રાજ્યનાં 72 જળાશયોમાં 10%થી પણ ઓછું પાણી પણ નર્મદા હજુ 4 મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે છે
ચોમાસા આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય છે. સિંચાઇ માટે પાણીના પ્રશ્નો વચ્ચે એક રાહતના સમાચાર છે કે રાજ્યમાં અમુક વિસ્તારોને છોડીને પીવાના પાણીની સમસ્યા બહુ નહીં સર્જાય. સરદાર સરોવર ગુજરાતનું પાણિયારું સાબિત થયું છે અને હાલમાં લાઇવ સ્ટોરેજ પ્રમાણે આગામી 4 મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે છે.
રાજ્યના જળાશયોમાં 45 ટકા જળસંગ્રહ છે. માત્ર 19 ડેમોમાં જ 50 ટકાથી વધારે પાણીનો સંગ્રહ છે. રાજ્યના 72 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરમાં 51 ટકાથી વધારે જળસંગ્રહ છે. હાલની સ્થિતિએ ડેમમાં લાઇવ સ્ટોરેજ 1.16 લાખ કરોડ લીટર છે. ગુજરાતની હાલની અંદાજિત વસ્તીને પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન 120 લીટરની ગણતરીએ સરદાર સરોવરનું પાણી 135 દિવસ આસપાસ ચાલી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 15 ટકાથી પણ ઓછું પાણી છે. બનાસકાંઠામાં માત્ર 4.77 ટકા, અરવલ્લી જિલ્લામાં 6 ટકા જ્યારે સાબરકાંઠામાં 4 ટકા જ લાઇવ સ્ટોરેજ છે.પાણી પુરવઠા બોર્ડના 22 મેના રિપોર્ટ મુજબ, રાજ્યના 5 જિલ્લાના 89 ગામોમાં 57 ટેન્કર દ્વારા પાણીના 187 ફેરા કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના 8 તાલુકાના 64 ગામોમાં ટેન્કરના 132 ફેરા કરવામાં આવ્યા હતા. કચ્છના 4 તાલુકાના 11 ગામોમાં ટેન્કરના 22 ફેરા કરવામાં આવ્યા હતા.રાજ્યની હાલની અંદાજિત વસ્તી 7 કરોડ છે. પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન 120 લીટર ની ગણતરીએ સરદાર સરોવરનું પાણી 135 દિવસ આસપાસ ચાલી શકે. અમદાવાદની પાણીની જરૂરિયાત 1200 મિલિયન લીટર પ્રતિ દિવસ છે