને કિશોરોના મૃતદેહ ખેડા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ધોરણ 10માં પાસ થયાની ખુશીમાં કેનાલમાં ન્હાવા પડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરણ 10માં પાસ થયાની ખુશીમાં ગઈ કાલે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ રાધેશ્યામ હાઉસિંગ બોર્ડમાં રહેતો 17 વર્ષીય મોહિત તેના મિત્રો 16 વર્ષીય જયસ્વાલ પ્રાંજલ અને સચિન રાજપૂત એમ ત્રણેય મિત્રો ઘરેથી વાહન લઈને મોહિતના ધોરણ 10નું પરિણામ લેવા ગેરતપુર નૂતન સ્કૂલમાં ગયા હતા. પરીક્ષામાં મોહિત પાસ થઈ જતાં ત્રણે મિત્રો ખુશ થયા હતાં અને પોતાની ખુશીને મનાવવા માટે તેમણે કેનાલમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો.ત્રણેય મિત્રો ખેડાના મહિજથી પસાર થતી નાની મેશ્વો કેનાલમાં નાહવા માટે પડ્યા હતા.ત્રણેય મિત્રો નાની કેનાલમાં નાહવા માટે પડ્યા પણ તેમને થયું કે મોટી કેનાલમાં નહાવા જઈએ અને ત્રણેય બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં નાહવા માટે ગયા.
બંને કિશોરોનો પરિવાર શોકમાં ગરકાવ
જોકે મોહિત અને પ્રાંજલ બંને નહાવા માટે કેનાલમાં પડ્યા હતાં પણ કેનાલમાં વધુ પાણી હોવાથી સચિન કેનાલમાં નાહવા માટે ગયો નહોતો. બંને મિત્રો કેનાલમાં મસ્તી કરતા હતા. જોકે થોડા સમય બાદ સચિનને ખ્યાલ આવ્યો કે કેનાલમાં બંને દેખાતા નથી અને બંને મિત્રો કેનાલમાં ન દેખાતા સચિને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સહિત સ્થાનિક તંત્ર પણ સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં ગુમ થયેલા બંને કિશોરોની શોધખોળ શરૂ કરી હતી બાદમાં 5 કલાકની ભારે જેહમત બાદ મોહિત અને પ્રાંજલના મૃતદેહ મળી આવ્યા હતા. દરમ્યાન કિશોરોના પરિજનો પણ ઘટના સ્થળે પોહચ્યા હતા. પરિજનો પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા હતા. બંને કિશોરોનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.